Get The App

આ તો બસ શરૂઆત છે...: પેટા ચૂંટણીમાં જીત બાદ કોંગ્રેસના નેતાઓએ ગદગદ થઈ કર્યો મોટો દાવો

Updated: Jul 13th, 2024


Google NewsGoogle News
આ તો બસ શરૂઆત છે...: પેટા ચૂંટણીમાં જીત બાદ કોંગ્રેસના નેતાઓએ ગદગદ થઈ કર્યો મોટો દાવો 1 - image


Image Source: Twitter

By-Election 2024: દેશના સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર થયેલી પેટાચૂંટણીમાંથી 11 બેઠકોના પરિણામ જાહેર થઈ ગયા છે. લોકસભા ચૂંટણી બાદ ફરી એક વખત NDA vs I.N.D.I.A ગઠબંધનની લડાઈ જોવા મળી છે. આ વચ્ચે કોંગ્રેસ નેતા પવન ખેડાએ દાવો કર્યો કે, આ એક એવો ટ્રેન્ડ છે જે લોકસભા ચૂંટણીથી શરૂ થયો અને હવે આગળ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં ભાજપ આવનાર તમામ ચૂંટણી હારતી રહેશે. અમારા માટે આ ટ્રેન્ડ 2014માં શરૂ થયો હતો. આ તો બસ શરૂઆત છે. 

એક ન્યૂઝ એજન્સી સાથે વાતચીત કરતા કોંગ્રેસ નેતા પવન ખેડાએ કહ્યું કે, 2014 બાદથી અમે અમેક ચૂંટણી હાર્યા અને હવે ભાજપ પણ એવા જ સમયમાંથી પસાર થશે. 13 વિધાનસભા બેઠકો પર થયેલી પેટાચૂંટણીમાંથી 11 બેઠકોના પરિણામ જાહેર થઈ ગયા છે. જ્યાં આ વખતે I.N.D.I.A ગઠબંધન NDA પર ભારે પડ્યું છે અને વિપક્ષી ગઠબંધને 10 બેઠકો પર કબજો જમાવ્યો છે.

હિમાચલની ત્રણમાંથી કોંગ્રેસની 2 અને ભાજપની એક બેઠક પર જીત 

ચૂંટણી પંચની વેબસાઈટ પર ઉપલબ્ધ વલણો પ્રમાણે હિમાચલ પ્રદેશમાં ત્રણ બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસે બે અને ભાજપે એક બેઠક પર જીત હાંસલ કરી છે. આ બેઠકો પર પેટાચૂંટણીની જરૂરિયાત એટલા માટે ઊભી થઈ કારણ કે 27 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં 3 અપક્ષ ધારાસભ્યો હોશિયાર સિંહ (દેહરા), આશિષ શર્મા (હમીરપુર) અને કેએલ ઠાકુર (નાલાગઢ)એ ભાજપના પક્ષમાં મતદાન કર્યું હતું. આ ધારાસભ્યોએ 22 માર્ચના રોજ રાજ્ય વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું હતું અને બીજા દિવસે ભાજપમાં સામેલ થઈ ગયા હતા. 

બિહારથી અપક્ષ ઉમેદવારે જીત નોંધાવી

ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે વિપક્ષી ગઠબંધને પેટાચૂંટણી વાળી 13 બેઠકોમાંથી 8 બેઠકો પર જીત નોંધાવી છે જ્યારે બે બેઠકો પર I.N.D.I.A ગઠબંધનના ઉમેદવાર આગળ છે. આ ઉપરાંત ભાજપે હિમાચલ પ્રદેશની હમીરપુર બેઠક અને મધ્યપ્રદેશની અમરગઢ બેઠક પર જ જીત મેળવી છે. આ સાથે જ બિહારની રૂપૌલી બેઠક પર અપક્ષ ઉમેદવારે જીત મેળવી છે. આ ઉપરાંત ઉત્તરાખંડની બદ્રીનાથ બેઠક પર કોંગ્રેસના લખપત બુટોલાએ જીત મેળવી છે. બીજી તરફ મંગલોર બેઠક પર પણ કોંગ્રેસના કાજી મોહમ્મદ નિઝામુદ્દીન આગળ ચાલી રહ્યા છે.


Google NewsGoogle News