ભારતના બજેટમાં ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીની અસર? PM મોદીની અમેરિકા મુલાકાત પહેલા ટેરિફમાં ઘટાડાની જાહેરાત
Union Budget 2025: આજે(1 ફેબ્રુઆરી) નિર્મલા સીતારમણે 2025-26નું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. બીજી તરફ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે કેનેડા અને મેકિસ્કો પર 25 ટકા અને ચીન પર એક્સ્ટ્રા 10 ટકા ટેરિફ લગાવી દીધું છે. વડાપ્રધાન મોદી અમેરિકા જવાની તૈયારી કરી રહ્યા છે અને ડોનાલ્ડ ટ્રમ્પની BRICS દેશોને ટેરિફ ધમકીઓ આપી રહ્યા છે. ત્યારે આ તમામની અસર ભારતના 2025-26ના કેન્દ્રીય બજેટ પર અસર પડતી જોવા મળી રહી છે. જેમાં ટેરિફ ઓછો કરવા માટે કેટલાક મહત્ત્વપૂર્ણ પગલાં ભર્યા છે. કેન્દ્ર સરકારે મોટરસાઇકલની આયાત પર મૂળભૂત કસ્ટમ્સ ડ્યુટી(ટેરિફ)માં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત પહેલાં ભારત અને અમેરિકા વચ્ચે વધતા જતા ઘર્ષણને ટાળવા કેન્દ્ર સરકારે બજેટ 2025માં જાહેરાત કરી છે કે, હાર્લી ડેવિડસન બાઇક્સ પરના ટેરિફમાં વધુ ઘટાડો કરવામાં આવ્યો છે. કેટલાક ખાસ વસ્તુઓ પર ટેરિફ ચાર્જમાં ફેરફાર કરાશે, જે વ્યવસાય કરવામાં સરળતા વધારવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું મનાઈ રહ્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ વચ્ચે ભારત સરકારનું આ પગલું વ્યાપારિક સંબંધોને વધુ મજબૂત કરવાના પ્રયાસ તરીકે જોવાઈ રહ્યું છે.
1600 સીસીથી વધુ ન હોય તેવી એન્જિન ક્ષમતા ધરાવતી મોટરસાઇકલ માટે સીબીયુ પર ડ્યુટી 50 ટકાથી ઘટાડીને 40 ટકા કરવામાં આવી છે. 1600 સીસીથી વધુ એન્જિન ક્ષમતા ધરાવતી મોટી મોટરસાઇકલ માટે તે મોટો ઘટાડો છે. કાર અને અન્ય મોટર વાહનોની આયાત પર મૂળભૂત કસ્ટમ્સ ડ્યુટીમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હોવા છતાં તેમના અસરકારક ડ્યુટી દરમાં ફેરફાર થશે કે કેમ તે સ્પષ્ટ નથી.
બજેટનું એક મહત્ત્વપૂર્ણ પાસું એ હતું કે, તેમાં એવા પગલાં પ્રસ્તાવિત કરવામાં આવ્યા હતા જે વિશ્વભરમાં ચાલી રહેલી અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતીય અર્થતંત્રને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા પછી ટ્રમ્પ ઘણા દેશો અને આંતરરાષ્ટ્રીય બ્લોક્સ પર ટેરિફ લાદવાની ધમકી આપી રહ્યા છે.
ટ્રમ્પે બ્રિક્સ દેશો વિરૂદ્ધ ઊંચું ટેરિફની ધમકી આપી છે, જેમાં ભારતમાં પણ સામેલ છે. નવી દિલ્હી ટ્રમ્પની ધમકીઓથી ખુદને બચાવવા માટે વસ્તુઓ પર ટેરિફને પહેલાથી ઓછું કરવાના પ્રયાસ કરી રહ્યું છે.
ટ્રમ્પની માંગ અને ભારતની પ્રતિક્રિયા
ટ્રમ્પે ઘણીવાર ફરિયાદ કરી છે કે ભારતના આયાત ટેરિફ અત્યંત ઊંચા છે. 2010માં ડોનાલ્ડ ટ્રમ્પે પ્રતિષ્ઠિત હાર્લી-ડેવિડસન મોટરસાયકલ પર ઊંચા આયાત ટેરિફ અંગે ફરિયાદ કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતમાં માંગ કરી હતી કે ભારતે અમેરિકન ઉત્પાદનો પર ટેરિફ ઘટાડવો જોઈએ અને અમેરિકા પાસેથી વધુ સુરક્ષા ઉપકરણો ખરીદવા જોઈએ. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે, ભારતે અમેરિકન માલની ખરીદી વધારવી જોઈએ. જોકે, ભારતનો દાવો છે કે મુક્ત વેપાર કરાર ન હોય ત્યાં સુધી અન્ય દેશોમાંથી આયાત થતા માલ પર જેવો જ ટેરિફ લાગુ પડે છે તેવો જ ટેરિફ યુએસ માલ પર લાગુ પડે છે.
બજેટમાં ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર વિવાદો ઉકેલવાનો પ્રયાસ
આજે નિર્મલા સીતારમણે બજેટમાં વ્યવસાય કરવાની સરળતા વધારવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. ખાસ કરીને, સરકારે કેટલીક વસ્તુઓ પર ટ્રાફિક ચાર્જમાં ફેરફારની જાહેરાત કરી છે, જે વેપાર સંબંધોને સુધારવા અને વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું હોઈ શકે છે. આ પગલાથી ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર વિવાદોનો ઉકેલ આવી શકે છે અને બંને દેશો માટે સ્થિરતા અને સહયોગમાં વધારો થઈ શકે છે.
નાણામંત્રીના ભાષણમાં 64 વખત ટેરિફ શબ્દનો ઉલ્લેખ
નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાનું 8મું બજેટ રજૂ કર્યું અને ઇતિહાસ રચી દીધો. ભાષણ દરમિયાન સીતારમણે 64 વખત ટેરિફ શબ્દનો ઉલ્લેખ કર્યો હતો. સીતારમણે ઉલ્લેખ કર્યો કે ભારત દુનિયાની તમામ મોટી અર્થવ્યવસ્થાઓની સરખામણીમાં સૌથી ઝડપી આગળ વધતી અર્થવ્યવસ્થા બની ગઈ છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ઊંચા ટેરિફ લગાવવાની આપી હતી ધમકી
થોડા સમય પહેલા જ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત, ચીન અને બ્રાઝીલથી આયાત થનારી વસ્તુઓ પર ઊંચા ટેરિફ લગાવવાની ધમકી આપી છે. આ ધમકીથી ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારિક સંબંધો પર મોટી અસર પડી શકે છે. જો ટ્રમ્પ તંત્ર પોતાના નિર્ણય હેઠળ ટેરિફ વધારશે તો આ ભારતથી અમેરિકા નિકાસ થનારી વસ્તુઓ પર વધુ શુલ્ક લગાવશે, જેની ભારતીય ઉત્પાદનોની સ્પર્ધાત્મકતા પર નકારાત્મક અસર પડશે.
ટ્રમ્પે કેનેડા-મેક્સિકો પર લગાવ્યો ટેરિફ
ડોનાલ્ડ ટ્રમ્પે આજે (1 ફેબ્રુઆરી) કેનેડા અને મેકિસ્કો પર 25 ટકા અને ચીન પર એક્સ્ટ્રા 10 ટકા ટેરિફ લગાવી દીધું છે. જેને લઈને તેમણે એક્ઝીક્યૂટિવ ઓર્ડર પર હસ્તાક્ષકર કર્યા છે. ટ્રમ્પના આ નિર્ણય પાછળ ગેરકાયદેસર ઇમિગ્રેશન, ડ્રગ્સની હેરફેર અને અમેરિકા દ્વારા આ દેશોને આપવામાં આવતી મોટી સબસિડી જેવા કારણોનો હવાલો અપાયો છે. વધુમાં, ટ્રમ્પે સંકેત આપ્યો છે કે ચીનથી આયાત થતી વસ્તુઓ પર 10% ટેરિફ લાદવાની યોજના છે. તેમણે બ્રાઝિલ જેવા દેશોને પણ એવા દેશોની યાદીમાં સામેલ કર્યા છે જેમના ઊંચા ટેરિફ અમેરિકને નુકસાન પહોંચાડી રહ્યા છે.
વડાપ્રધાન મોદી અમેરિકા પ્રવાસે જશે
ભારત સરકારે શુક્રવારે (31 જાન્યુઆરી) કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસની તૈયારી કરાઈ રહી છે. આશા છે કે, આ પ્રવાસથી 'ઈન્ડિયા-યુએસ વ્યાપક વૈશ્વિક રણનીતિક ભાગીદારી'ને વધુ ગાઢ કરી શકાશે. જો કે, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે કહ્યું કે, યાત્રાની સચોટ તારીખ હજુ સુધી નક્કી થઈ નથી.
ભારત-અમેરિકા વેપારનું કદ
ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારિક સંબંધો ખૂબ જ મજબૂત રહ્યા છે, અને અમેરિકા ભારતનો મુખ્ય વ્યાપારિક ભાગીદાર છે. ભારતે 2023-24માં અમેરિકને $77.5 બિલિયનના મૂલ્યના માલની નિકાસ કરી હતી, જે તેના અન્ય મુખ્ય વેપારી ભાગીદારોની તુલનામાં સૌથી વધુ છે. જોકે, અમેરિકાથી થતી આયાતમાં 17%નો ઘટાડો થયો, જેના કારણે ભારતની વેપાર ખાધ વધી. આ સ્થિતિમાં, ટેરિફ વધારાને કારણે આ ખાધ વધુ વધી શકે છે.
શું અમેરિકા ટેરિફમાં વધારો કરી શકે છે?
અમેરિકા તરફથી શક્યતાઓ દર્શાવાઈ રહી છે કે ટ્રમ્પ તંત્ર ભારતમાંથી આવતા કાપડ, ફાર્માસ્યુટિકલ્સ, મોટર વાહનો અને અન્ય માલસામાન જેવા ઘણા મુખ્ય ઉત્પાદનો પર વધુ ડ્યુટી લગાવી શકે છે. અમેરિકના આ નિર્ણયથી ભારતીય નિકાસકારોને સીધી અસર થઈ શકે છે, ખાસ કરીને એવા ઉત્પાદનો કે જે અમેરિકના બજારમાં મોટા પ્રમાણમાં મોકલવામાં આવે છે.
ટેરિફ દરોનું વર્ણન
આજના બજેટમાં આ ઉત્પાદનો પર સંભવિત ટેરિફ ફેરફારોની પણ રૂપરેખા આપવામાં આવી છે, જેની વેપાર પર નોંધપાત્ર અસર પડી શકે છે. આ દરોની વિગતો નીચે મુજબ છે:
મોટર કાર અને અન્ય મોટર વાહનો
જો વાહનની કિંમત USD 40,000 થી વધુ હોય, તો તેના પર 125% ટેરિફ લાગશે, જેમાં 100% BCD (બેઝિક કસ્ટમ ડ્યુટી) અને 10% SWS (સોશિયલ વેલફેર સરચાર્જ)નો સમાવેશ થશે.
વધુમાં, વપરાયેલા મોટર વાહનો પર પણ 125% ટેરિફ લાગશે, જેમાં 125% BCD અને 12.5% SWSનો સમાવેશ થશે.
મોટરસાયકલ (મોપેડ સહિત): ટેરિફ દર 100% થી 70% સુધી હોઈ શકે છે, જેમાં 100% BCD અને 10% SWS લાગુ પડે છે.
સાયકલ: સાયકલ પર ટેરિફ દર 25% થી 20% સુધીનો હોઈ શકે છે, જેમાં 2.5% SWS અને 7.5% AIDC (રિટેન્શન ચાર્જ) પણ લાગુ પડશે.
યાટ્સ અને અન્ય જહાજો: રમતગમત અથવા આનંદ માટે યાટ્સ પર 25% સુધીનો ટેરિફ લાગી શકે છે, જેમાં 2.5% SWS અને 7.5% AIDC ઉમેરવામાં આવશે.
ઇલેક્ટ્રોનિક રમકડાંના ભાગો: આના પર 25% BCD અને 2.5% SWS નો ટેરિફ લાગી શકે છે, જે રમકડાંના ઉત્પાદન માટે જરૂરી ભાગોની આયાત પર લાગુ થશે.