'પપ્પા હું જેઇઇ પાસ કરી શકું તેમ નથી, મને માફ કરજો'
- કોટામાં આત્મહત્યા કરનાર વિદ્યાર્થીની સ્યુસાઇડ નોટ
- કોટામાં વધુ એક વિદ્યાર્થીની આત્મહત્યા : ચાલુ વર્ષે જીવન ટૂંકાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધીને પાંચ
કોટા : રાજસ્થાનના કોટામાં વધુ એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. જેઇઇની તૈયારી કરતા ૧૬ વર્ષના કિશોરે પોતાના પેઇંગ ગેસ્ટ (પીજી)માં ઝેર પીને આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા કરતા પહેલા કિશોરે સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું કે ' હું જેઇઇ પાસ કરી શકું તેમ નથી, માફ કરજો'
બિહારના ભાગલપુરના રહેવાસી અભિષેક મંડલનો મૃતદેહ તેના પીજી રૂમમાંથી આજે સવારે મળી આવ્યો હતો. સર્કલ ઓફિસર ડીએસપી ધર્મવીર સિંહે જણાવ્યુ હતું કે અભિષેકનું મોત ગુરૂવાર રાતે થયું હોવાની શક્યતા છે.
તેમણે જણાવ્યું હતું કે પોલીસને તેના રૂમમાંથી સ્યુસાઇડ નોટ મળી આવી છે. આ સ્યુસાઇડ નોટ તેના પિતાને સંબોધીને લખવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે તે જેઇઇ પાસ કરી શકે તેમ નથી.અધિકારીએ જણાવ્યું હતું કે તેના રૂમમાંથી મળી આવેલ સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું કે 'પાપા, મેરે સે જેઇઇ નહીં હો પાયેગા, સોરી આઇ ક્વિટ'
આ વાતને જાણ એ સમયે થઇ જ્યારે કિશોરના માતાપિતાએ પીજીને જાણ કરી કે વારંવાર ફોન કરવા છતાં તેમનો છોકરો ઉપાડી રહ્યો નથી. જ્યારે રૂમની બારીમાંથી તપાસ કરવામાં આવી તો તે બેભાન અવસ્થામાં પડયો હતો.
તાત્કાલિક તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કોટામાં પાંચમાં વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે.