પેટા-ચૂંટણીની તૈયારી શરૂ, ભાજપ અને કોંગ્રેસે જાહેર કર્યા ઉમેદવાર, જુઓ યાદી
By Election-2024 BJP-Congress Candidate List : ભારતીય જનતા પાર્ટી (BJP)એ પંજાબ અને પશ્ચિમ બંગાળની વિધાનસભા પેટા-ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે પંજાબની જાલંધર પશ્ચિમ વિધાનસભા બેઠક પર શીલત અંગુરાલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે પશ્ચિમ બંગાળની રાયગંજ બેઠક પર માનસ કુમાર ઘોષ, રાણાઘાટ દક્ષિણ પર મનોજ કુમાર બિસ્વાસ, બગડા બેઠક પર બિનલ કુમાર બિસ્વાસ અને માનિકતાલા બેઠક પર કલ્યામ ચૌબેને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
કોંગ્રેસે ચાર ઉમેદવારના નામ જાહેર કર્યા
કોંગ્રેસે આજે (17 જૂન) હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની ચાર વિધાનસભા બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટીએ હિમાચલ પ્રદેશની હમીરપુરમાં ડૉ.પુષ્પેન્દ્ર વર્મા અને નાલાગઢમાં હરદીપ સિંહ બાવાને ટિકિટ આપી છે. જ્યારે ઉત્તરાખંડના બદ્રીનાથ બેઠક પર લખપત બુટોલા અને મંગલૌર વિધાનસભા બેઠક પર કાજી નિજામુદ્દીનને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
કોંગ્રેસે હિમાચલ-ઉત્તરાખંડ માટે નામ જાહેર કર્યા
- ડૉ.પુષ્પેન્દ્ર વર્મા - હમીરપુર (હિમાચલ પ્રદેશ)
- હરદીપ સિંહ બાવા - નાલાગઢ (હિમાચલ પ્રદેશ)
- લખપત બુટોલા - બદ્રીનાથ (ઉત્તરાખંડ)
- કાજી નિજામુદ્દીન - મંગલૌર (ઉત્તરાખંડ)
10 જુલાઈએ મતદાન
ઉલ્લેખનીય છે કે, દેશના સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીની 10મી જૂને તારીખો જાહેર કરાઈ છે. 10 જુલાઈએ સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. 13 જુલાઈએ પરિણામ જાહેર થશે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ તમિલનાડુ (Tamil Nadu), મધ્યપ્રદેશ (Madhya Pradesh), પંજાબ (Punjab), બિહાર (Bihar)ની એક-એક ઉત્તરાખંડ (Uttarakhand)ની બે, હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ની ત્રણ અને પશ્ચિમ બંગાળ (West Bengal)ની ચાર બેઠકો પર 10મી જુલાઈએ મતદાન યોજાશે.
13 જુલાઈએ પરિણામ
14મી જૂને નોટિફિકેશન બહાર પડી ગયું છે. પેટાચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ 21મી જૂન નક્કી કરાઈ છે. 24 જૂને ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની છેલ્લી તારીખ 26મી જૂન છે. ત્યારબાદ 10 જુલાઈએ મતદાન થશે અને 13 જુલાઈએ પરિણામ જાહેર થશે. તાજેતરમાં જ દેશમાં લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં પૂરી થઈ છે.