'વન નેશન વન ઇલેક્શન' માટેની કમિટીના પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી
- સંસદના શિયાળુ સત્રમાં દેશની તમામ ચૂંટણીઓ સાથે યોજવાના બિલને રજુ કરવાનો માર્ગ મોકળો
- પંચાયતો, વિધાનસભાઓ અને લોકસભાની ચૂંટણી સાથે યોજવા માટે સંસદની સાથે 15 રાજ્યો વિધાનસભાઓની મંજૂરી લેવી પડશે
- બિલને સંસદ-રાષ્ટ્રપતિની મંજૂરી મળે તો 2029માં લોકસભા-વિધાનસભાઓની ચૂંટણી સાથે યોજાઇ શકે છે
નવી દિલ્હી : લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી એક સાથે કરવા માટેની તૈયારીનો પ્રારંભ થઇ ગયો છે. વન નેશન વન ઇલેક્શન પર પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાનીમાં એક કમિટી રચાઇ છે, આ કમિટી દ્વારા પોતાનો રિપોર્ટ કેન્દ્રીય કેબિનેટને સોંપવામાં આવ્યો હતો. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેબિનેટની બેઠક યોજાઇ હતી જેમાં કમિટીના આ રિપોર્ટનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને તેને મંજૂરી અપાઇ હતી. મોદી સરકારના વર્તમાન કાર્યકાળમાં જ વન નેશન વન ઇલેક્શનને મંજૂરી મળી જાય તેવી અટકળો વચ્ચે કમિટીના આ રિપોર્ટને સ્વીકારાયો છે.
કેબિનેટ દ્વારા કમિટીનો રિપોર્ટ સ્વીકારી લેવામાં આવ્યો છે, હવે તેના આધારે કાયદામાં સુધારા માટેનું બિલ તૈયાર કરવામાં આવશે જેને લોકસભા અને રાજ્યસભામાં મોકલવામાં આવશે. આગામી શિયાળુ સત્રમાં આ બિલ રજુ કરવામાં આવી શકે છે. જો તેને મંજૂરી મળી જાય અને કાયદો બની જાય તો વર્ષ ૨૦૨૯માં લોકસભાની ચૂંટણીની સાથે વિધાનસભાઓની ચૂંટણી પણ યોજવામાં આવી શકે છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાનીમાં રચાયેલી કમિટીએ આ વર્ષે માર્ચ મહિનામાં વર્તમાન રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને રિપોર્ટ સોંપી હતી. ૧૮ હજારથી વધુ પેજની આ રિપોર્ટમાં લોકસભા, વિધાનસભાઓ અને સાથે સાથે નગર પાલિકો-પંયાયતોની ચૂંટણીઓ સાથે યોજવાની ભલામણ કરવામાં આવી છે. કમિટીએ બે તબક્કામાં એક સાથે ચૂંટણી યોજવાની ભલામણ કરી હતી.
ભલામણો મુજબ પ્રથમ તબક્કામાં લોકસભાની સાથે સાથે તમામ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી પણ યોજવામાં આવે અને તેની શરૂઆત વર્ષ ૨૦૨૯થી કરવામાં આવી શકે છે. જ્યારે બીજા તબક્કામાં નગર પાલિકાઓ-પંચાયતોની ચૂંટણી યોજવામાં આવે, લોકસભા-વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વ થાય તે બાદ ૧૦૦ દિવસમાં જ આ બીજા તબક્કાને આવરી લેવાની ભલામણ કરાઇ છે. આ સુધારા માટે બંધારણમાં આર્ટિકલ ૮૨એ જોડવામાં આવે, આવુ કરવાથી લોકસભા-વિધાનસભાની ચૂંટણી સાથે યોજવી શક્ય છે. વળી આ સુધારા માટે રાજ્યોની વિધાનસભાઓની મંજૂરીની પણ જરૂર નહીં રહે, કેન્દ્ર સરકાર સીધા જ બંધારણમાં સુધારો કરી શકે છે.
હાલ બંધારણમાં આર્ટિકલ ૮૩ લોકસભાની ચૂંટણી અને આર્ટિકલ ૧૭૨ વિધાનસભાની ચૂંટણીનો કાર્યકાળ પાંચ વર્ષ રહેશે તેવી વ્યાખ્યા કરે છે. હવે તેમાં આર્ટિકલ ૮૨એ જોડાઇ જાય તો બન્નેની ચૂંટણી સાથે યોજવી શક્ય છે. જોકે નગર પાલિકાઓ અને પંચાયતોને પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલા જ ભંગ કરવી હોય તો તે માટે બંધારણના આર્ટિકલ ૩૨૫માં સંશોધન કરવું પડશે અને આ સંશોધન ત્યારે જ લાગુ થઇ શકે જ્યારે ઓછામાં ઓછા ૧૫ રાજ્યો દ્વારા વિધાનસભાઓમાં તેને મંજૂરી અપાય. એટલે કે જો કેન્દ્ર સરકાર દ્વારા લોકસભા અને રાજ્યસભામાંથી બિલ પસાર કરી લેવામાં આવે તો પણ આ બિલને ઓછામાં ઓછા ૧૫ રાજ્યોની વિધાનસભાઓની મંજૂરીની જરૂર રહેશે. જે બાદ રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી પછી જ તેનો અમલ થઇ શકશે.
મૂળ સમસ્યાઓથી ધ્યાન ભટકાવવાનો જુમલો
વન નેશન, વન ઇલેક્શન ભાજપનો ચીપ સ્ટન્ટ, અમલ શક્ય નથી : વિપક્ષ
- માત્ર ત્રણ રાજ્યો જમ્મુ કાશ્મીર, હરિયાણા, મહારાષ્ટ્રની ચૂંટણી સાથે યોજી ના શકનારા એક દેશ, એક ચૂંટણીની વાતો કરે છે
નવી દિલ્હી : કેન્દ્ર સરકાર લોકસભાની સાથે તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ સાથે યોજવા માગે છે, જોકે તેનો સૌથી વધુ વિરોધ કોંગ્રેસ દ્વારા થઇ રહ્યો છે. આ ઉપરાંત સપા, આપ, ડાબેરીઓ સહિત ૧૫ જેટલા પક્ષો આ નિર્મયની વિરુદ્ધમાં છે. જ્યારે ૧૫ જેટલા પક્ષોએ કોઇ જવાબ નથી આપ્યો. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે એક સાથે ચૂંટણીઓ યોજવી શક્ય જ નથી, ભાજપ એક સાથે ચૂંટણી યોજવાનો મુદ્દો ઉઠાવીને દેશના મૂળ મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા માગે છે.
જ્યારે બંગાળના શાસક પક્ષ ટીએમસીના સાંસદ ડેરેક ઓબ્રિએને કહ્યું હતું કે આ ભાજપનો ચીપ સ્ટન્ટ છે, એક તરફ કેન્દ્ર એક સાથે ચૂંટણીઓ યોજવાની વાતો કરે છે બીજી તરફ મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણી સાથે યોજાઇ રહી હતી તેની તારીખો બદલીને હવે અલગ અલગ યોજવાનો નિર્ણય લીધો છે. જમ્મુ કાશ્મીર, હરિયાણાની સાથે મહારાષ્ટ્ર એમ ત્રણ રાજ્યોની ચૂંટણી સાથે નથી યોજી શકતા ને આખા દેશની ચૂંટણીઓ સાથે યોજવાની વાતો કરી રહ્યા છે. વન નેશન, વન ઇલેક્શન મોદી-શાહનો ક્લાસિક જુમલો છે. અગાઉ મમતા બેનરજી પણ આ નિર્ણયનો વિરોધ કરી ચુક્યા છે.
એઆઇએમઆઇએમના વડા અસાદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે વિધાનસભાઓ અને લોકસભાની ચૂંટણી સાથે યોજવાથી દેશના માળખાનો જ નાશ થઇ જશે. આપણા દેશના બંધારણનો પાયો લોકશાહી અને દેશનું માળખુ છે. જેનો કેન્દ્ર નાશ કરી નાખશે. નરેન્દ્ર મોદી અને અમિત શાહે જુદી જુદી ચૂંટણીઓમાં વારંવાર પ્રચાર કરવો પડશે માટે તેઓ એક સાથે ચૂંટણી યોજવા માગે છે. આપના સાંસદ સંદીપ પાઠકે કહ્યું હતું કે હરિયાણા અને જમ્મુ કાશ્મીરની સાથે મહારાષ્ટ્રની ચૂંટણી યોજવી શક્ય નથી તો તમામ ચૂંટણીઓ સાથે યોજવી કેવી રીતે શક્ય બનશે? ઝારખંડ મૂક્તિ મોર્ચાના સાંસદ મહુઆ માઝીએ કહ્યું હતું કે ભાજપ દેશમાં એક માત્ર પક્ષ બનવા માગે છે અને તેથી એક સાથે ચૂંટણી યોજવા માગે છે.
એક સાથે ચૂંટણીઓ યોજવા સામે મોટા પડકારો
૧ બંધારણમાં સુધારો કરવો પડશે જે માટે સંસદની સાથે રાજ્યોની મંજૂરી પણ લેવી પડશે.
૨ લોકસભા કે કોઇ રાજ્યની વિધાનસભા કાર્યકાળ પહેલા જ ભંગ થઇ જાય તો એક સાથે ચૂંટણી યોજવાનો ક્રમ જાળવી રાખવો મુશ્કેલ.
૩ ઇવીએમ અને વીવીપેટથી જ ચૂંટણીઓ થાય છે, જેની સંખ્યા બહુ જ સિમિત છે, વિધાનસભા-લોકસભાની ચૂંટણી અલગ હોવાથી અનેક ઇવીએમની જરૂર પડશે.
૪ એક સાથે ચૂંટણી યોજવા માટે મોટી સંખ્યામાં પ્રશાસનિક અધિકારીઓ, સુરક્ષાદળો અને અન્ય કર્મચારીઓની જરૂર પડશે.
૫ વિપક્ષ તેમજ સ્થાનિક પક્ષો દ્વારા શાસિત રાજ્યોને મનાવવા કેન્દ્ર માટે સૌથી મોટો પડકાર માનવામાં આવે છે.
૬ દેશમાં તમામ ચૂંટણીઓ સાથે યોજાય તો એક પક્ષ તરફી વલણ જોવા મળી શકે છે. તેથી રાજ્યો અને કેન્દ્રમાં એક જ પક્ષનું પ્રભુત્વ વધી શકે છે.