Get The App

મહિલાના શરીરને જોઈ 'ફાઇન' કહેવું પણ યૌન ઉત્પીડન સમાન, કેરળ હાઇકોર્ટનું મહત્ત્વપૂર્ણ અવલોકન

Updated: Jan 8th, 2025


Google NewsGoogle News
મહિલાના શરીરને જોઈ 'ફાઇન' કહેવું પણ યૌન ઉત્પીડન સમાન, કેરળ હાઇકોર્ટનું મહત્ત્વપૂર્ણ અવલોકન 1 - image


Image: Wikipedia 

Kerala High Court: કેરળ હાઇકોર્ટે એક કેસની સુનાવણી કરતાં કહ્યું કે કોઈ મહિલાની શારીરિક રચના પર ટિપ્પણી કરવી યૌન ઉત્પીડન હેઠળ સજાપાત્ર ગુનો હોઈ શકે છે. જસ્ટિસ એ. બદરુદ્દીને આ સંબંધિત કેરળ રાજ્ય વિદ્યુત બોર્ડ (કેએસઈબી)ના એક પૂર્વ કર્મચારીની અરજીને ફગાવતાં આ નિર્ણય સંભળાવ્યો. આ અરજીમાં આરોપીએ એક મહિલા કર્મચારી દ્વારા તેના વિરુદ્ધ દાખલ યૌન ઉત્પીડનનો કેસ રદ કરવાની વિનંતી કરી હતી.

આ મહિલાએ અરજીમાં આરોપ લગાવ્યો હતો કે 'આરોપી 2013થી મારા વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરતો હતો. 2016-17માં તેણે મને વાંધાજનક વોઇસ મેસેજ મોકલવાનું શરુ કરી દીધું. કેએસઈબી અને પોલીસમાં ફરિયાદ બાદ પણ તે મને વાંધાજનક મેસેજ મોકલતો હતો. ’

આ ફરિયાદોના આધારે આરોપી સામે IPCની કલમ 354 એ (યૌન ઉત્પીડન) અને 509 (મહિલાની ગરિમાને અપમાનિત કરવી) અને કેરળ પોલીસ ઍક્ટની કલમ 120 (ઓ) (અનિચ્છનીય કોલ, પત્ર, લેખિત, મેસેજ મોકલવા માટે સંચારના કોઈ પણ માધ્યમનો ઉપયોગ કરીને હેરાનગતિ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ભાજપના વિવાદિત નેતા રમેશ બિધૂડીને મહિલા વિરોધી ટિપ્પણી ભારે પડી! ટિકિટ છીનવી લેવા પક્ષમાં મંથન

આ કેસ રદ કરવાની વિનંતી કરતાં આરોપીએ દાવો કર્યો કે ‘કોઈ મહિલાની સુંદર શારીરિક રચના માટે ટિપ્પણી કરવી તે આઇપીસીની કલમ 354 એ અને 509 તથા કેરળ પોલીસ ઍક્ટની કલમ 120 (ઓ) હેઠળ યૌન ઉત્પીડનની શ્રેણીમાં માની શકાય નહીં.’

જો કે મહિલાની દલીલ હતી કે ‘આરોપીના ફોન કૉલ અને મેસેજમાં અભદ્ર ટિપ્પણીઓ હતી, જેનો હેતુ મહિલાને પરેશાન કરવાનો અને તેની ગરિમાને ઠેસ પહોંચાડવાનો હતો. કામના સ્થળે પણ આ આરોપી મહિલાના શરીરને જોઈને 'ફાઇન' કહેતો હતો, જેને હેરાનગતિ જ કહેવાય.’

આમ, કેરળ હાઇકોર્ટે બંને પક્ષની દલીલો અને પુરાવાનું અવલોકન કરીને છઠ્ઠી જાન્યુઆરીએ આરોપી વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો. 


Google NewsGoogle News