લીકર પોલિસી કૌભાંડ અને CM નિવાસસ્થાન મુદ્દે થશે મોટો ખુલાસો? આજે જાહેર થશે CAG રિપોર્ટ
CAG report to be released tomorrow : દિલ્હી વિધાનસભામાં મંગળવારે રજૂ થનારા CAG રિપોર્ટમાં '6 ફ્લેગ સ્ટાફ રોડ' ખાતે મુખ્યમંત્રીના નિવાસસ્થાનના નવીનીકરણમાં ગંભીર અનિયમિતતાઓનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, આ એ જ બંગલો છે, જેમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રહેતા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 6 ફ્લેગ સ્ટાફ રોડ પરના બંગલાને વિસ્તૃત કરવા માટે નિયમોનું ઉલ્લંઘન કરીને કેમ્પ ઓફિસ અને સ્ટાફ બ્લોકને તેમાં મર્જ કરવામાં આવ્યા હતા. જ્યારે આવતીકાલે CAG રિપોર્ટ જાહેર થવાનો છે, ત્યારે લીકર પોલિસી કૌભાંડ અને CM નિવાસસ્થાન મુદ્દે કેટલાક ખુલાસા થઈ શકે છે.
રિપોર્ટ મુજબ, 6 ફ્લેગ સ્ટાફ રોડ પર મુખ્યમંત્રીના નિવાસસ્થાનના સમારકામ માટે જાહેર બાંધકામ વિભાગ (PWD)એ ટાઈપ VII અને VIII આવાસ માટે સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ વિભાગ (CPWD) પ્રકાશિત પ્લિન્થ વિસ્તારના દર અપનાવીને 7.91 કરોડ રૂપિયાના બજેટનો અંદાજ તૈયાર કર્યો હતો.
અંદાજિત ખર્ચ કરતા 342.31 ટકા વધુ ખર્ચે તૈયાર કર્યું CM નિવાસસ્થાન
જ્યારે આ કામ માટે ટેન્ડર ફાળવવામાં આવ્યું ત્યારે ખર્ચ વધીને 8.62 કરોડ રૂપિયા થયો હતો. જે અંદાજિત બજેટ કરતાં 13.21 ટકા વધુ હતો. જ્યારે 6 ફ્લેગ સ્ટાફ રોડ પરના મુખ્યમંત્રી નિવાસસ્થાનનું નવીનીકરણ કાર્ય પૂર્ણ થયું, ત્યારે તેના પર કુલ 33.66 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. જે અંદાજિત ખર્ચ કરતા 342.31 ટકા વધુ હતા. ઓડિટમાં જાણવા મળ્યું કે, PWDએ પ્રતિબંધિત બોલી લગાવીને કન્સલ્ટન્સી કાર્ય માટે ત્રણ કન્સલ્ટન્સી ફર્મ્સની પસંદગી પાછળનું કારણ સમજાવ્યું નથી.
બંગલાના નવીનીકરણમાં થયેલા ખર્ચને યોગ્ય ઠેરવવા માટે PWDએ કન્સલ્ટન્સી કામના એક વર્ષ જૂના દર અપનાવ્યા અને તેમાં 50 ટકાનો વધારો કર્યો હતો. નવીનીકરણ કાર્ય માટે PWDએ ફરીથી પ્રતિબંધિત બોલી લગાવી અને વીઆઈપી વિસ્તારોમાં આવા બંગલા બનાવવાનો અનુભવ ધરાવતા પાંચ કોન્ટ્રાક્ટરોની તેમની નાણાકીય સ્થિતિ અને સંસાધનોના આધારે પસંદગી કરી હતી. જોકે, ઓડિટમાં જાણવા મળ્યું હતું કે, મુખ્યમંત્રી નિવાસસ્થાનના સમારકામનું કામ સોંપવામાં આવેલા પાંચ કોન્ટ્રાક્ટરોમાંથી ફક્ત એક જ કોન્ટ્રાક્ટરને આવા બંગલાના બાંધકામનો અનુભવ હતો, જે દર્શાવે છે કે અન્ય ચાર કોન્ટ્રાક્ટરોને પ્રતિબંધિત બોલી લગાવવા માટે મનસ્વી રીતે પસંદ કરવામાં આવ્યા હતા.
બજેટ મંજૂર થયું, પણ સ્ટાફ બ્લોક બનાવવામાં આવ્યો નહીં
CAG ઓડિટમાં જાણવા મળ્યું હતું કે, સ્ટાફ બ્લોક અને કેમ્પ ઓફિસના નિર્માણ માટે મંજૂર કરાયેલા 19.87 કરોડ રૂપિયાની રકમમાંથી કેટલાક ભંડોળનો ઉપયોગ અન્ય કામો માટે કરવામાં આવ્યો હતો. સ્ટાફ બ્લોક બનાવવમાં જ આવ્યું ન હતું અને તેના માટે મંજૂર થયેલા ભંડોળમાંથી સાત સર્વન્ટ ક્વાર્ટર અન્ય કોઈ જગ્યાએ બનાવવામાં આવ્યા હતા. જે મૂળ કાર્ય સાથે સંબંધિત નહોતા. હવે 25 ફેબ્રુઆરીએ CAG ના 14 પેન્ડિંગ રિપોર્ટ્સ દિલ્હી વિધાનસભામાં રજૂ કરવામાં આવશે અને ઘણા વધુ ખુલાસા થશે.