CAA થકી નાગરિકત્વ મેળવનારા શરણાર્થીઓને ભારતમાં શું લાભ મળશે, શું તેઓ ચૂંટણી લડી શકે?
નાગરિક સંશોધન કાયદો 2019ના જાહેરનામાના ત્રણ મહિના બાદ 15મી મેના રોજ પહેલીવાર 300 શરણાર્થીને ભારતીય નાગરિકત્વ અપાયું. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ 14 લોકોને પ્રમાણપત્રો પણ આપ્યા. ગૃહ મંત્રી અમિતશાહે 'X' પર જણાવ્યું કે આજનો દિવસ ઐતિહાસિક છે. આજે દાયકાઓની રાહનો અંત આવ્યો છે અને CAA દ્વારા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ધાર્મિક અત્યાચારને કારણે ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી શરણાર્થીઓને ભારતીય નાગરિકતા મળવા લાગી છે.
આ કાયદાના કારણે ભારતમાં વર્ષોથી શરણાર્થી તરીકે જીવતા લોકોના જીવનમાં ઘણું પરિવર્તન આશે. તેઓ પણ ભારતીય નાગરિકત્વને 'નવો જન્મ' માની રહ્યા છે અને ભારત સરકારનો આભાર માની રહ્યા છે. કારણ કે ભારતીય નાગરિકોને જે લાભ મળે છે તે બધા લાભ હવે તેમને મળશે. તેમાં 11 વર્ષ પહેલા પાકિસ્તાનના સિંધ પ્રાંતથી આવેલા ભરત કુમારે નાગરિકતા મળતા કહ્યું કે, ‘મને નવું જીવન મળ્યું છે. હું 13 વર્ષનો હતો ત્યારે પરિવાર સાથે ભારત આવ્યો હતો. મારો પરિવાર દિલ્હીના મજનુ કા ટીલામાં રહેતો હતો.’ ભરત જેવા ઘણાં શરણાર્થી ભારતીય નાગરિકત્વની રાહ જોઈ રહ્યા છે. તો આજે આપણે CAAને લગતા અનેક સવાલના જવાબ જાણીશું. જેમ કે, ભારતમાં નાગરિકત્વ આપતો કાયદો CAA શું છે? શરણાર્થીઓને તેનાથી શું ફાયદો થશે? શું તેઓ ભારતીય નાગરિકત્વ મેળવીને ચૂંટણી પણ લડી શકે?
ભારતીય નાગરિકતા મળવાના ફાયદા શું છે?
1. મતદાનનો અધિકાર- CAA હેઠળ નાગરિકતા મેળવનારી કોઈ પણ વ્યક્તિ પણ ભારતીય નાગરિકની જેમ મતદાન કરી શકશે.
2. ચૂંટણી લડી શકશે- ચૂંટણી લડવાની એક શરત ભારતનું નાગરિક હોવું તે છે. તેથી તેઓ પણ ચૂંટણી લડી શકશે.
3. બંધારણીય હોદ્દો લઈ શકશે- ભારતમાં સ્થળાંતર કરનારી, શરણાર્થી કે વિદેશી નાગરિકને બંધારણીય હોદ્દો મળી શકે નહીં, પરંતુ ભારતીય નાગરિકતા મેળવનારા શરણાર્થી પણ બંધારણીય હોદ્દો લઈ શકશે. એટલું જ નહીં, તેઓ પણ વડાપ્રધાન, મુખ્યમંત્રી, મંત્રી કે સાંસદ બની શકશે.
4. સરકારી યોજનાઓના લાભો- રાજ્ય કે કેન્દ્ર સરકારની યોજનાઓ અને કાર્યક્રમોનો લાભ ફક્ત ભારતીય નાગરિકો જ મેળવી શકે છે.
5. મૂળભૂત અધિકારોના લાભો- બંધારણ હેઠળ ભારતીય નાગરિકને કેટલાક મૂળભૂત અધિકારો મળ્યા છે. આ તમામ અધિકારો ભારતીય નાગરિકત્વ મેળવનારા વિદેશીઓને પણ મળશે.
આમ, CAA લાગુ થયા પછી એ તમામ અધિકારો શરણાર્થીઓને મળશે, જે ભારતના સામાન્ય નાગરિકોને મળી રહ્યા છે.
CAA અંતર્ગત ભારતનું નાગરિકત્વ મેળવનારી વ્યક્તિ પર કોઈ પ્રતિબંધ હશે?
ભારતનો કોઈ પણ નાગરિક ભારતના કોઈ પણ સ્થળે જઈને સ્થાયી વસવાટ કરી શકે છે, પરંતુ બંધારણની છઠ્ઠી અનુસૂચિ મુજબ ઉત્તર પૂર્વના રાજ્યો માટે વિશેષ જોગવાઈ છે કે, ત્યાં ભારતનો નાગરિક જમીન ખરીદી કે વેચી શકતો નથી. ત્યાં જઈને સ્થાઈ વસવાટ પણ કરી શકતો નથી. આ અધિકાર ફક્ત જે તે રાજ્યના મૂળ નિવાસીઓને જ છે.
શું ભારતીય નાગરિકત્વ ખતમ કરવાની જોગવાઈ છે?
ભારતીય નાગરિક કાયદા- 1955માં ભારતના કોઈ પણ નાગરિકની નાગરિકતા ખતમ કરવાની જોગવાઈ છે. જેમ કે...
- વ્યક્તિ પોતાની ઈચ્છાથી ભારતીય નાગરિકતા છોડી શકે છે.
- વ્યક્તિ પોતાની ઇચ્છાથી બીજા દેશની નાગરિકતા પ્રાપ્ત કરી શકે છે.
- જો કોઈ વ્યક્તિ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં સપડાય કે ભારતના બંધારણનું અપમાન કરે તો ભારતીય નાગરિકતા માટે ગેરલાયક ઠરી શકે છે.
- જો કોઈ વ્યક્તિ સતત સાત વર્ષ ભારત બહાર રહે ત્યારે પણ તેની નાગરિકતા રદ થઈ શકે છે.
ભારતીય નાગરિકત્વ મેળવવાના કાયદા શું છે?
ભારતીય બંધારણમાં ભાગ-2માં અનુચ્છેદ 2થી 11માં ભારતનું નાગરિકત્વ મેળવવાની જોગવાઈઓ છે. નાગરિકતા કાયદો સૌથી પહેલા 1955માં પસાર કરાયો હતો. ત્યાર પછી 1986, 1992, 2003 અને 2015માં નાગરિકતા કાયદામાં સંશોધન કરાયું, જેમાં નાગરિકતા પ્રાપ્ત કરવા અને રદ કરવાની અને ‘સિંગલ સિટીઝનશિપ’ એટલે કે 'એકલ નાગરિકતા' સિદ્ધાંત લાવવામાં આવ્યો. જેનાથી ભારતનો કોઈ નાગરિક બીજા દેશની નાગરિકતા સ્વીકારી શકતો નથી. તેમાં કોઈ પણ વ્યક્તિ નીચે આપેલી જોગવાઈઓ દ્વારા નાગરિકતા મેળવી શકે છે.
- જન્મ દ્વારા
- નોંધણી દ્વારા
- વંશ દ્વારા
- નેચરલાઈઝેશનથી
- જમીન સામેલ કરીને
CAAની પાંચ મહત્વની બાબતો
- પ્રથમ જોગવાઈ: 26 જાન્યુઆરી 1950ના રોજ કે ત્યાર પછી ભારતમાં જન્મેલી કોઈ પણ વ્યક્તિ ભારતીય નાગરિક છે. એવી જોગવાઈ છે કે 1 જુલાઈ, 1987 પછી જન્મેલી કોઈ પણ વ્યક્તિ ભારતીય નાગરિક છે. જો કે તેના જન્મ સમયે માતા-પિતામાંથી કોઈ એક ભારતની નાગરિક હોવી જરૂરી છે.
- બીજી જોગવાઈ : વંશના આધારે. એટલે કે જો કોઈ વ્યક્તિનો જન્મ ભારત બહાર થયો હોય, પરંતુ તેના જન્મ સમયે માતા-પિતામાંથી કોઈ એક ભારતીય નાગરિક હોય. જો કે વિદેશમાં જન્મેલા બાળકની એક વર્ષની અંદર ભારતીય દૂતાવાસમાં નોંધણી કરાવવી જરૂરી છે.
- ત્રીજી જોગવાઈ: જો ભારતીય મૂળની વ્યક્તિ સાત વર્ષથી ભારતમાં રહેતી હોય, તો તે નાગરિકતા માટે અરજી કરી શકે છે. જો કોઈ વ્યક્તિ ભારતીય નાગરિક સાથે લગ્ન કરે, તો તે ભારતીય નાગરિકતા માટે પણ અરજી કરી શકે છે, પરંતુ તેણે ઓછામાં ઓછા સાત વર્ષ ભારતમાં ગાળ્યા હોવા જરૂરી છે.
- ચોથી જોગવાઈઃ ભારતમાં કોઈપણ નવા પ્રદેશનો સમાવેશ થાય તો ત્યાં રહેતા લોકોને આપોઆપ ભારતીય નાગરિકતા મળી શકે છે. જેમ કે, 1961માં ગોવા અને 1962માં પુડુચેરીના ભારતમાં સમાવેશ થયા પછી ત્યાંના લોકોને ભારતીય નાગરિક ગણવામાં આવ્યા હતા.
- પાંચમી જોગવાઈ: નેચરલાઈઝેશનના આધારે. એટલે કે ભારતમાં રહેતો કોઈ પણ વિદેશી નાગરિક ભારતીય નાગરિકતા માટે અરજી કરી શકે છે, પરંતુ આ માટે તેણે ઓછામાં ઓછા 11 વર્ષ ભારતમાં વીતાવ્યા હોવા જરૂરી છે.
નાગરિકતા સંશોધન કાયદો 2019 એટલે કે CAA 2019 શું છે?
પાકિસ્તાન, અફઘાનિસ્તાન કે બાંગ્લાદેશ હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અથવા ખ્રિસ્તી સમુદાયની કોઈ પણ વ્યક્તિ જે ધાર્મિક ઉત્પીડન કે તેના ડરના કારણે, 31 ડિસેમ્બર, 2014ના રોજ કે તે પહેલાં ભારતમાં પ્રવેશી હોય, તેઓ ભારતની નાગરિકતા મેળવવા અરજી કરી શકે છે.