Get The App

પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો, 24 હજાર સ્કૂલ શિક્ષકોની ભરતી રદ

Updated: Apr 22nd, 2024


Google NewsGoogle News
પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો, 24 હજાર સ્કૂલ શિક્ષકોની ભરતી રદ 1 - image


West Bengal Teacher Recruitment Scam: સરકારી સ્કૂલ શિક્ષક ભરતી કૌભાંડમાં પશ્ચિમ બંગાળ સરકારને કલકત્તા હાઈકોર્ટનો મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ સ્કૂલ સેવા આયોગે કરેલી આશરે 24 હજાર ભરતી જ રદ કરી દીધી છે. આ તમામ ભરતી માટે રૂ. પાંચથી 15 લાખ સુધીની લાંચ લીધી હોવાનો આરોપ છે. આ ભરતી કૌભાંડમાં પૂર્વ શિક્ષણ મંત્રી પાર્થ ચેટરજી, તૃણમૂલના કેટલાક પદાધિકારીઓ તેમજ રાજ્ય શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ જેલમાં છે. કોલકાતા હાઈકોર્ટના આદેશ પછી ઈડી અને સીબીઆઈએ આ તપાસ હાથ ધરી હતી.

પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ શું છે?

અહેવાલો અનુસાર, વર્ષ 2014માં પશ્ચિમ બંગાળના સ્ટાફ સિલેકશન કમિશને શિક્ષકોની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું હતું. તે સમયે પશ્ચિમ બંગાળના શિક્ષણ મંત્રી પાર્થ ચેટરજી હતા. આ ભરતી પ્રક્રિયા 2016માં શરૂ થઈ હતી. પરંતુ અરજદારોએ  ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ લગાવ્યા હતા અને કલકત્તા હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરજદારોનો આક્ષેપ હતો કે, ઓછા નંબરો હોવા છતાં, નોકરીઓ આપવામાં આવી હતી, જ્યારે નોકરી મેળવનાર મોટાભાગના લોકોએ TET પાસ કરી ન હતી.

હાઈકોર્ટે સીબીઆઈને આ ભરતીની તપાસ કરવા આદેશ આપ્યો હતો

લગભગ પાંચ વર્ષ સુધી આ મામલાની સુનાવણી ચાલી હતી. બાદ મે 2022માં હાઈકોર્ટે સીબીઆઈને આ ભરતીની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. ફરિયાદીઓએ ભરતી માટે 5થી 15 લાખ રૂપિયાની લાંચ લેવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો. આવી સ્થિતિમાં ઈડીએ મની લોન્ડરિંગના એંગલથી પણ શિક્ષક ભરતી કૌભાંડની તપાસ કરી હતી. પુરાવા મળ્યા બાદ ઈડીએ પૂર્વ શિક્ષણ મંત્રી પાર્થ ચેટરજી અને તેની નજીકની સહયોગી અર્પિતા મુખરજીની ધરપકડ કરી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રી મમતા બેનરજીએ પાર્થ ચેટરજીને પદ પરથી હટાવી દીધા હતા.

શિક્ષક ભરતી કૌભાંડમાં અરજદારોના આરોપ

શિક્ષક ભરતી કૌભાંડમાં અરજદારોએ આરોપ લગાવ્યો હતો કે, જે ઉમેદવારોના માર્ક્સ ઓછા હતા તેમને મેરિટ લિસ્ટમાં ઊંચા હોદ્દા આપવામાં આવ્યા હતા. કેટલીક ફરિયાદો એવી પણ હતી, જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે કેટલાક ઉમેદવારોના નામ મેરિટ લિસ્ટમાં ન હોવા છતાં તેમને નોકરી આપવામાં આવી હતી. કેટલાક ઉમેદવારોને નોકરી આપવામાં આવી હતી જેમણે TET પરીક્ષા પણ પાસ કરી નથી. જ્યારે રાજ્યમાં શિક્ષકની ભરતી માટે TET પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે.

ઈડીએ પાર્થ ચેટરજીના ઘર સહિત 14 સ્થળો પર દરોડા પાડ્યા હતા

ઈડીએ આ કેસમાં 2022માં તપાસ શરૂ કરી હતી. 22મી જુલાઈના રોજ ઈડીએ પાર્થ ચેટરજીના ઘર સહિત 14 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન  ઈડીને અર્પિતા મુખરજીની સંપત્તિના દસ્તાવેજો મળી આવ્યા હતા. જ્યારે પાર્થ ચેટર્જીને અર્પિતા વિશે પૂછવામાં આવ્યું તો તેમને સંતોષકારક જવાબ મળ્યો નહીં. આ પછી અર્પિતા મુખરજી ઈડીના રડાર પર આવી ગયા હતા. 

જ્યારે ઈડીએ અર્પિતાના ફ્લેટ પર દરોડા પાડ્યા ત્યારે તેમને લગભગ 21 કરોડ રૂપિયા રોકડા, 60 લાખ રૂપિયાની વિદેશી ચલણ, 20 ફોન અને અન્ય દસ્તાવેજો મળી આવ્યા હતા. અર્પિતા એક મોડલ છે. તે બંગાળી અને ઓડિશાની ફિલ્મોમાં નાના રોલ કરી રહી છે. આ ઉપરાંત ઈડીએ અર્પિતાના અન્ય સ્થળો પર પણ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ઈડીએ અર્પિતાના ઘરેથી 27.9 કરોડ રૂપિયાની રોકડ રિકવર કરી હતી. આ સિવાય ઈડીને 4.31 કરોડ રૂપિયાનું સોનું મળ્યું હતું.

હાઈકોર્ટના નિર્ણય પર મમતા બેનરજીની પ્રતિક્રિયા

કલકત્તા હાઈકોર્ટના નિર્ણય પર મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે, 'હું કહેવા માંગુ છું કે જેમણે આજે નોકરી ગુમાવી છે. અમે તેમના માટે અંત સુધી લડીશું. જેમણે આદેશ આપ્યો છે તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે. અમે આ નિર્ણયને પડકારીશું. આ નિર્ણય સાથે 26 હજાર ઉમેદવારોનું ભાવિ જોડાયેલું છે. અમે રોજગારી આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ એક ગેરકાયદે આદેશ છે. આ નિર્ણય સામે અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું. પરંતુ ચિંતા કરશો નહીં. 10 લાખ વધુ નોકરીઓ તૈયાર છે.'

પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો, 24 હજાર સ્કૂલ શિક્ષકોની ભરતી રદ 2 - image


Google NewsGoogle News