2025નું ચૂંટણી કેલેન્ડર, દિલ્હીથી શરુઆત બિહારમાં અંત... દેશની સૌથી ધનિક કૉર્પોરેશન માટે યોજાશે મતદાન
Election Calendar 2025 : દેશમાં લોકસભા ચૂંટણી અને આઠ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પરિણામોના ઇતિહાસ સાથે વર્ષ 2024ની વિદાય થઈ છે. ભાજપ લોકસભા ચૂંટણીમાં બેકફૂટ પર આવી ગઈ છે, જોકે ત્યારબાદ તેણે હરિયાણા અને મહારાષ્ટ્રમાં જોરદાર દબદબો બનાવ્યો છે. હવે નવા વર્ષનું એટલે કે 2025નું ચૂંટણી કેલેન્ડર સામે આવ્યું છે. દેશમાં નવા વર્ષે રાજધાની દિલ્હીથી વિધાનસભા ચૂંટણીની શરુઆત થશે અને બિહારની વિધાનસભા ચૂંટણીમાં સમાપ્ત થશે. આ ઉપરાંત દેશના સૌથી ધનિક કૉર્પોરેશન બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન(BMC)ની પણ ચૂંટણી યોજાવાની છે.
દિલ્હી-બિહારમાં વિધાનસભાની, BMCમાં કૉર્પોરેશનની ચૂંટણી
આપણે નવા વર્ષ 2025માં પ્રવેશ કરી લીધો છે. આ વર્ષે દેશના બે રાજ્યો દિલ્હી અને બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે અને આ બંને રાજ્યોમાં રાજકીય ધમપછાડા જોવા મળી રહ્યા છે. વાસ્તવમાં દેશના દિલ એટલે કે રાજધાની દિલ્હીમાં આમ આદમી પાર્ટી છેલ્લા 10 વર્ષથી શાસન કરી રહી છે અને તેને શાસન પરથી ઉખેડી કાઢવા માટે ભાજપ ભરપૂર પ્રયાસો કરી રહી છે. બીજી તરફ બિહારમાં JDUના નેતા નીતિશ કુમાર લાંબા સમયથી શાસન જમાવીને બેઠા છે. આમ તો જેડીયુ ભાજપનો જ સાથી પક્ષ છે, જોકે તેમ છતાં રાજકીય ચર્ચાઓ મુજબ ભાજપ આ રાજ્યમાં શાસન મેળવવાના પ્રયાસો કરી રહી છે.
આ પણ વાંચો : નવા વર્ષના પ્રથમ દિવસે મોટી રાહત, LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, જાણો ક્યાં કેટલું સસ્તું
ભાજપ દિલ્હીની સત્તાથી 27 વર્ષ દૂર, બિહારમાં સાથી પક્ષના સહારે
ભાજપ માટે દિલ્હી બાદ વધુ એક સૌથી મોટો પડકાર બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણી છે, જ્યાં ત્રણ વર્ષથી ગ્રહણ લાગેલું છે. ભાજપ દિલ્હીમાં પોતાના દમ પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સામે મુકાબલો કરશે, જ્યારે બિહારમાં પોતાના સાથી પક્ષના સહારે ચૂંટણી મેદાનમાં ઉતરશે. ભાજપ છેલ્લા 27 વર્ષથી દિલ્હીમાં સત્તા મેળવી શકી નથી. આ ઉપરાંત ભાજપ બિહારમાં પણ આત્મ નિર્ભર બની શકી નથી.
દેશની સૌથી અમીર કૉર્પોરેશનની ચૂંટણી ભાજપ માટે પડકાર
વર્ષ 2025માં મુંબઈની સિવિક બૉડી બીએમસીની ચૂંટણી યોજાવાની છે. બીએમસીને એશિયાની સૌથી અમીર કૉર્પોરેશન માનવામાં આવે છે. બીએમસીમાં 2025ની ચૂંટણીમાં મહાયુતિ અને મહા વિકાસ અઘાડી વચ્ચે મુકાબલો થશે. જોકે અહીં સૌથી મહત્ત્વનો મુકાબલો ઉદ્ધવની શિવસેના અને એકનાથ શિદેની શિવસેના વચ્ચે છે. બીજી તરફ ભાજપે મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીમાં દમદાર પ્રદર્શન કર્યું છે, તેથી હવે તે બીએમસીમાં પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળી શકે છે. ભાજપે મહારાષ્ટ્રમાં સત્તા મેળવ્યા બાદ હવે તેની નજર ઉદ્ધવ ઠાકરેના દબદબાવાળી બીએમસી પર છે.
આ પણ વાંચો : ઈલોન મસ્કે પોતાનું નામ બદલી ફરી આખી દુનિયાને ચોંકાવી દીધા, ક્રિપ્ટો જગતમાં મોટી હલચલ