Budget 2024 : પેન્શનધારકોને ટેક્સમાં રાહત આપવાનો પ્રસ્તાવ, બજેટમાં જાહેરાત થવાની સંભાવના
75 વર્ષ કે તેથી વધુ ઉંમરના પેન્શનધારકો માટે ટેક્સ ફ્રી કરવાનો પ્રસ્તાવ
હાલ નવી પેન્શન યોજના હેઠળ એકસાથે ઉપાડાતી 60% રકમ ટેક્સ ફ્રી
Budget 2024 : કેન્દ્ર સરકાર પહેલી ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજુ કરશે અને તે પહેલા 31મી જાન્યુઆરીએ સંસદનું બજેટ સત્ર યોજાશે. નાણામંત્રી નિર્મલા સિતારામન (Nirmala Sitharaman) છઠ્ઠી વખત બજેટ રજુ કરવાના છે, જ્યારે આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સરકારનું બીજા કાર્યકાળનું વચગાળાનું બજેટ હશે. આ વર્ષે લોકસભા ચૂંટણી (Loksabha Election 2024) પણ યોજાવાની છે, જેને ધ્યાને લઈને સરકાર ટેક્સ સ્લેબ (Tax Slab)માં ફેરફાર કરી શકે છે. પેન્શનધારકો (Pensioners)ની પણ બજેટ પર નજર છે, કારણ કે ટેક્સમાં રાહત આપવાનો એક પ્રસ્તાવ લવાયો છે, જેની બજેટમાં જાહેરાત થવાની સંભાવના છે.
નોકરીયાત વર્ગને ટેક્સમાં રાહત મળવાની ધારણા
પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)એ નોકરીયાત વર્ગના યોગદાનમાં ટેક્સ રાહત આપવા માંગણી કરી હતી, જેને ધ્યાને રાખી એક પ્રસ્તાવ બજેટમાં રજુ થવાનો છે. મળતા અહેવાલો મુજબ નવી પેન્શન યોજના (New Pension Scheme-NPS)ના એન્યુઈટીના હિસ્સાને 75 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે ટેક્સ ફ્રી કરવાનો પ્રસ્તાવ અપાયો છે. હાલ એનપીએસમાં એકસાથે ઉપાડાતી 60% રકમ ટેક્સ ફ્રી છે. વચગાળાના બજેટમાં આ અંગેની જાહેરાતો થવાની ધારણા છે.
75 વર્ષથી વધુના નાગરિકોને ટેક્સમાં રાહત મળશે
બજેટમાં નોકરીયાત વર્ગને 80સીમાં રાહત મળવાની અપેક્ષા છે. ઉપરાંત 75 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે રોકાણ અને ઉપાડ પર ટેક્સ રિબેટ વધારીને NPSને વધુ આકર્ષક બનાવવામાં આવી શકે છે. હાલના નિયમ મુજબ નવી પેન્શન યોજના હેઠળ કુલ રકમમાંથી 60% રકમ ઉપાડવા પર ટેક્સ લાગુ પડતો નથી, પરંતુ હવે 75 વર્ષથી વધુના વરિષ્ઠ નાગરિકોને સંપૂર્ણ ટેક્સ ફ્રી સુવિધા આપવાનો પ્રસ્તાવ રજુ કરાયો છે. દરમિયાન 31 માર્ચ-2023ની સ્થિતિ મુજબ કેન્દ્ર સરકારમાં કુલ 67,95,449 પેન્શનધારકો છે.
નવી અને જૂની પેન્શન યોજના વચ્ચેનો તફાવત
દેશમાં નવી પેન્શન યોજના જાન્યુઆરી 2004થી અમલમાં છે. જૂની અને નવી પેન્શન યોજનામાં ઘણુ અંતર છે. જૂની સ્કીમનો બોજો સરકારની તિજોરીમાંથી જતો હતો તેમજ જૂની યોજનામાં પેન્શન કર્મચારીઓના પગારમાંથી એકપણ રૂપિયો કાપવાનો અધિકાર નહતો, પરંતુ નવી યોજનામાં કર્મચારીના પગારમાંથી 10% કપાત થાય છે. તેમાં GPFની સુવિધા ઉપલબ્ધ નથી. જ્યારે જૂનામાં આ સુવિધા હતી. નવી યોજનામાં રિટર્ન સારુ મળે છે, તેમાં કર્મચારીઓને રિટાયરમેન્ટ સમયે પ્રોવિડન્ડ ફંડ અને પેન્શનમાં જૂની સ્કીમની સરખામણીમાં વધુ નાણાં મળે છે, કારણ કે તે શેર માર્કેટ પર આધારિત છે. જોકે ઓછા રિટર્નની સ્થિતિમાં ઓછું ફંડ પણ મળી શકે છે.