આગરા-પ્રયાગરાજ સહિત દેશમાં બનશે 12 ઔદ્યોગિક સ્માર્ટ સિટી, ત્રણ રેલવે પ્રોજેક્ટને પણ કેબિનેટની મંજૂરી
Union Cabinet Meeting : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય કેબિનેટની યોજાયેલી બેઠકમાં ઔદ્યોગિક સ્માર્ટ સિટી અને રેલવે પ્રોજેક્ટો અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યા છે. કેબિનેટે 10 રાજ્યોમાં છ કૉરિડોર બનાવવાની સાથે આ કૉરિડોરમાં 12 ઔદ્યોગિક સ્માર્ટ સિટી બનાવવાના પ્રોજેક્ટનો મંજૂરી આપી દીધી છે.
પ્રોજેક્ટનો કુલ ખર્ચ 28,602 કરોડ રૂપિયા
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 28,602 કરોડ રૂપિયા થશે, જેમાં 1.52 લાખ કરોડના રોકાણની સંભાવના રહેશે. આ ઔદ્યોગિક સ્માર્ટ શહેરો નેશનલ ઈન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ કોરિડોર પ્રોગ્રામ (NIDCP) હેઠળ બનાવવામાં આવી શકે છે. 12 ઔદ્યોગિક સ્માર્ટ સિટી પ્રોજેક્ટ (Industrial Smart City Project) હેઠળ 10 લાખ લોકોને પ્રત્યક્ષ અને 30 લાખ લોકોને પરોક્ષ રીતે રોજગારી મળવાની સંભાવના છે.
રેલવેના ત્રણ પ્રોજેક્ટને પણ મંજૂરી
કેબિનેટની બેઠકમાં ભારતીય રેલવેના ત્રણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ (Railway Infra Project)ને પણ મંજૂરી આપવામાં આવી છે. જેમાં જમશેદપુર-પુરુલિયાઆસનસોલ સુધી 121 કિલોમીટર થર્ડ લાઈન બનાવવાનો પ્રોજેક્ટ, સુંદરગઢ જિલ્લાના સરડેગાથી રાયગઢ જિલ્લાના ભાલુમુડા સુધી 37 કિલોમીટર લાંબી નવી ડબલ લાઈનનો પ્રોજેક્ટ અને બારગઢ રોડથી ઓડિશાના નવાપરા સુધી 138 કિમી લાંબી નવી લાઇનના પ્રોજેક્ટને પણ મંજૂરી આપવામાં આવી છે.
આ શહેરોમાં બનશે સ્માર્ટ સિટી
આ ઔદ્યોગિક સ્માર્ટ સિટીમાં ઉત્તરાખંડના ખુરપિયા, પંજાબના રાજપુરા-પટિયાલા, મહારાષ્ટ્રના દીઘી, કેરળના પલક્કડ, ઉત્તર પ્રદેશના આગ્રા અને પ્રયાગરાજ, બિહારના ગયા, તેલંગાણાના ઝહીરાબાદ, આંધ્રપ્રદેશના ઓરવાકલ અને કોપર્થી અને રાજસ્થાનના જોધપુર-પાલીમાં બનાવાશે. આ પ્રોજેક્ટ્સ ભારતની ઉત્પાદન ક્ષમતા અને આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે એક મહત્વનું બની રહેશે.
આ પણ વાંચો : સરકારી નોકરીની 17000 વેકેન્સી માટે 30 લાખ અરજી, જાણો કયા રાજ્યના સૌથી વધુ ઉમેદવાર
234 નવા શહેરોમાં ખાનગી એફએમ રેડિયો શરૂ થશે
કેબિનેટની બેઠકમાં 234 નવા શહેરોમાં 730 ખાનગી એફએમ રેડિયો (FM Radio) શરૂ કરવાની મંજૂરી અપાઈ છે. સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ નિર્ણયથી સ્થાનિક સામગ્રીને પ્રોત્સાહન મળશે અને રોજગારની નવી તકો પણ ઊભી થશે.