2010 પછી ઈશ્યૂ કરાયેલા 5 લાખ OBC સર્ટિફિકેટ રદ, કલકત્તા હાઇકોર્ટનો મોટો ચુકાદો
Calcutta High Court: લોકસભા ચૂંટણી 2024 વચ્ચે કલકત્તા હાઈકોર્ટે એક મોટો ચુકાદો આપ્યો છે. માહિતી અનુસાર 2010 પછી ઈશ્યૂ કરવામાં આવેલા તમામ OBC સર્ટિફિકેટને રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
કલકત્તા હાઈકોર્ટે ચુકાદામાં શું કહ્યું?
કલકત્તા હાઈકોર્ટે બુધવારે કહ્યું કે ચુકાદો સંભળાવાયા બાદ રદ કરાયેલા સર્ટિફિકેટનો રોજગારની પ્રક્રિયામાં ઉપયોગ નહીં કરી શકાય. હાઈકોર્ટના આ આદેશથી આશરે 5 લાખ ઓબીસી સર્ટિફિકેટ રદ થઇ ગયા છે. જોકે જે લોકો આ સર્ટિફિકેટથી ચુકાદા પહેલા લાભ લઈ ચૂક્યા છે તેમના પર આ નિર્ણયની કોઈ અસર નહીં થાય. કોર્ટે આદેશ આપ્યો કે પશ્ચિમ બંગાળ પછાત વર્ગ આયોગ અધિનિયમ 1993ના આધારે ઓબીસીની નવી યાદી પશ્ચિમ બંગાળ પછાત વર્ગ આયોગ તૈયાર કરશે. કોર્ટે 2010 પછી બનેલી OBC યાદીને ગેરકાયદેસર જાહેર કરી છે.
કેસ 2012માં દાખલ કરવામાં આવ્યો હતો
હાઈકોર્ટે જેના આધારે આજે આ આદેશ આપ્યો હતો તે કેસ 2012માં દાખલ કરવામાં આવ્યો હતો. વાદી તરફથી વકીલ સુદીપ્તા દાસગુપ્તા અને વિક્રમ બેનરજી કોર્ટમાં હાજર થયા હતા. તેમણે કહ્યું કે ડાબેરી મોરચાની સરકારે 2010માં વચગાળાના અહેવાલના આધારે પશ્ચિમ બંગાળમાં 'અન્ય પછાત વર્ગો'ની રચના કરી હતી. તે કેટેગરીને 'ઓબીસી-એ' નામ આપવામાં આવ્યું હતું. જસ્ટિસ તપબ્રત ચક્રવર્તી અને રાજશેખર મંથાની ડિવિઝન બેન્ચે OBC પ્રમાણપત્ર આપવાની પ્રક્રિયાને પડકારતી જાહેર હિતની અરજી (PIL) પર આ ચુકાદો આપ્યો હતો.