તમિલનાડુમાં નહીં લાગૂ થાય CAA', મુખ્યમંત્રી સ્ટાલિને કરી દીધું મોટું એલાન
- ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમએ પણ CAAનો વિરોધ કર્યો
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 12 માર્ચ 2024, મંગળવાર
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને નાગરિકતા સંશોધન કાયદા(CAA) અંગે મોટું એલાન કરી દીધુ છે. તેમણે આજે કહ્યું કે તમિલનાડુમાં CAA લાગુ નહીં થશે. સ્ટાલિને કહ્યું કે, અમારી સરકાર રાજ્યમાં CAA લાગુ નહીં કરશે. કેન્દ્ર સરકારની CAA લાગુ કરવાની જાહેરાત પર સ્ટાલિને સોમવારે ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકીય લાભ પ્રાપ્ત કરવાના પ્રયાસમાં લોકસભા ચૂંટણી પહેલા CAA નિયમોની નોટિફિકેશન જાહેર કરી રહ્યા છે. તેના દ્વારા તેઓ પોતાના ડૂબી રહેલા જહાજને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સ્ટાલિને કહ્યું કે, 'ભાજપ સરકારના વિભાજનકારી એજન્ડાએ નાગરિકતા કાયદાને હથિયાર બનાવી દીધુ છે. તેને માનવતાના પ્રતીકમાંથી ધર્મ અને જાતિના આધાર પર ભેદભાવના સાધનમાં ફેરવી દીધું છે.
ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK)એ પણ CAAનો વિરોધ કર્યો છે. પાર્ટી મહાસચિવ એકે પલાનીસ્વામીએ CAAના અમલીકરણની ટીકા કરી અને કહ્યું કે કેન્દ્ર સરકારે તેના અમલીકરણ સાથે ઐતિહાસિક ભૂલ કરી છે. તેમણે ભાજપ પર રાજકીય લાભ માટે આવું કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, AIADMK આ પગલાની સખત નિંદા કરે છે જેનો હેતુ રાજકીય લાભ લેવા માટે લોકસભા ચૂંટણી પહેલા લોકોને વિભાજીત કરવાનો છે. જ્યારે તેને છેલ્લા 5 વર્ષથી લાગુ નહોતું કરવામાં આવ્યું.
કેન્દ્ર સરકારે આ કાયદાને લાવીને ઐતિહાસિક ભૂલ કરી: પલાનીસ્વામી
રાજ્ય વિધાનસભામાં વિપક્ષી નેતા પલાનીસ્વામીએ સોમવારે મોડી રાત્રે X પર એક પોસ્ટમાં કહ્યું કે, કેન્દ્ર સરકારે આ કાયદાને લાવીને ઐતિહાસિક ભૂલ કરી છે. AIADMK તેને સ્થાનિક લોકો - મુસ્લિમો અને શ્રીલંકાના તમિલો વિરુદ્ધ લાગુ કરવાના કોઈપણ પ્રયાસની મંજૂરી નહીં આપશે. AIADMK દેશની જનતા સાથે લોકતાંત્રિક રીતે તેનો વિરોધ કરશે.
શું છે નાગરિક સંશોધન કાયદો?
આ કાયદો પાંચ વર્ષ પહેલા એટલે કે વર્ષ 2019માં મંજૂર થયો હતો પરંતુ હવે માર્ચ 2024માં તે લાગુ થયો છે. વિરોધ પક્ષોએ આ મુદ્દે ખુબ જ વિરોધ નોંધાવ્યો હતો અને કડક વલણ પણ જોવા મળ્યું હતું. આ કાયદા અંતર્ગત ભારતીય નાગરિકતાની વ્યાખ્યા નક્કી કરવામાં આવી છે. આ કાયદા હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક ઉત્પીડનના શિકાર બનેલા બિન મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ છે. ભારત દેશના નાગરિક કોણ છે તેની પરિભાષા 1955માં એક કાયદો બનાવીને કરવામાં આવી જેને નાગરિકતા અધિનિયમ 1955 નામ અપાયું. મોદી સરકારે આ કાયદામાં સંશોધન કર્યું છે. જેને નાગરિકતા સંશોધન બિલ 2016 નામ આપવામાં આવ્યું છે.