પોલીસ ખુદને બચાવી નથી શકતી, તબીબોને કેવી રીતે સુરક્ષા આપશે: હાઈકોર્ટે મમતા સરકારને તતડાવી
Kolkata RG Kar Hospital Rape Case: કોલકાતાએ આરજી કર હોસ્પિટલમાં તોડફોડ મામલે કોલકાતા હાઈકોર્ટે મમતા સરકારને ફટકાર લગાવી છે. કોલકાતા હાઈકોર્ટે કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પરિસરમાં થયેલી તોડફોડ મામલે તપાસ કાર્યવાહી સીબીઆઈને સોંપી છે. તે દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે, આ ઘટના કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા છે. હોસ્પિટલમાં 14 ઓગસ્ટની રાત્રે તોડફોડ કરવામાં આવી હતી.
આરજી કર હોસ્પિટલમાં તોડફોડનો કેસ સીબીઆઈને સોંપવામાં આવતા મમતા બેનરજી સરકારને મોટો ફટકો પડ્યો છે. હાઈકોર્ટે આરજી કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ટ્રેઈની જૂનિયર મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને મર્ડર કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે, ડોક્ટર મહિલાની નિર્મમ હત્યા બાદ લોકો રોષે ભરાયા છે. જેની તપાસ કોલકાતા પોલીસ કરી રહી હતી. જે હવે સીબીઆઈને સોંપવામાં આવી છે.
સુનાવણી દરમિયાન શુક્રવારે હાઈકોર્ટે મમતા બેનરજી સરકારને ફટકાર લગાવી હતી. હાઈકોર્ટે કહ્યું કે, અમે હોસ્પિટલ બંધ કરાવી દઈશું. તમામ લોકોને શિફ્ટ કરી દઈશું. હોસ્ટિપલને બંધ કરો. ત્યાં કેટલા દર્દીઓ છે?
હાઈકોર્ટે રાજ્ય પોલીસને પણ આડે હાથ લીધી હતી. કોર્ટે કહ્યું કે, જ્યારે પોલીસ પોતાનું જ રક્ષણ કરી શકતી નથી. તો ડોક્ટર કેવી રીતે નીડર થઈને કામ કરે? ચીફ જસ્ટિસ ટીએસ શિવજ્ઞાનમની આગેવાની હેઠળ બેન્ચે કહ્યું કે, પોલીસ પોતાના લોકોને જ બચાવી શકી નથી, અત્યંત ખરાબ પરિસ્થિતિ છે, જેમાં ડોક્ટર કેવી રીતે નીડર થઈને કામ કરશે?
વાસ્તવમાં, હાઇકોર્ટે આરજી કર હોસ્પિટલમાં તોડફોડના મામલામાં સુઓ મોટો ધ્યાનમાં લીધી છે, રિપોર્ટ અનુસાર, કોર્ટને હોસ્પિટલમાં તોડફોડ અને ટોળાના હુમલા અંગે અનેક ઈમેઈલ મળ્યા હોવાથી આ મામલા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
મમતા સરકારે ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી બેન્ચને જવાબ આપ્યો કે, '...ત્યાં લગભગ 7,000 લોકોની ભીડ હતી. અચાનક ભીડ વધી ગઈ… મારી પાસે વીડિયો છે. તેઓએ બેરીકેડ્સ તોડી નાખ્યા... ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા અને 15 પોલીસકર્મીઓ ઘાયલ થયા. ડેપ્યુટી કમિશનર ઘાયલ થયા હતા. પોલીસના વાહનોને નુકસાન થયું હતું. ઈમરજન્સી રૂમમાં તોડફોડ કરવામાં આવી હતી પરંતુ ક્રાઈમ સીન સુરક્ષિત હતું.