Bypoll Results : પેટાચૂંટણીમાં ભાજપના સૂપડા સાફ થઈ જવા પાછળ કારણ શું?

Updated: Jul 13th, 2024


Google NewsGoogle News
Bypoll Results


By Election Results : લોકસભાની ચૂંટણી પછી 7 રાજ્યોમાં 13 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી, જેના પરિણામો આજે સામે આવ્યા છે. આ પરિણામોમાં I.N.D.I.A.નું ધમાકેદાર પ્રદર્શન જોવા મળ્યું છે, જેની સામે ભાજપને ભારે નુકસાન થયું છે. આ 13માંથી 10 બેઠક ઈન્ડિ ગઠબંધનના ફાળે ગઈ છે, તો માત્ર બે જ સીટ ભાજપના ભાગમાં આવી છે. એક સીટ પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે.

મધ્યપ્રદેશની અમરવાડા, બિહારની રૂપૌલી, પંજાબની જાલંધર પશ્ચિમ, પશ્ચિમ બંગાળની રાનાઘાટ દક્ષિણ, રાયગંજ, બાગદા, માનિકતલા, હિમાચલની હમીરપુર, દેહરા અને નલગઢ, ઉત્તરાખંડની બદ્રીનાથ, મંગલૌર અને તમિલનાડુની વિક્રવંડી બેઠક માટે 10 જુલાઈના રોજ મતદાન થયું હતું. જેમાં કોંગ્રેસને 4, ટીએમસીને 4, ભાજપને 2 તેમજ આપ, ડીએમકે અને અપક્ષે 1-1 સીટ પર જીત મેળવી છે.

રાહુલ ગાંધીનો આક્રમક અંદાજ 

દેવભૂમિ તરીકે પ્રખ્યાત ઉત્તરાખંડમાં ભારતીય જનતા પાર્ટીએ બંને બેઠકો પર હારનો સામનો કરવો પડ્યો છે. અયોધ્યા બાદ વધુ એક ધર્મનગરી બદ્રીનાથમાં ભાજપની હાર થઈ છે. અહીં કોંગ્રેસનો વિજય થયો છે. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે લોકસભા ચૂંટણીમાં ભાજપને અસ્પષ્ટ જનાદેશ મળતા વિપક્ષને બૂસ્ટ મળી ગયો છે. બીજી તરફ રાહુલ ગાંધી આક્રમક અંદાજમાં આવીઆ ગયા છે તેના કારણે પણ કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે લોકસભા ચૂંટણીના પરિણામો અસર વિધાનસભાની પેટાચૂંટણી પર પડ્યા છે. 

ભાજપને નડી સ્થાનિક નારાજગી! 

બદ્રીનાથમાં ભારતીય જનતા પાર્ટી અગાઉ પણ રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક નારાજગીના કારણે ભાજપે ઝટકો લાગ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. બદ્રીનાથમાં ઑલ વેધર રોડ જેવી પરિયોજનાઓના કારણે પુરોહિતો નારાજ હતા. બીજી તરફ ઉત્તરાખંડમાં વિકાસ યોજનાઓના કારણે વૃક્ષો કાપવાનો વિરોધ થઈ રહ્યો હતો. પંજાબમાં આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવેલા શીતલ અંગુરાલને પણ જનતાની નારાજગીનો સામનો કરવો પડ્યો છે, જનાદેશથી સ્પષ્ટ છે કે પક્ષપલટો કરનારા નેતા સામે જનતાએ રોષ બતાવ્યો છે. 

પક્ષપલટો ભારે પડ્યો! 

દેશના સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં આ વખતે તમામની નજર પક્ષપલટો કરનારા પર રહી છે. 13 બેઠકોમાંથી મોટાભાગની બેઠકો પર એવા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હતી જેમણે કોઈ પક્ષને છોડીને બીજા પક્ષમાં જવાનું પસંદ કર્યું હતું. જોકે, ચૂંટણીના પરિણામો તેમની તરફેણમાં નથી આવ્યા. હિમાચલ પ્રદેશથી લઈને પંજાબ સુધી પક્ષપલટો કરનારા નેતાઓને પેટા ચૂંટણીમાં સફળતા નથી મળી. ભાજપે સૌથી વધુ પક્ષપલટો કરનારા નેતાઓને ટિકિટ આપી હતી. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે પેટા ચૂંટણીમાં પક્ષપલટો કરનારા નેતાઓની સ્થિતિ શું રહી છે. 

પંજાબની વાત કરીએ તો અહીં માત્ર એક બેઠક પર ચૂંટણી થઈ હતી. જાલંધર પશ્ચિમ વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જીત મળી છે. અહીંથી AAPના મોહિન્દર ભગતે ભાજપના ઉમેદવાર શીતલ અંગુરાલને 37325 હજાર મતથી હરાવ્યા છે. શીતલ અંગુરાલ આ બેઠક પરથી AAP ધારાસભ્ય હતા અને લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા. ભાજપે તેમને ફરીથી આ જ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. બીજી તરફ ભાજપ છોડીને AAPમાં જોડાયેલા મોહિન્દર ભગત અહીં જીત મળી છે. 

હિમાચલ પ્રદેશમાં યોજાયેલી પેટા ચૂંટણી પર તમામની નજર હતી, કારણ કે અહીં પક્ષપલટાને લઈને સૌથી વધુ નિવેદનો આપવામાં આવ્યા હતા. અહીં દેહરા, હમીરપુર અને નાલાગઢ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી. હોશિયાર સિંહ દેહરાથી આશિષ શર્મા હમીરપુરથી અને કેએલ ઠાકુર નાલાગઢથી અપક્ષ ધારાસભ્ય હતા. 22 માર્ચે તેમણે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને ત્યારબાદથી આ બેઠકો ખાલી હતી. બાદમાં ત્રણેય નેતાઓ ભાજપમાં સામેલ થઈ ગયા હતા. ભાજપે ત્રણેયને પેટા ચૂંટણીમાં ફરીથી તેમની બેઠકો પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. 

દેહરા બેઠક પરથી હોશિયાર સિંહને હારનો સામનો કરવો પડ્યો છે. તેમને મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખ્ખુના પત્ની અને કોંગ્રેસ ઉમેદવાર કમલેશ ઠાકુરે હરાવ્યા છે. હમીરપુર બેઠક પર ભાજપના ઉમેદવાર આશિષ શર્માએ જીત હાંસલ કરી છે. તેઓ પોતાની બેઠક બચાવવામાં સફળ રહ્યા છે. તેમણે કોંગ્રેસના ડો. પુષ્પેન્દ્ર વર્માને નજીકના મુકાબલામાં 1571 મતોથી હરાવ્યા છે. બીજી તરફ નાલાગઢ સીટ પર કેએલ ઠાકુરને હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસના હરદીપસિંહ બાવાને અહીં જીત મળી છે. 

ઉત્તરાખંડની બદ્રીનાથ બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર લખપત સિંહ બુટોલાને જીત મળી છે. તેમણે ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ભંડારીને 5224 મતના અંતરથી હરાવ્યા છે. માર્ચમાં કોંગ્રેસ ધારાસભ્ય રાજેન્દ્ર ભંડારી રાજીનામુ આપીને ભાજપમાં સામેલ થઈ ગયા હતા, ત્યારબાદથી આ બેઠક ખાલી હતી. ત્યારબાદ આ પેટા ચૂંટણી કરવામાં આવી અને ભંડારીને ભાજપે ટિકિટ આપી હતી. 


Google NewsGoogle News