દેશના 8 રાજ્યોમાં હિન્દુઓને મળી શકે છે લઘુમતીનો દરજ્જો, જાણો શું છે કાયદો
ભારતના આઠ રાજ્ય એવા છે કે જ્યાં હિન્દુઓની સંખ્યા 50 ટકાથી પણ ઓછી છે
આ રાજ્યમાં હિન્દુ લઘુમતીમાં હોવાથી તે અંગે સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી
Hindu Minorities in Indian States: જો કોઈ દેશમાં કોઈપણ ધર્મના લોકોની સંખ્યા ઓછી હોય તો તેને લઘુમતી જાહેર કરવામાં આવે છે. ભારતમાં શીખ, ખ્રિસ્તી, બૌદ્ધ, પારસી, મુસ્લિમ અને જૈન હાલ આ છ ધર્મને લઘુમતી જાહેર કરવામાં આવી છે. વર્ષ 2014 પહેલા પાંચ ધર્મ જ લઘુમતીનો દરજ્જો ધરાવતા હતા. ત્યારબાદ, જૈન ધર્મને પણ આ શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ ભારતમાં એવા અમુક રાજ્યો છે કે જ્યાં હિન્દુઓની વસ્તી પણ ઓછી છે તેમ છતાં પણ તેમને લઘુમતીનો દરજ્જો નથી મળ્યો. જો કે કાયદા પ્રમાણે તેમને મળવો જોઈએ. તો જાણીએ કે ભારતમાં લઘુમતી માટે કાયદો શું કાયદો છે અને ક્યાં રાજ્યમાં હિન્દુઓની કેટલી વસ્તી છે?
લઘુમતી માટે ભારતમાં કાયદો શું છે?
1978માં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લઘુમતીઓ માટે કમિશન બનાવવાની વાત કરી હતી. આ ઉપરાંત એમાં કહેવામાં આવ્યું હતું કે બંધારણમાં અધિકારો અને કાયદાઓ આપેલા હોવા છતાં દેશમાં લઘુમતી વર્ગની સ્થિતિ સારી નથી. જેને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય લઘુમતી આયોગ કાયદો 1992માં બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત બંધારણના અનુચ્છેદ 29 અને 30માં ધાર્મિક અને ભાષાકીય લઘુમતીઓને વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે. જેમાં અનુચ્છેદ 29(1) મુજબ, કોઈપણ સમુદાયના લોકો જે ભારતના કોઈપણ રાજ્ય કે ક્ષેત્રમાં રહે છે તેમને પોતાની પ્રાદેશિક ભાષા, લિપિ કે સંસ્કૃતિને સંરક્ષણ આપવાનો સંપૂર્ણ અધિકાર રહેશે.
ભારતના આઠ રાજ્યોમાં હિન્દુઓની સંખ્યા 50 ટકાથી પણ ઓછી છે. આથી તે રાજ્યોમાં હિન્દુઓ લઘુમતી શ્રેણીમાં આવે છે. તેને ધ્યાને લેતા વર્ષ 2017માં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં જમ્મુ-કાશ્મીરમાં લઘુમતીના હિતોનું રક્ષણ કરવાનું કહેવામાં આવ્યુ હતુ. અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે વર્ષ 2007-2008માં કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સ્તરે લઘુમતીઓ માટે 20,000 શિષ્યવૃત્તિ આપી હતી. જે અંતર્ગત જમ્મુ-કાશ્મીરમાં 753 શિષ્યવૃત્તિઓ મળી હતી. જેમાંથી જમ્મુ-કાશ્મીરમાં મુસ્લિમોને લઘુમતી શ્રેણીમાં ન હોવા છતાં પણ 717 શિષ્યવૃત્તિ મળી હતી.
આ આઠ રાજ્યોમાં છે હિન્દુઓ લઘુમતીમા
એડવોકેટ અશ્વિની કુમાર ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતના જમ્મુ અને કાશ્મીર, પંજાબ, લક્ષદ્વીપ, મિઝોરમ, નાગાલેન્ડ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને મણિપુર જેવા આઠ રાજ્યોમાં હિન્દુઓને લઘુમતીનો દરજ્જો મળવો જોઈએ. કારણ કે આ આઠ રાજ્યોમાં હિન્દુઓની વસ્તી ઓછી છે. પરંતુ તેના પર તત્કાલિન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની બેંચે કહ્યું કે લઘુમતીઓ સાથે સંબંધિત મામલાઓનો નિર્ણય માત્ર રાષ્ટ્રીય લઘુમતી આયોગ જ લઈ શકે છે. એટલા માટે અરજદારે લઘુમતી આયોગમાં જવું જોઈએ. એકંદરે હિન્દુઓને કોઈપણ સંજોગોમાં લઘુમતી જાહેર કરી શકાય નહીં.
આ રાજ્યમાં હિન્દુઓની સંખ્યા કેટલી?
અશ્વિની કુમાર ઉપાધ્યાયની અરજી પ્રમાણે લદ્દાખમાં હિન્દુઓની વસ્તી 1 ટકા, મિઝોરમમાં 2.75 ટકા, લક્ષદ્વીપમાં 2.77 ટકા, કાશ્મીરમાં 4 ટકા, નાગાલેન્ડમાં 8.74 ટકા, મેઘાલયમાં 11.52 ટકા, અરુણાચલ પ્રદેશ 29 ટકા, મણિપુરમાં 41.29 ટકા અને પંજાબમાં 38.49 ટકા હિન્દુ છે.