બંગાળમાં રામનવમી પર જ્યાં હિંસા થઈ ત્યાં લોકસભા ચૂંટણી જ ન યોજાવી જોઈએ: કોર્ટનો કડક પ્રસ્તાવ

Updated: Apr 23rd, 2024


Google NewsGoogle News
બંગાળમાં રામનવમી પર જ્યાં હિંસા થઈ ત્યાં લોકસભા ચૂંટણી જ ન યોજાવી જોઈએ: કોર્ટનો કડક પ્રસ્તાવ 1 - image


Calcutta High Court on Bengal Ram Navami Violence: બંગાળમાં રામ નવમી પર થયેલી હિંસા પર કલકત્તા હાઈકોર્ટે કડક ટિપ્પણી કરી છે. કોર્ટે બંગાળ સરકારને સ્પષ્ટ ચેતવણી આપતાં કહ્યું કે તે એવા મતવિસ્તારોમાં લોકસભાની ચૂંટણીને મંજૂરી નહીં આપશે જ્યાં રામ નવમીની ઉજવણી દરમિયાન સાંપ્રદાયિક હિંસા થઈ હતી. મુખ્ય ન્યાયાધીશ ટીએસ શિવગનમની અધ્યક્ષતાવાળી ખંડપીઠની આ ટિપ્પણી 17 એપ્રિલે રામ નવમીની શોભાયાત્રા દરમિયાન મુર્શિદાબાદમાં થયેલી હિંસા પર સુનાવણી દરમિયાન આવી છે.

કોર્ટે કહ્યું કે જો લોકો શાંતિ અને સૌહાર્દથી નથી રહી શકતા તો ચૂંટણી પંચ આ જિલ્લાઓમાં સંસદીય ચૂંટણી ન કરાવી શકે. આ જ એકમાત્ર રસ્તો છે. આચારસંહિતા અમલમાં હોવા છતાં જો લોકોના બે જૂથ આમ લડતા હોય તો તેઓ કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓના લાયક નથી.

જ્યાં હિંસા થઈ ત્યાં લોકસભા ચૂંટણી જ ન યોજાવી જોઈએ

હાઈકોર્ટે કહ્યું કે ચૂંટણી 7મી મે અને 13મી મેના રોજ છે. અમે કહીએ છીએ કે ચૂંટણી કરાવવી જ ન જોઈએ. ચૂંટણીનો શું ફાયદો? કોલકાતામાં પણ એવી 23 સ્થાન એવા છે જ્યાં ઉજવણી કરવામાં આવી પરંતુ ત્યાં કોઈ અપ્રિય ઘટના ન ઘટી. જો આચારસંહિતા લાગુ થયા બાદ પણ આવું થઈ રહ્યું છે તો રાજ્ય પોલીસ શું કરે છે? કેન્દ્રીય દળો શું કરી રહ્યા છે? બંને આ હિંસાને રોકી ન શક્યા. અત્યાર સુધીમાં કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે? તેના પર રાજ્ય તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે CIDએ હવે આ મામલે તપાસ હાથ ધરી છે.

ચૂંટણી અટકાવવાના સબંધે હજુ સુધી કોઈ આદેશ જારી કરવામાં નથી આવ્યો

બીજી તરફ હાઈકોર્ટે કહ્યું કે, અમારો પ્રસ્તાવ છે કે અમે ભારતના ચૂંટણી પંચને ભલામણ કરીશું કે જે લોકો શાંતિથી ઉજવણી નથી કરી શકતા તેમને ચૂંટણીમાં હિસ્સો લેવાની મંજૂરી ન આપવી જોઈએ. અમે ચૂંટણી પંચને પ્રસ્તાવ આપીશું કે બરહામપુર (મુર્શિદાબાદ વિસ્તાર)માં ચૂંટણી ટાળવામાં આવે. બંને પક્ષોની આ અસહિષ્ણુતા અસ્વીકાર્ય છે. હાઈકોર્ટે હિંસા અંગે રિપોર્ટ માંગ્યો છે. ચૂંટણી અટકાવવાના સબંધે હજુ સુધી કોઈ આદેશ જારી કરવામાં નથી આવ્યો. હવે આ મામલે વધુ સુનાવણી શુક્રવારે થશે. 

મુર્શિદાબાદમાં થઈ હતી હિંસા

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં બુધવારે 17 એપ્રિલના રોજ રામ નવમીની શોભાયાત્રા દરમિયાન હિંસક અથડામણ જોવા મળી હતી. આ ઘટના સાંજે શક્તિપુર વિસ્તારમાં બની હતી. અહીં રામનવમીના અવસર પર શોભાયાત્રા કાઢવામાં આવી રહી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે લોકો પોતાના ધાબા પરથી શોભાયાત્રા પર પથ્થરમારો કરી રહ્યા છે. હિંસક ઘટનાને કારણે તણાવ વધતો જોઈને પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. આ દરમિયાન અનેક લોકો ઘાયલ થઈ ગયા હતા.


Google NewsGoogle News