રામ મંદિર બનાવવાથી કોઈ હિન્દુ નેતા બની જતું નથી : ભાગવત
- મંદિર-મસ્જિદના નવા મુદ્દા ઉઠાવી હિન્દુ નેતા બનવાની કેટલાક લોકોની મહેચ્છા અંગે સંઘના વડા મોહન ભાગવતની ચેતવણી
- નવા સ્થળોના મુદ્દા ઉઠાવી ધાર્મિક સૌહાર્દ બગાડવું અસ્વીકાર્ય, ભારતે દુનિયા સમક્ષ સહઅસ્તિત્વનું ઉદાહરણ રજૂ કરવું જોઈએ
- બહારથી આવેલા જૂથો કટ્ટરતા લઈને આવ્યા અને જૂનું શાસન પાછું લાવવા માગે છે, પરંતુ હવે દેશ બંધારણ મુજબ જ ચાલશે
- આપણે તમામ અંતિમવાદ છોડીને ધર્મનો મધ્યમ માર્ગ અપનાવવો જોઈએ : આરએસએસ પ્રમુખ
નવી દિલ્હી : દેશમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા મંદિર-મસ્જિદ વિવાદ ઉઠાવનારા કેટલાક લોકો પ્રત્યે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત નારાજ થઈ ગયા છે. તેમણે પૂણેમાં એક કાર્યક્રમમાં જણાવ્યું કે, રામ મંદિરના નિર્માણ પછી દેશમાં કેટલાક લોકોમાં આવા મુદ્દાઓ ઉઠાવીને હિન્દુ નેતા બનવાની મહેચ્છા જાગી છે. રામ મંદિર હિન્દુઓ માટે આસ્થાનો વિષય હતો, પરંતુ માત્ર રામ મંદિર બનાવવાથી કોઈ હિન્દુ નેતા બની જતું નથી. આ સાથે દેશમાં નવા સ્થળોના મુદ્દા ઉઠાવી સમાજમાં નફરત અને દુશ્મની વધારવી અસ્વીકાર્ય છે. આપણે દુનિયા સમક્ષ સમાવેશકતા અને સદ્ભાવનાનું ઉદાહરણ રજૂ કરવાનું છે.
આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે પૂણેમાં સહજીવન વ્યાખ્યાનમાળામાં 'ભારત વિશ્વગુરુ' વિષય પર વાત કરતાં લોકોને હવે રામ મંદિર જેવા મુદ્દાઓ અન્ય સ્થળો પર નહીં ઉઠાવવાની અપીલ કરી છે. સાથે તેમણે કટાક્ષ પણ કર્યો કે કેટલાક લોકો મંદિર-મસ્જિદના નવા મુદ્દા ઉઠાવીને પોતાને હિન્દુઓના નેતા સાબિત કરવા માગે છે. આવા મુદ્દા ઉઠાવનારાઓને લાગે છે કે આ રીતે તેઓ હિન્દુ નેતા બની જશે. તેમણે કહ્યું હતું કે, રામ મંદિર આસ્થાનો વિષય હતો અને હિન્દુઓને લાગતું હતું કે, તેનું નિર્માણ થવું જોઈએ. પરંતુ કોઈએ રામ મંદિર બનાવી દેવાથી કોઈ હિન્દુ નેતા બની જતું નથી. આ સમયે ભાગવતે કોઈનું નામ લીધું નહોતું, પરંતુ માનવામાં આવે છે કે તેમણે પીએમ મોદી પર નિશાન તાક્યું છે.
ભાગવતે કહ્યું કે, આપણે હવે રામ મંદિર જેવો મુદ્દો અન્ય ધાર્મિક સ્થળો પર ઉઠાવવો જોઈએ નહીં. આગામી ૨૦ વર્ષમાં ભારત વિશ્વગુરુ બનવાનું છે અને તેથી આપણે તેવી ઉદારતા અને પરિપક્વતા સાથે વર્તવું જોઈએ. એટલું જ નહીં આપણે વિશ્વગુરુ બનવાની વાત કરીએ છીએ, મહાશક્તિ બનવાની નહીં. કારણ કે મહાશક્તિ બન્યા પછી કોઈ કેવો વ્યવહાર કરવા લાગે છે તે આપણે જાણીએ છીએ. મહાશક્તિની આડમાં પોતાના અંગત સ્વાર્થ સાધવાનો પ્રયત્ન કરવો એ આપણો માર્ગ હોઈ શકે નહીં.
તેમણે કહ્યું કે, આપણો ઈતિહાસ ગમે તેવો રહ્યો હોય, પરંતુ તેનો અર્થ એવો નથી કે આપણે નફરતની પરાકાષ્ઠા સુધી પહોંચી જઈએ. સતત નફરત અને દુશ્મની વધારતા નવા સ્થળોનો મુદ્દો ઉઠાવતા રહીએ તે અસ્વીકાર્ય છે. તેનું સમાધાન એ છે કે આપણે દુનિયા સમક્ષ બધા ધર્મો અને વિચારધારાઓના સામંજસ્યપૂર્ણ સહઅસ્તિત્વનું ઉદાહરણ રજૂ કરવું જોઈએ. ઉગ્રવાદ, આક્રમક્તા, બળ પ્રયોગ અને અન્યોના દેવાતાઓનું અપમાન કરવું એ આપણી સંસ્કૃતિ નથી. અહીં કોઈ બહુમતી કે લઘુમતી નથી. આપણે બધા એક છીએ.
સંઘ પ્રમુખે કહ્યું કે, આપણે લાંબા સમયથી સદ્ભાવનાથી જીવી રહ્યા છીએ. આપણે આ સદ્ભાવના દુનિયા સુધી પહોંચાડવા માગતા હોઈએ તો આપણે તેનું એક મોડેલ તૈયાર કરવું પડશે. આ દેશમાં બધા જ લોકોએ પોતાની પૂજા પદ્ધતિનું પાલન કરવું જોઈએ અને કરવા દેવું જોઈએ. અહીં રામકૃષ્ણ મિશનમાં ક્રિસમસની ઊજવણી થાય છે. આવું માત્ર આપણે જ કરી શકીએ તેમ છીએ, કારણ કે આપણે હિન્દુ છીએ. તેમણે ઉમેર્યું કે, હવે દરરોજ મંદિર-મસ્જિદનો નવો મુદ્દો ઉઠાવાઈ રહ્યો છે. તેની મંજૂરી કેવી રીતે આપી શકાય? આવું નહીં ચાલે. ભારતે દુનિયાને બતાવવાનું છે કે આપણે બધા એક સાથે રહી શકીએ છીએ. જોકે, આ દરમિયાન તેમણે કોઈપણ વિશેષ મુદ્દા અથવા જગ્યાનું નામ લીધું નહીં. ભારતીયોએ જૂની ભૂલોમાંથી શીખવું જોઈએ.મુસ્લિમોનું નામ લીધા વિના ભાગવતે કહ્યું કે, બહારથી આવેલા કેટલાક જૂથો તેમની સાથે કટ્ટરતા લઈને આવ્યા અને તેઓ ઈચ્છે છે કે તેમનું જૂનું શાસન પાછું આવી જાય. પરંતુ હવે દેશ બંધારણ મુજબ ચાલે છે. આ વ્યવસ્થામાં લોકો પોતાના પ્રતિનિધિ ચૂંટે છે, જે સરકાર ચલાવે છે. આધિપત્યના દિવસો જતા રહ્યા. મુઘલ બાદશાહ ઔરંગઝેબનું શાસન પણ આ જ પ્રકારની કટ્ટરતાથી ઓળખાતું હતું. જોકે, તેમના વંશજ બહાદુર શાહ ઝફરે ૧૮૫૭માં ગૌહત્યા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
તેમણે કહ્યું કે,અયોધ્યામાં રામ મંદિર હિન્દુઓને અપાવું જોઈએ તે નિશ્ચિત થયું હતું, પરંતુ અંગ્રેજોને તેનો ખ્યાલ આવી ગયો અને તેમણે બંને સમુદાયો વચ્ચે તિરાડ પેદા કરી દીધી. ત્યારથી અલગતાવાદની ભાવના અસ્તિત્વમાં આવી. પરિણામે પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું.
નવા વિવાદોથી સાંપ્રદાયિક એકતા બગડવાનું જોખમ
નવા સ્થળોએ મંદિરો તોડી મસ્જિદો બનાવાઈ હોવાના દાવામાં વધારો
- કાશી, મથુરા, વારાણસીના વિવાદ વચ્ચે સંભલ, બદાયું, અજમેર શરીફમાં નવા વિવાદો ઊભા થયા
નવી દિલ્હી : અયોધ્યામાં રામ મંદિરની સ્થાપના પછી દેશમાં અનેક જગ્યા પરની મસ્જિદો અગાઉ મંદિરો હતા તેવા દાવા સાથે તેમના સરવેની માગ ઉઠવા લાગી છે, જેમાં કાશી, મથુરા, વારાણસી, તાજમહેલ, ભોજશાળા જેવા વિવાદો વચ્ચે સંભલ, અજમેર દરગાહ શરીફ જેવા નવા સ્થળોનો ઉમેરો થયો છે. આથી જ મોહન ભાગવતે નવા વિવાદો ઉઠાવવા સામે સલાહ આપવી પડી છે.
અયોધ્યા વિવાદ સમયે હિન્દુ પક્ષે માગ કરી હતી કે અયોધ્યા, કાશી અને મથુરાના વિવાદાસ્પદ ધાર્મિક સ્થળો મુસ્લિમ પક્ષ તેમને સોંપી દે તો હિન્દુ પક્ષ પણ દેશમાં બાકીની તમામ જગ્યાઓ પર મંદિરો તોડી બનાવાયેલી મસ્જિદો પર દાવો છોડી દેશે, પરંતુ આ સમાધાન થઈ શક્યું નહીં. હવે સુપ્રીમ કોર્ટના આદેશથી અયોધ્યામાં રામ મંદિર બની ગયું છે. એવામાં હવે મસ્જિદોના સરવે કરાવી તેને મંદિર જાહેર કરાવવા માટેના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે જૂન ૨૦૨૨માં પણ મોહન ભાગવતે મંદિર-મસ્જિદ વિવાદ ટાળવાની સલાહ આપી હતી. તે સમયે બનારસમાં જ્ઞાાનવાપી મસ્જિદના સરવેનો મુદ્દો ગરમાયો હતો. તે સમયે પણ ક્યારેક તાજમહેલ તો ક્યારેક ભોજશાળા તો ક્યારેક કુતુબમીનારના સરવેની માગ કરવામાં આવતી હતી. સંઘ પ્રમુખે તે સમયે પણ કહ્યું હતું કે, દરરોજ એક નવો મુદ્દો ઉઠાવવો જોઈએ નહીં. ઝઘડો શા માટે વધારવો જોઈએ? દરેક મસ્જિદમાં શિવલિંગ શોધવાની જરૂર નથી.
વર્તમાન સમયમાં પણ નવા નવા મંદિર-મસ્જિદના વિવાદો સામે આવી રહ્યા છે. કાશી, મથુરા અને વારાણસીના મંદિરો-મસ્જિદોના વિવાદ વચ્ચે સંભલની જામા મસ્જિદ પછી બદાયું, ફતેહપુર સિકરી, બરેલી જેવા અનેક સ્થળો પર મસ્જિદોની ચે મંદિર હોવાના દાવા થવા લાગ્યા હતા. આ સાથે રાજસ્થાનમાં વિશ્વ વિખ્યાત અજમેર શરીફની મસ્જિદ પણ અગાઉ મંદિર હતું. જૌનપુરની અટાલા મસ્જિદ પણ મંદિર હતું તેવા દાવા થવા લાગ્યા છે. આ બધા સ્થળો પર સરવે કરાવવાની માગ પણ ઊઠી છે. તેના કેસો પણ કોર્ટોમાં પહોંચ્યા છે. આ રીતે નવા નવા મુદ્દા ઉઠવાથી દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દને નુકસાન થઈ શકે છે. તેથી સંઘ પ્રમુખે ફરીથી નવા નવા સ્થળો પર વિવાદો ઊભા નહીં કરવા સલાહ આપવી પડી છે.