24 કલાકમાં કોઈનું મકાન તોડી પાડવું ગેરકાયદે, યોગી સરકારના બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટ ભડકી
ડિમોલિશન કાર્યવાહીના પ્રત્યેક પીડિતને છ સપ્તાહની અંદર રૂ. 10-10 લાખ ચૂકવવા આદેશ
Supreme Court News On Bulldozer Action : ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની બુલડોઝર કાર્યવાહીની દેશભરમાં પ્રશંસા થઈ રહી છે. પરંતુ સુપ્રીમ કોર્ટે બુલડોઝર કાર્યવાહી મુદ્દે ઉત્તર પ્રદેશ સરકારની ઝાટકણી કાઢી છે. સુપ્રીમે પ્રયાગરાજમાં મન ફાવે તેમ મકાનો તોડી પાડવાની કાર્યવાહી અમાનવીય અને ગેરકાયદે ગણાવી હતી. આ સાથે શહેર વિકાસ ઓથોરિટીને પ્રત્યેક પીડિત મકાન માલીકને છ સપ્તાહની અંદર રૂ. 10 લાખ વળતર પેટે ચૂકવવા આદેશ આપ્યો હતો. સુપ્રીમે માત્ર 24 કલાકની અંદર મકાનો તોડી પાડવાની ઘટનાની ટીકા કરી હતી.
ન્યાયાધીશો અભય ઓક અને ઉજ્જલ ભુયાનની બેન્ચે જણાવ્યું કે, પ્રયાગરાજમાં રહેણાંક મકાનો જે રીતે તોડી પડાયા છે તેણે અમારા અંતરાત્માને હચમચાવી નાંખ્યો છે. જે રીતે મકાનો તોડવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે તે ચોંકાવનારી છે. આવી પ્રક્રિયા સાંખી લઈ શકાય નહીં. એક કેસમાં આ ચલાવી લેવાશે તો તે ચાલુ જ રહેશે.
જસ્ટિસ ઓકે કહ્યું કે, ઓથોરિટીએ જે રીતે આકરાં પગલાં લેતા મકાનો તોડી પાડયાં તે ઓથોરિટીની અસંવેદનશીલતા દર્શાવે છે. નાગરિકોના રહેણાંક મકાનો આ રીતે તોડી શકાય નહીં. પ્રયાગરાજ વિકાસ ઓથોરિટીએ યાદ રાખવું જોઈએ કે કલમ 21 એકીકૃત ભાગરૂપે દરેક નાગરિકને આશ્રયનો અધિકાર છે અને બંધારણમાં કેટલાક મૂળભૂત અધિકારો નાગરિકોને આપેલા છે.
એટર્ની જનરલ આર. વેંટરરમણે તોડફોડ મુદ્દે ઉત્તર પ્રદેશ સરકારનો બચાવ કરતા કહ્યું કે, 8 ડિસેમ્બર 2020ના રોજ તેમને પહેલી નોટીસ અપાઈ હતી. ત્યાર પછી જાન્યુઆરી ૨૦૨૧ અને માર્ચ ૨૦૨૧માં નોટીસ પાઠવવામાં આવી હતી. એટર્ની જનરલે કહ્યું કે, મકાનો તોડી પાડતા પહેલાં યોગ્ય પ્રક્રિયાઓનું પાલન કરાયું હતું.
જસ્ટિસ ઓકે કહ્યું કે, રાજ્ય સરકારે નિષ્પક્ષતાથી કામ કરવું જોઈએ. સરકારે મકાનોને તોડી પાડતા પહેલાં તેમને અપીલ દાખલ કરવાની મંજૂરી આપવી જોઈએ. અરજદારોને ૬ માર્ચે નોટિસ આપવામાં આવી અને 7 માર્ચે મકાનો તોડી પડાયા. હવે અમે તેમને ફરીથી નિર્માણ કરવાની મંજૂરી આપીશું. સુપ્રીમનો જવાબ સાંભળી એટર્ની જનરલે ચેતવણી આપતા કહ્યું કે, આ પ્રકારના આદેશથી મોટી સંખ્યામાં ગેરકાયદે કબજો કરનારા દ્વારા ફાયદો ઉઠાવવામાં આવી શકે છે.
સુપ્રીમ કોર્ટે પહેલા પ્રયાગરાજમાં યોગ્ય કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યા વિના ઘરોને તોડી પાડવા મુદ્દે ઉત્તર પ્રદેશ સરકારની ટીકા કરી હતી અને હવે કહ્યું કે આ કાર્યવાહી ચોંકાવનારી અને ખોટા સંકેત આપે છે.
- ડિમોલિશન સમયે પુસ્તકો સાથે દોડતી છોકરીના વીડિયોએ આખા દેશને હચમચાવી નાંખ્યો : સુપ્રીમ
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં બુલડોઝર કાર્યવાહી સામે આકરી ટીપ્પણી કરતાં સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પર વાયરલ એક વીડિયોનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં બુલડોઝરની કાર્યવાહી સમયે એક છોકરી તેના ઝુંપડામાંથી પુસ્તકો લઈને દોડી જોવા મળે છે.
સુપ્રીમે કહ્યું કે, આ વીડિયોએ સમગ્ર દેશના આત્માને હચમચાવી નાંખ્યો હતો. પ્રયાગરાજમાં ગેરકાયદે દબાણોની બાબતમાં સુનાવણી સમયે ન્યાયાધીશ ભુયાને કહ્યું કે, એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં બુલડોઝર દ્વારા એક ઝુંપડાને તોડવામાં આવી રહ્યું છે.
આ સમયે એક નાની છોકરી ઝુંપડીમાંથી તેના પુસ્તકો લઈને દોડતી જોવા મળે છે. આ વીડિયોએ આખા દેશને હચમચાવી દીધો હતો. જોકે, આંબેડકરનગર પોલીસે ડિમોલિશનની આ કાર્યવાહીનો બચાવ કરતા કહ્યું હતું કે, જલાલપુર તહેસિલદાર કોર્ટના આદેશના અમલના ભાગરૂપે જ આ ઝૂંપડા તોડી પડાયા હતા. જલાલપુર સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટે તહેસીલદારને એક સપ્તાહમાં દબાણો દૂર કરવા આદેશ આપ્યો હતો.