બલ્ગેરિયન યુવતી સાથે કથિત દુષ્કર્મ કેસમાં કેડિલાના CMD રાજીવ મોદીને ક્લિનચીટ
ફરિયાદી યુવતી હાજર ન થતા અને પુરાવા ન મળતા પોલીસે કોર્ટમાં A સમરીનો રિપોર્ટ રજુ કર્યો
Rajiv Modi Rape Case : અમદાવાદની કેડિલા ફાર્માસ્યુટિકલ લિમિટેડ (Cadila Pharmaceutical Limited)ના CMD રાજીવ મોદી (Rajiv Modi) સામે બલ્ગેરિયન યુવતીએ કરેલી ફરિયાદમાં નવો વળાંક આવ્યો છે. આઠ-આઠ સમન્સ પાઠવવા છતાં યુવતી હાજર ન થતા અને પુરાવના અભાવે પોલીસે કોર્ટમાં એ સમરીનો રિપોર્ટ ફાઈલ કર્યો છે. ત્યારબાદ કોર્ટે રાજીવ મોદીને ક્લિનચીટ આપી દીધી છે. 65 સાક્ષીઓને તપાસયા પછી પણ પુરાવા નહીં મળતા અંતે કેડીલાના માલિક ને ક્લિનચીટ આપી દેવાઈ છે.
દુષ્કર્મની ફરિયાદ બાદ રાજીવ મોદી પોલીસ સ્ટેશનમાં હાજર થયા ન હતા. પછી તેમને બે વખત નોટિસ પાઠવાઈ હતી. ત્યારબાદ તેઓ 15 ફેબ્રુઆરીએ પહેલીવાર પોલીસ સમક્ષ હાજર થયા હતા. ફરિયાદ બાદ તેઓ ઘણા સમયથી પોલીસ પકડથી દુર હતા. પરંતુ છેવટે હાજર થયા તેમની પાંચ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં સોલા પોલીસે તેમનું નિવેદન નોંધ્યું હતું. પૂછપરછ દરમિયાન રાજીવ મોદીએ તમામ આરોપોને નકાર્યા હતા અને કંપનીના કામ અર્થે બહાર ગયો હોવાનું પણ જણાવ્યું હતું.
શું છે મામલો ?
રાજીવ મોદી સામે ખુદ તેમની પર્સનલ આસીસ્ટન્ટ તરીકે કામ કરતી મૂળ બલ્ગેરિયાની યુવતીએ જાતીય સતામણી સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધવા માટે ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરી હતી. અરજદાર યુવતી દ્વારા કરાયેલી રિટ અરજીમાં ફાર્મા કંપનીના સીએમડી રાજીવ મોદી વિરૂદ્ધ આઇપીસીની કલમ 376, 354, 323, 504 અને 506 મુજબ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી દાદ માંગવામાં આવી હતી. આ કેસ નોંધાયા બાદ રાજીવ મોદી ઘણા સમયથી પોલીસ પકડથી દુર હતા. ત્યારબાદ તેઓ 15 ફેબ્રુઆરીએ પહેલીવાર પોલીસ સમક્ષ હાજર થયા હતા. ફરિયાદી યુવતીને પણ પોલીસે નિવેદન માટે બોલાવી હતી. પરંતુ તે નિવેદન આપવા આવી ન હતી. જોકે હવે યુવતી પણ સામે આવી ન હોવાથી તેમજ કોઈપણ પુરાવા હાથ લાગ્યા ન હોવાથી રાજીવ મોદીને ક્લિન ચીટ મળી ગઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે.