Get The App

'જૂતાં કાઢીને મારીશ, અમને બદનામ કરે છે...' ભાજપના મહિલા ધારાસભ્ય અધિકારીઓ પર બગડ્યા

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
'જૂતાં કાઢીને મારીશ, અમને બદનામ કરે છે...' ભાજપના મહિલા ધારાસભ્ય અધિકારીઓ પર બગડ્યા 1 - image


Image Source: Twitter

Bulandshahr News: યુપીના બુલંદશહેરમાં એક મંદિરનો ચબૂતરો જેસીબી દ્વારા ધ્વસ્ત કરી દેવા પર જોરદાર હંગામો થયો હતો. આ ઘટનાની જાણકારી મળતાં જ ખુર્જાના ધારાસભ્ય મીનાક્ષી સિંહ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. તેમણે સ્થાનિક લોકોની સામે જ હાઉસિંગ ડેવલપમેન્ટ અધિકારીઓને જોરદાર ફટકાર લગાવી હતી. એટલું જ નહીં તેમણે અધિકારીઓને જૂતાં મારવા સુધીની ધમકી આપી દીધી હતી. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

ખુર્જાથી ભાજપના ધારાસભ્ય મીનાક્ષી સિંહે અધિકારીઓને કહ્યું કે, તમે લોકો શ્રાવણ મહિનામાં હિંદુઓના મંદિરોને કેવી રીતે તોડી શકો છો. શું તમે અમારી સરકારને બદનામ કરવા માંગો છો. જનતાની માફી માંગો નહીંતર જૂતાં કાઢીને એટલા મારીશ કે, બધી ખબર પડી જશે. જો કે, SDO અને COએ ઘટના સ્થળ પર જઈને લોકોને સમજાવ્યા અને મંદિર તોડવાના મામલે દોષિતો પર કાર્યવાહી કરવાની વાત કરી હતી. ત્યારબાદ લોકોએ પોતાની પ્રોટેસ્ટ ખતમ કરી હતી. 

આ સમગ્ર મામલો 6 ઑગષ્ટનો છે જ્યારે ખુર્જાના આવાસ વિકાસ કોલોનીમાં હાઉસિંગ ડેવલપમેન્ટના કેટલાક અધિકારી બુલડોઝર લઈને પહોંચ્યા અને તેમણે ત્યાં જઈને ત્યાં સ્થિત એક મંદિરના ચબૂતરાને તોડી પાડ્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ કોલોનીના લોકોને થતાં જ તેઓ બધાં એકઠા થઈ ગયા હતા. મોટી સંખ્યામાં મહિલા અને પુરુષ તોડી દેવામાં આવેલા મંદિરના ચબૂતરાની આસપાસ જમા થઈ ગયા અને અધિકારીઓનો વિરોધ કરવા લાગ્યા. 

જ્યારે ધારાસભ્ય મીનાક્ષી સિંહને આ વાતની જાણ થઈ તો તેઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા. લોકોનો ગુસ્સો જોઈને ધારાસભ્ય મીનાક્ષીનો ગુસ્સો પણ સાતમા આસમાને પહોંચી ગયો હતો. તેમણે પણ હાઉસિંગ ડેવલપમેન્ટ પ્રોપર્ટી કૉર્પોરેશનના અધિકારીઓને ધમકાવવાનું શરુ કરી દીધું. તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે બધાની સામે માફી માગો નહીંતર તમને જૂતાં કાઢીને મારીશ. હંગામો જોતાં ભારે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. એસડીએમ અને સીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જે બાદ લોકોને સમજાવીને શાંત પાડવામાં આવ્યા હતા.

હાલ તો આ મામલો શાંત થઈ ગયો છે પરંતુ ધારાસભ્યનો જૂતાં મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે અને તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. દરમિયાન એસડીએમ દુર્ગેશ સિંહે કહ્યું કે જે પણ હાઉસિંગ ડેવલપમેન્ટ ઑફિસર દોષી હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. મૂર્તિ ખંડિત કરવામાં નથી આવી માત્ર ચબૂતરો તોડવામાં આવ્યો છે. લોકોને સમજાવીને શાંત પાડવામાં આવ્યા. જોકે, હાલમાં ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામાન્ય છે.


Google NewsGoogle News