શું કોઈ મુખ્યમંત્રીની ધરપકડ કરી શકાય, કેજરીવાલ ધરપકડ બાદ પણ રહેશે સીએમ? જાણો કાયદો શું કહે છે
દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં કેજરીવાલને 3 વખત નોટિસ મોકલાઈ
ED દ્વારા ચોથી વખત સમન્સ મોકલવાની તૈયારી છે ત્યારે પ્રશ્ન થાય કે સીએમની ધરપકડ થઇ શકે કે કેમ?
Legal provisions for arresting any Chief Minister: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ધરપકડની તલવાર લટકી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), જે દિલ્હી દારૂ કૌભાંડ કેસની તપાસ કરી રહી છે, તેણે કેજરીવાલને પૂછપરછ માટે ત્રણ વખત સમન્સ જારી કર્યા છે. પરંતુ તેઓ હજુ સુધી ED સમક્ષ હાજર થયા નથી. હવે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ED વોરંટ જારીને કસ્ટડીમાં લઈ શકે છે. AAP આ બાબતે ચિંતામાં છે, જો કે આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે કેજરીવાલ જેલમાં જશે તો પણ તેઓ ત્યાંથી જ સરકાર ચલાવશે. કેબિનેટની બેઠક જેલમાંથી જ યોજાશે. પરંતુ શું મુખ્યમંત્રી જેલમાંથી સરકાર ચલાવે તે શક્ય છે? આ મામલે કાયદો શું કહે છે? શું આવો કોઈ કિસ્સો અગાઉ પ્રકાશમાં આવ્યો છે? જાણીએ આ બધા જ પ્રશ્નોના જવાબો.
શું મુખ્યમંત્રીની ધરપકડ કરવી સરળ છે?
ભારતીય બંધારણના અનુચ્છેદ 361 અનુસાર દેશના રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ જ્યાં સુધી પદ પર છે ત્યાં સુધી તેની ધરપકડ કે અટકાયત કે તેની સામે કોઈ આદેશ જારી કરી શકાય નહીં. તેમને સિવિલ અને ફોજદારી બંને કેસોમાં છૂટ મળે છે. જો કે, મુખ્યમંત્રી કે વડા પ્રધાન વગેરેને આ છૂટ ફક્ત સિવિલ બાબતોમાં જ હોય છે. ફોજદારી કેસમાં સંસદ, વિધાનસભા અથવા વિધાન પરિષદના સભ્યની ધરપકડ થઈ શકે છે. જો કે, આ માહિતી સ્પીકર અથવા અધ્યક્ષને આપવી જરૂરી છે.
ક્રિમિનલ કેસમાં મુખ્યમંત્રીની ધરપકડ થઈ શકે?
સિવિલ પ્રોસિજર સંહિતા 135 હેઠળ, કોઈપણ મુખ્યમંત્રી અથવા વિધાન પરિષદના સભ્યની ધરપકડ કરી શકાતી નથી. જો કે, આ મુક્તિ માત્ર કાયદાકીય બાબતોમાં છે. આવી સ્થિતિમાં, જો કોઈપણ મુખ્યમંત્રી અથવા વિધાનસભાના સભ્ય વિરુદ્ધ કોઈપણ પ્રકારનો ફોજદારી કેસ નોંધવામાં આવે છે, તો તેને સિવિલ પ્રોસિજર કોડ હેઠળ ઇમ્યુનિટી મળતી નથી અને તેની ધરપકડ થઈ શકે છે. કાયદા મુજબ જો કોઈ મુખ્યમંત્રીની ધરપકડ કરવી હોય તો પહેલા ગૃહના અધ્યક્ષની મંજૂરી લેવી ફરજિયાત છે અને મંજૂરી મળ્યા બાદ જ મુખ્યમંત્રીની ધરપકડ થઈ શકે છે.
કલમ 135 એમ પણ કહે છે કે વિધાનસભા સત્ર શરૂ થયાના 40 દિવસ પહેલા અને સત્ર સમાપ્ત થયાના 40 દિવસ પછી કોઈપણ મુખ્યમંત્રી કે વિધાનસભાના સભ્યની ધરપકડ કરી શકાતી નથી. તેમજ મુખ્યમંત્રી કે કોઈપણ વિધાનસભા સભ્યની ગૃહમાંથી પણ ધરપકડ થઇ શકે નહી.
જેલ જતા પહેલા રાજીનામું આપવું જરૂરી?
કોઈ પણ મુખ્યમંત્રી કે મંત્રી વગેરેએ માત્ર જેલમાં જઈને રાજીનામું આપવાની જરૂર નથી. અહીં વાત આરોપ તેમજ તે આરોપ સિદ્ધ થવા પર આધાર રાખે છે. જ્યાં સુધી વ્યક્તિ માત્ર આરોપી છે ત્યાં સુધી તેને કાયદેસર રીતે પદ પરથી દૂર કરી શકાય નહીં.
કયા મુખ્યમંત્રીની પ્રથમવાર ધરપકડ કરવામાં આવી હતી?
દેશનો મુખ્યમંત્રીની ધરપકડ કરવાનો પહેલો કિસ્સો તમિલનાડુમાં બન્યો છે. તમિલનાડુના મુખ્યમંત્રી જે. જયલલિતા પર ગામડાઓ માટે રંગીન ટેલિવિઝન સેટ ખરીદવામાં ભ્રષ્ટાચારનો આરોપ હતો. આ પછી, વધુ પ્રમાણમાં સંપત્તિના કેસમાં 7 ડિસેમ્બર 1996ના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી. તેમને પોતાના પદ પરથી પણ રાજીનામું આપવું પડ્યું હતું અને એક મહિના સુધી જેલમાં રહેવું પડ્યું. ક્રિમિનલ પ્રોસિજર કોડ, 1973ની જોગવાઈઓ અનુસાર કેન્દ્રીય એજન્સી કોર્ટમાંથી ધરપકડ વોરંટ જારી કરીને કોઈપણ વ્યક્તિની ધરપકડ કરી શકે છે.