BHIM UPI દ્વારા ટ્રાન્ઝેક્શન કરશો તો રહેશો ફાયદામાં, સરકારે મંજૂર કર્યા 2600 કરોડ
નાની રકમના ડિજિટલ ટ્રાન્જેક્શનો માટે 2600 કરોડ રૂપિયાની પ્રોત્સાહક રકમને મંજૂરી
કેબિનેટે ત્રણ મલ્ટી લેવલ કો-ઑપરેટિવ સોસાયટીની સ્થાપના કરવાનો પણ નિર્ણય લીધો
નવી દિલ્હી, તા.11 જાન્યુઆરી-2023, બુધવાર
કેન્દ્રીય કેબિનેટે નાની રકમના ડિલિટલ ટ્રાન્જેક્શનો માટે 2600 કરોડ રૂપિયાની પ્રોત્સાહક રકમને મંજૂરી આપી છે. કેબિનેટની યોજાયેલી બેઠક બાદ કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવે જણાવ્યું કે, મોદી મંત્રીમંડળે રૂપે ડેબિટ કાર્ડ અને ભીમ UPI લેવડ-દેવડને વધારવા પ્રોત્સાહન યોજનાને મંજુરી આપી દીધી છે. તેમજ કેબિનેટે ત્રણ મલ્ટી લેવલ કો-ઑપરેટિવ સોસાયટીની સ્થાપના કરવાનો પણ નિર્ણય લીધો છે.
વધુ એક વર્ષ મફત રાશન અપાશે
કેબિનેટની બેઠકમાં મફત અન્ન યોજનાની તમામ યોજનાઓને PM ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં સામેલ કરવાનો નિર્ણય લેવાયો છે. ગત કેબિનેટની બેઠકમાં મફત અન્ન યોજનાને વધુ એક વર્ષ લંબાવાયું હતું. અગાઉ ગરીબી રેખા નીચેના લોકો માટે અંત્યોદય અન્ન યોજના અને એવી જ અન્ય યોજનાઓ હતી, જેમાં દ્વારા ગરીબોને મફત રાશન અપાય છે. હવે એક જાન્યુઆરીથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ જ દેશભરના ગરીબોને રાશન આપવામાં આવશે.
કેબિનેટની બેઠકમાં PM ગરીબ કલ્યાણ અન્ન યોજના લંબાવવાનો નિર્ણય
બેઠક બાદ કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવે જણાવ્યું કે, કેન્દ્રીય કેબિનેટે મલ્ટી-સ્ટેટ કો-ઑપરેટિવ સોસાયટીઝ એક્ટ 2002 હેઠળ એક રાષ્ટ્રીય સ્તરની મલ્ટી-સ્ટેટ કો-ઑપરેટિવ એક્સપર્ટ સોસાયટીની સ્થાપનાને મંજુરી આપી દીધી છે. ઉલ્લેખનિય છે કે, કોવિડ-19 મહામારી દરમિયાન PM ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ એપ્રિલ-2020માં ગરીબોને મફત અનાજ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજનાનો સમયગાળો 31 ડિસેમ્બરથી સમાપ્ત થઈ ગયો હતો. જોકે અગાઉ યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ યોજનાને વધુ એક વર્ષ માટે લંબાવાઈ છે.
કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવે કહ્યું કે, કેબિનેટે કોલકતા સ્થિત નેશનલ સેન્ટર ફોર ડ્રિન્કિંગ વોટર, સેનિટેશન એન્ડ ક્વોલિટી (NCDWSQ)નું નામ બદલી ડૉ.શ્યામા પ્રસાદ મુખરજી નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વોટર એન્ડ સેનિટેશન કરવા મંજૂરી આપી દીધી છે.