લોકસભા ચૂંટણી પહેલાં ભાજપનો વધુ એક મોટો નિર્ણય! રામમંદિર બાદ આવી રહ્યો છે આ કાયદો અમલમાં
એક અધિકારીએ આપી માહિતી
2019થી આ કાયદો લટકી રહ્યો છે, હવે અમલની તૈયારી
CAA News | લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પીએમ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર એક પછી એક મોટા નિર્ણયો અને ઘટનાક્રમને અંજામ આપવાનો શરૂ કરી રહી છે. આ દરમિયાન એવા અહેવાલ છે કે રામમંદિર બાદ અને લોકસભા ચૂંટણી પહેલાં નાગરિકતા સુધારો કાયદો (CAA) લાગુ કરી શકે છે. કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે નાગરિકતા સુધારા કાયદો 2019ના નિયમો લોકસભા ચૂંટણી પહેલા જ સૂચિત કરી દેવામાં આવશે.
અધિકારીએ આપી માહિતી...
અધિકારીએ એ પણ જણાવ્યું કે સરકાર ટૂંક સમયમાં CAAના નિયમો જારી કરવાની તૈયારીમાં છે. એકવાર નિયમો જારી થઈ ગયા બાદ કાયદો લાગુ કરવામાં સરળતા રહેશે. જેથી લાયક લોકોને ભારતની નાગરિકતા પણ મળી શકશે. ચાર વર્ષથી વધુ સમયના વિલંબ બાદ હવે CAAના અમલ માટે નિયમો બહાર પાડવા જરૂરી બની ગયું છે.
નોટિફિકેશન ક્યારે બહાર પાડવામાં આવશે?
આ મામલે ચર્ચા દરમિયાન વરિષ્ઠ સરકારી અધિકારીને જ્યારે સવાલ કરાયો કે એપ્રિલ-મેમાં લોકસભાની ચૂંટણી થવાની સંભાવના છે એટલે શું તે પહેલાં CAAની નોટિફિકેશન જાહેર કરાશે? તેના જવાબમાં અધિકારીએ કહ્યું કે આ લોકસભા ચૂંટણી પહેલા જ કરી લેવામાં આવશે. સરકારી અધિકારીએ વધુમાં કહ્યું કે નિયમોની સાથે ઓનલાઈન પોર્ટલ પણ તૈયાર કરી લેવાયું છે. સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થશે. અરજદારોએ તે વર્ષ જણાવવાનું રહેશે કે જેમાં તેઓ દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશ્યા હતા. સરકારી અધિકારીએ કહ્યું કે અરજદારો પાસેથી કોઈ દસ્તાવેજો માંગવામાં આવશે નહીં.
કાયદો 2019માં પસાર થયો હતો
ખરેખર તો આ કાયદા હેઠળ, 31 ડિસેમ્બર 2014 સુધી બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી ભારતમાં આવેલા અત્યાચારિત બિન-મુસ્લિમો (હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી) ને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. CAA ડિસેમ્બર 2019 માં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. કાયદો પસાર થયા બાદ અને રાષ્ટ્રપતિએ મંજૂરી આપ્યા બાદ દેશના કેટલાક ભાગોમાં ભારે વિરોધ પ્રદર્શનો થયા હતા.