શું મહારાષ્ટ્રની સાથે થઈ શકે છે દિલ્હી વિધાનસભાની ચૂંટણી? જાણો કાયદામાં શું છે જોગવાઈ
Delhi Assembly Elections: દિલ્હીમાં રાજકીય ઉથલપાથલ ચાલું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ તેમણે કેન્દ્ર સરકારને વહેલી તકે ચૂંટણી કરાવવાની માગ પણ કરી છે. આ તમામ ઘટનાક્રમ અરવિંદ કેજરીવાલના જેલમાંથી બહાર આવ્યાના બે દિવસ બાદ થઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટે તેમને દિલ્હી લિકર પોલિસી કૌભાંડ મામલે જામીન આપી દીધા છે.
દિલ્હી સરકારમાં મંત્રી આતિશી અને સૌરભ ભારદ્વાજે પણ મહારાષ્ટ્રની સાથે રાજ્યમાં ચૂંટણી કરાવવાની માગ કરી છે. બીજી તરફ કેજરીવાલના રાજીનામાની જાહેરાત બાદ રાજકારણ ગરમાયુ છે. દેશની સત્તારૂઢ ભાજપે આને 'પીઆર સ્ટંટ' ગણાવ્યો છે. બીજી તરફ દિલ્હી કોંગ્રેસે પણ દિલ્હીના મુખ્યમંત્રીના રાજીનામાની જાહેરાતને માત્ર દેખાડો ગણાવી છે.
હાલમાં દિલ્હીમાં શું થઈ રહ્યું છે?
દેશની રાજધાનીમાં ગત શુક્રવારથી રાજકીય ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટી રાહત મળી. સુપ્રીમ કોર્ટે તેમને શરતી જામીન આપ્યા હતા. કેજરીવાલ શુક્રવારે સાંજે તિહાર જેલમાંથી બહાર આવ્યા હતા. કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા જૂનના અંતમાં AAP નેતાની ધરપકડ કરવામાં આવી હતી.
જેલમાંથી બહાર આવ્યા બાદ જ દિલ્હીનું રાજકારણ ગરમાવા લાગ્યું હતું. AAP સુપ્રીમોએ ત્યારબાદ પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરી. બીજી તરફ ગત રવિવારે કેજરીવાલે દિલ્હીમાં AAP કાર્યાલયમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન કેજરીવાલે સીએમ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરીને તમામને ચોંકાવી દીધા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે હું બે દિવસ બાદ સીએમ પદ પરથી રાજીનામું આપી દઈશ. જ્યાં સુધી જનતા મને ઈમાનદારીનું પ્રમાણપત્ર નહીં આપે ત્યાં સુધી હું મુખ્યમંત્રીની ખુરશી પર નહીં બેસીશ. ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવશે અને તેમાં નવા મુખ્યમંત્રીના નામ પર સર્વસંમતિ સાધવામાં આવશે.
શું મહારાષ્ટ્રની સાથે દિલ્હીમાં ચૂંટણી થઈ શકે છે?
હવે સવાલ એ છે કે, શું દિલ્હીમાં સમય પહેલા વિધાનસભા ચૂંટણી થઈ શકે છે? હવે આ મુદ્દે સુપ્રીમ કોર્ટના વકીલ અને બંધારણના જાણકાર વિરાગ ગુપ્તાએ જણાવ્યું કે, કહેવામાં આવી રહ્યું છે કે, મોદી-3.0ના કાર્યકાળમાં એક દેશ એક ચૂંટણીનો એજન્ડા પૂર્ણ થશે. આ માટે રાજ્યોની વિધાનસભા ચૂંટણીનું કેલેન્ડર એડજસ્ટ કરવું પડશે. જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 15 મુજબ ચૂંટણી પંચ વિધાનસભાની મુદત પૂરી થયાના 6 મહિનાની અંદર વિધાનસભાની વહેલી ચૂંટણી કરાવવાનો નિર્ણય લઈ શકે છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ ઓક્ટોબર 2019માં અને દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી ફેબ્રુઆરી 2020માં યોજાઈ હતી. તેથી બંધારણીય રીતે બંને રાજ્યોમાં એકસાથે વિધાનસભાની ચૂંટણી થઈ શકે છે.
એક નિષ્ણાતે જણાવ્યું કે, દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ આગામી વર્ષે 23 ફેબ્રુઆરીએ પૂરો થાય છે અને ફેબ્રુઆરીની શરૂઆતમાં ચૂંટણી થવાની આશા છે. જો કે, કેજરીવાલે રવિવારે માગ કરી હતી કે મહારાષ્ટ્રની સાથે-સાથે દિલ્હીમાં નવેમ્બરમાં ચૂંટણી યોજવામાં આવે. મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. કાયદેસર રીતે ચૂંટણી પંચ પાસે મહારાષ્ટ્રની સાથે દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી કરાવવાની સત્તા છે. પરંતુ અગાઉ દિલ્હીમાં ચૂંટણી અલગથી યોજાઈ હતી. ચૂંટણી પંચ પાસે મહારાષ્ટ્ર અને દિલ્હી ચૂંટણી એકસાથે કરાવવાનું એક કારણ હોવું જોઈએ.
વહેલી ચૂંટણી યોજવામાં કોની શું ભૂમિકા?
નિષ્ણાતે કહ્યું કે, દિલ્હી સરકારે વહેલી ચૂંટણીની માગ માટે ચૂંટણી પંચને કારણો આપવા પડશે. બંધારણ અને જનપ્રતિનિધિત્વ અધિનિયમના નિષ્ણાતે કહ્યું કે સરકારે ચૂંટણી પંચને પત્ર લખવો પડશે અને પંચને વહેલી ચૂંટણી યોજવાનું કારણ જણાવવું પડશે. જો કે અંતિમ નિર્ણય ચૂંટણી પંચ જ લેશે.
ચૂંટણી યોજવા પહેલા ચૂંટણી પંચ શું-શું કરે છે?
વિધાનસભાનો કાર્યકાળ પૂરો થવા પહેલા ચૂંટણી યોજવા માટે ચૂંટાયેલી રાજ્ય સરકારની કેબિનેટે વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરવાની હોય છે. તે પ્રમાણે ઉપરાજ્યપાલ વિધાનસભા ભંગ કરવા અને નવી વિધાનસભાની રચનાની પ્રક્રિયાની ભલામણ કરી શકે છે. તે ભલામણો પ્રમાણે ચૂંટણી પંચ વિધાનસભાની ચૂંટણી વહેલી યોજવા માટે પોતાની મહોર લગાવી શકે છે. આ માટે ચૂંટણી પંચે અનેક પાસાઓ પર વિચાર કરવો પડે છે. ચૂંટણી પંચ નવા મતદારોના સમાવેશ સાથે મતદાર યાદીની અપડેટ, EVMની ઉપલબ્ધતા, તહેવારો અનુસાર વહીવટી અધિકારીઓ, પોલીસ અને પેરામિલિટ્રી ફોર્સની ઉપલબ્ધતા અને વહેલી ચૂંટણી યોજવા સંબંધિત આર્થિક પાસાઓનું મૂલ્યાંકન કર્યા બાદ વહેલી ચૂંટણી યોજવા માટે સહમતિ આપે છે.
અન્ય એક નિષ્ણાતે જણાવ્યું કે દિલ્હીમાં મતદાર યાદી 1 જાન્યુઆરી, 2025ના રોજ અપડેટ કરવામાં આવશે, જે તેની ક્વોલીફાઈંગ તારીખ છે. જ્યારે મતદાર યાદી અપડેટ થાય ત્યારે જ નવા નોંધાયેલા મતદારો પોતાનો મત આપી શકે છે. નિષ્ણાતના મતે તેથી ચૂંટણી પંચ દિલ્હીમાં નિર્ધારિત કાર્યક્રમ મુજબ ચૂંટણી કરાવવાનું પસંદ કરી શકે છે.
વિધાનસભા ભંગ ન કરવામાં આવી પરંતુ વહેલી ચૂંટણીની માગ થઈ રહી છે, શું આ શક્ય છે?
દિલ્હીમાં વહેલી ચૂંટણી કરાવવાની સાથે જ વિધાનસભા ભંગ કરવા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશીએ આ સવાલ પર પ્રતિક્રિયા આપી છે. આતિશીએ કહ્યું કે જો કોઈપણ વિધાનસભાનો કાર્યકાળ છ મહિનાથી ઓછો હોય તો કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ કોઈપણ સમયે ચૂંટણી કરાવી શકે છે. તેથી દિલ્હી વિધાનસભા ભંગ કરવાની જરૂર નથી.
આ પાસા પર વકીલ વિરાગ ગુપ્તાએ કહ્યું કે, દિલ્હીમાં મુખ્યમંત્રી કેજરીવાલે રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે પરંતુ હજુ સુધી વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરવામાં નથી આવી. દિલ્હીમાં વહેલી વિધાનસભાની ચૂંટણી કરાવવા માટે દિલ્હી સરકારની ભલામણ, ઉપરાજ્યપાલની ભલામણ અને ચૂંટણી પંચની સહમતિ સાથે કેન્દ્ર સરકારની મંજૂરી જરૂરી છે. મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં વોટર લિસ્ટના સમરી રિવીઝન પર ચૂંટણી પંચે ઘણા મહિના પહેલા કામ શરૂ કરી દીધું છે. પરંતુ દિલ્હીમાં આ પ્રક્રિયા ગત મહિને ઓગસ્ટથી જ શરૂ થઈ છે. તેથી ચૂંટણીની સંપૂર્ણ તૈયારીઓ કર્યા બાદ જ ચૂંટણી પંચ દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી વહેલી યોજવા અંગે નિર્ણય લઈ શકે છે.