Get The App

CAA લાગુ થતા જ વિપક્ષી નેતાઓ ભડક્યા, મોદી સરકાર પર સાધ્યું નિશાન, જાણો કોંગ્રેસ સહિતના પક્ષોએ શું કહ્યું?

તમિલનાડુના મુખ્યમંત્રીએ CAAને હથિયાર અને ઓવૈસીએ ગોડસેની વિચારધારા કહી કેન્દ્ર પર સાધ્યુ નિશાન : મમતાએ કહ્યું, ‘રમઝાન પહેલા આજની તારીખ શા માટે પસંદ કરાઈ’ : કોંગ્રેસે કહ્યું, ‘સીએએ માટે જાણીજોઈને લોકસભા ચૂંટણીની રાહ જોવાઈ’

Updated: Mar 11th, 2024


Google NewsGoogle News
CAA લાગુ થતા જ વિપક્ષી નેતાઓ ભડક્યા, મોદી સરકાર પર સાધ્યું નિશાન, જાણો કોંગ્રેસ સહિતના પક્ષોએ શું કહ્યું? 1 - image


CAA Notification : કેન્દ્રની મોદી સરકારે આજે દેશમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કર્યા બાદ એકતરફ ઘણા રાજ્યોમાં ઉજવણી થઈ રહી છે, તો બીજીતરફ વિપક્ષે કેન્દ્ર સરકાર પર નિશાન સાધવાનું શરૂ કરી દીધું છે. તમિલનાડુના મુખ્યમંત્રીએ સીએએને હથિયાર બનાવી દીધો હોવાનો કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યો છે, તો AIMIM વડા ઓવૈસીએ સીએએને ગોડસેની વિચારધારા ગણાવી છે. આ ઉપરાંત કોંગ્રેસે પણ કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.

ભાજપે CAAને હથિયાર બનાવ્યું : તમિલનાડુના મુખ્યમંત્રી

તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલી (Tamil Nadu CM M.K.Stalin)ને ભાજપ સરકાર પર નિશાન સાધતા સોશિયલ મીડિયા પર કહ્યું કે, ‘કેન્દ્રની ભાજપ સરકારના વિભાજનકારી એજન્ડાએ નાગરિકતા કાયદાને હથિયાર બનાવ્યું છે. સરકારે આ કાયદાને માનવતાના પ્રતીકમાંથી ધર્મ અને જાતિમાં ભેદભાવનું સાધન બનાવી દીધું છે. મુસ્લિમો અને શ્રીલંકાના તમિલોને છેતરીને તેઓએ વિભાજનની સ્થિતિ ઉભી કરી છે. ડીએમકે જેવા લોકતાંત્રિક દળોનો વિરોધ છતાં ભાજપે એડીએમકેના સમર્થન બાદ CAA લાગુ કર્યું છે. લોકોની પ્રતિક્રિયાના ડરના કારણે ભાજપે સીએએ પર ચર્ચા કરવાનું બંધ કરી દીધું હતું.

તમે ક્રોનોલોજી સમજો : ઓવૈસી

AIMIM નેતા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi)એ કહ્યું કે, ‘તમે ક્રોનોલોજી સમજો, પહેલા ચૂંટણીની મોસમ આવશે, ત્યારબાદ સીએએના નિયમો આવશે. આ કાયદા સામે અમારો વાંધો પહેલા જેવો જ છે. સીએએ કાયદો વિભાજનકારી છે અને ગોડસેની વિચારધારા પર આધારિત છે. આ કાયદો મુસ્લિમોને બીજા વર્ગના નાગરિક બનાવવા માગે છે. અત્યાચાર ગુજારનાર કોઈપણ વ્યક્તિને આશ્રય આપો, પરંતુ નાગરિકતા ધર્મ અથવા રાષ્ટ્રીયતા પર આધારિત ન હોવી જોઈએ. સરકારે સમજાવવું જોઈએ કે, આ નિયમોને પાંચ વર્ષ સુધી શા માટે પેન્ડિંગ રખાયા અને હવે શા માટે તેને લાગુ કર્યો? એનપીઆર-એનસીઆર ઉપરાંત સીએએ લાગુ કરવાનો હેતુ માત્ર મુસ્લિમોને જ ટાર્ગેટ કરવાનો છે, તેનો બીજો કોઈ હેતુ નથી.

કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું

કોંગ્રેસે પણ સીએએ લાગૂ કરવા મામલે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે (Jairam Ramesh) પોતાના સત્તાવાર 'X' હેન્ડલથી પોસ્ટ કરી, 'ડિસેમ્બર 2019માં સંસદ દ્વારા પસાર કરાયેલ નાગરિકતા સંશોધન અધિનિયમના નિયમોની માહિતી આપવામાં મોદી સરકારે ચાર વર્ષ અને ત્રણ મહિના લગાવી દીધા. વડાપ્રધાન દાવો કરે છે કે, તેમની સરકાર બિલકુલ પ્રોફેશનલ રીતે અને સમયબદ્ધ રીતે કામ કરે છે. CAAના નિયમોને નોટિફાઈ કરવા માટે લીધેલો આટલો સમય વડાપ્રધાનના સફેદ ઝૂઠની વધુ એક ઝલક છે. નિયમોની નોટિફિકેશન માટે નવ વખત એક્સટેન્શન માંગ્યા બાદ જાહેરાત કરવા માટે જાણી જોઈને લોકસભા ચૂંટણી પહેલાનો સમય પસંદ કરાયો છે. આવું સ્પષ્ટ રીતે ચૂંટણીને ધ્રુવીકૃત કરવા માટે કરાયું છે, વિશેષ રીતે આસામ અને બંગાળમાં. આ ઈલેક્ટોરલ બૉન્ડ કૌભાંડ પર સુપ્રીમ કોર્ટની આકરી ઝાટકણી બાદ હેડલાઈનને મેનેજ કરવાનો પ્રયાસ પણ પ્રતીત થાય છે.'

રમઝાન પહેલાની તારીખ શા માટે પસંદ કરાઈ? : મમતા બેનર્જી

CAA પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (West Bengal CM Mamata Banerjee)ની પ્રતિક્રિયા પણ આવી છે. તેમણે કહ્યું કે, CAAથી જો કોઈની નાગરિકતા રદ્દ થઈ તો તેને સહન નહીં કરવામાં આવે. તમારે 6 મહિના પહેલા નિયમો જાહેર કરવા જોઈતા હતા. જો કોઈ સારી વસ્તુ હોય તો અમે હંમેશા સમર્થન અને વખાણ કરત, પરંતુ જો કંઈપણ એવું કરવામાં આવે છે જે દેશ માટે સારું નથી તો TMC હંમેશા પોતાનો અવાજ ઉઠાવશે અને તેનો વિરોધ કરશે. મને ખબર પડે છે કે રમઝાન પહેલા આજની તારીખ શા માટે પસંદ કરાઈ. હું લોકોને શાંત રહેવા અને કોઈપણ અફવાથી બચવાની અપીલ કરું છું.

કેન્દ્રએ જાહેરનામું બહાર પાડ્યું

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રની મોદી સરકારે આજે (સોમવારે) સીએએ લાગુ કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ સાથે દેશમાં નાગરિકતા સંશોધન કાયદો અમલમાં આવી ગયો છે. આનો સીધો ફાયદો ભારતના પડોશી દેશોમાંથી આવતા લઘુમતીઓને થશે. વર્ષ 2019માં નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે નાગરિકતા કાયદામાં સુધારો કર્યો હતો. જેમાં 31 ડિસેમ્બર 2014 પહેલા અફઘાનિસ્તાન (Afghanistan), પાકિસ્તાન (Pakistan) અને બાંગ્લાદેશ (Bangladesh)થી આવેલા છ લઘુમતીઓ (હિંદુ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ અને પારસી)ને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ કરાઈ હતી. નિયમો મુજબ નાગરિકતા આપવાનો અધિકાર કેન્દ્ર સરકારના હાથમાં છે.


Google NewsGoogle News