પશ્વિમ બંગાળમાં સિંહણનું સીતા નામ બદલવા કલકત્તા હાઈકોર્ટનો આદેશ
- તમે પ્રાણીનું નામ રવીન્દ્રનાથ ટાગોર રાખશો ? : હાઈકોર્ટ
- સિંહ અને સિંહણનું નામકરણ ત્રિપુરા સરકારે કર્યું હતું : બંગાળ સરકારનો હાઈકોર્ટમાં બચાવ
નવી દિલ્હી : પશ્વિમ બંગાળના સફારી પાર્કમાં એક સિંહણનું નામ સીતા રાખવામાં આવ્યું તે મુદ્દે વિવાદ સર્જાયો હતો. મુદ્દો કલકત્તા હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટે બંગાળ સરકારને સિંહણનું નામ બદલીને વિવાદ ઠારવાનો આદેશ આપ્યો હતો.
પશ્વિમ બંગાળના સફારી પાર્કમાં એક સિંહનું નામ અકબર છે. વળી, એક સિંહણનું નામ સીતા રખાયું છે. એ મામલે વિવાદ સર્જાયો હતો અને કલકત્તા હાઈકોર્ટમાં અરજી થઈ હતી. કેસની સુનાવણી કરતા હાઈકોર્ટના ન્યાયધીશ સૌગત ભટ્ટાચાર્યએ બંગાળ સરકાર વતી દલીલો કરતા વકીલોને કહ્યું હતું કે શું તમે કોઈનું પ્રાણીનું નામ રવીન્દ્ર નાથ ટાગોર રાખી શકો?શું તમે કોઈ હિન્દુ દેવતા કે મુસ્લિમ પૈગમ્બરના નામ તેમને આપશો? આપણી પાસે એવો અધિકાર હોય તો આપણે કોઈ સિંહનું નામ અકબર ન રાખીએ કે કોઈ સિંહણનું નામ સીતા ન પાડીએ. કારણ કે દેશના સેંકડો લોકો સીતાજીની પૂજા કરે છે. તેમની આસ્થા છે. આ નામ તુરંત હટાવો અને સિંહણનું નવું નામકરણ કરીને વિવાદ શાંત પાડો. ન્યાયધીશે ઉમેર્યું કે હું તો કોઈ સિંહનું નામ અકબર રાખવાના પક્ષમાં પણ નથી. અકબર એક કાબેલ, સફળ અને બિનસાંપ્રદાયિક શાસક હતા. તેમના નામે સિંહનું નામ રાખવું ન જોઈએ. વળી, સિંહ દુર્ગા માતાનું વાહન છે. આપણે દુર્ગાપુજા વખતે સિંહનું પણ પૂજન કરીએ છીએ.
બંગાળ સરકારના વકીલોએ બચાવમાં કહેલું કે ત્રિપુરાથી આ સિંહ-સિંહણ આવ્યા છે અને ત્રિપુરા સરકારે જ તેમનું નામકરણ કર્યું હતું. હાઈકોર્ટે ટકોર કરી હતી કે ત્રિપુરા સરકારે નામ આપ્યા હોય તો હવે એ ભૂલ સુધારીને નવા નામકરણ કરી નાખજો એટલે વિવાદ શાંત થઈ જાય. નામ બદલ્યા બાદ એની જાણકારી હાઈકોર્ટને આપવાનો પણ બંગાળ સરકારને આદેશ અપાયો છે.