મૃત્યુ પામેલાની સારવાર, એક જ મોબાઈલમાં 10 લાખ લોકોનું રજિસ્ટ્રેશન; આયુષ્માન ભારત યોજના પર CAGનો મોટો ખુલાસો
યોજનાના એક જ લાભાર્થીને એક જ સમયે અનેક હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા
છત્તીસગઢ, હરિયાણા, ઝારખંડ, કેરળ અને મધ્યપ્રદેશમાં સૌથી વધુ ગડબડી
કેન્દ્ર સરકારે દેશના જરુરિયાતમંદ નાગરિકોને સારવારની સુવિધા મળે તે માટે આયુષ્માન ભારત યોજના શરુ કરી હતી, હવે આ યોજના પર CAGનો ચોંકાવનારો ખુલાસો કરતા મોટી ગડબડી સામે આવી છે. આ યોજનાને લઈને જાહેર કરવામાં આવેલા તેના ઓડિટ રિપોર્ટમાં CAGએ જણાવ્યું છે કે આ યોજના હેઠળ એવા દર્દીઓ પણ લાભ લઈ રહ્યા છે જેમને પહેલા મૃત બતાવવામાં આવ્યા હતા. આટલું જ નહીં આ યોજનાના 9 લાખથી વધુ લાભાર્થીઓ માત્ર એક મોબાઈલ નંબરથી જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે.
કુલ 6.97 કરોડ ચુકવ્યા
આ ઓડિટમાં TMSમાં મૃત્યુના કેસોના ડેટાનું વિશ્લેષણ કરતા જાણવા મળ્યું કે આયુષ્માન ભારત યોજના હેઠળ સારવાર દરમિયાન 88,760 દર્દીઓના મોત થયા છે. આ દર્દીઓના સંબંધમાં નવી સારવાર સંબંધિત કુલ 2,14,923 ક્લેમ સિસ્ટમમાં ચૂકવેલ તરીકે દર્શાવવામાં આવ્યા છે. ઓડિટ રિપોર્ટ વધુમાં જણાવે છે કે ઉપરોક્ત ક્લેમ સાથે સંકળાયેલા લગભગ 3,903 કેસોમાં ક્લેમની રકમ હોસ્પિટલોને ચૂકવવામાં આવી હતી. તેમાંથી 3,446 દર્દીઓને લગતી કુલ ચુકવણી 6.97 કરોડ રૂપિયા હતી.
આ પાંચ રાજ્યોમાં સૌથી વધુ ગડબડી
દેશના પાંચ રાજ્યોમાં મૃત વ્યક્તિઓની સારવારનો ક્લેમ કરવાના સૌથી વધુ કેસ જોવા મળ્યા છે, જેમાં છત્તીસગઢ, હરિયાણા, ઝારખંડ, કેરળ અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે. CAG અહેવાલ જણાવે છે કે રાજ્ય આરોગ્ય એજન્સીઓ દ્વારા જરૂરી પરીક્ષણો ચકાસ્યા વિના આવા ક્લેમની સફળ ચુકવણી એ એક મોટી ભૂલ સૂચવે છે. ઓડિટમાં ડેટાનું વિશ્લેષણ કરતાં એ પણ જાણવા મળ્યું કે આ યોજનાના એક જ લાભાર્થીને એક જ સમયે અનેક હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. નેશનલ હેલ્થ ઓથોરિટીએ પણ જુલાઈ 2020માં આ મુદ્દા પર પ્રકાશ પાડ્યો હતો.
એક નંબર પર અનેક લાભાર્થીઓ રજિસ્ટર્ડ
આયુષ્માન ભારત યોજનાને લઈને CAGના ઓડિટ રિપોર્ટમાં બીજો મોટો ખુલાસો થયો છે જે આશ્ચર્યજનક છે જેમા યોજના હેઠળ લાભ મેળવનારા લાખો લાભાર્થીઓ એક મોબાઈલ નંબર પર જ રજિસ્ટર્ડ છે. આ સરકારી યોજના હેઠળ લાભ મેળવવા માટે મોબાઇલ નંબરની નોંધણી સૌથી મહત્વપૂર્ણ છે. લાભાર્થીનો રેકોર્ડ તેના દ્વારા નોંધાયેલા મોબાઈલ નંબર દ્વારા જ શોધવામાં આવે છે. સામાન્ય રીતે, જો કોઈ લાભાર્થીનો મોબાઈલ નંબર ખોટો હોય અથવા ઈ-કાર્ડ ખોવાઈ જાય, તો લાભાર્થીની ઓળખ કરવી મુશ્કેલ બની જાય છે અને પછી યોજના હેઠળ સમાવિષ્ટ હોસ્પિટલો સારવાર આપવાનો ઈન્કાર કરે છે. પરંતુ અહીં મોટી ગડબડી કરવામાં આવી છે.
24.22 કરોડ આયુષ્માન કાર્ડ બનાવ્યા
CAGનો આ ઓડિટ રિપોર્ટ સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી એસપી સિંહ બઘેલે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે સરકાર AB-PMJY યોજના હેઠળ શંકાસ્પદ વ્યવહારો અને સંભવિત છેતરપિંડીથી જાણવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બઘેલે જણાવ્યું હતું કે આ તકનીકોનો ઉપયોગ આરોગ્ય સંભાળની છેતરપિંડી અટકાવવા, તપાસ અને નિવારણ માટે થાય છે. તેમણે જણાવ્યું કે 1 ઓગસ્ટ 2023 સુધી આયુષ્માન ભારત યોજના હેઠળ કુલ 24.33 કરોડ કાર્ડ બનાવવામાં આવ્યા છે.