નીતિશ પર વિપક્ષની કટાક્ષબાજી, કહ્યું- કિંગમેકર વિશેષ પેકેજ વિના રહી ગયા ખાલી હાથ
Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ 2024-25 રજૂ કર્યું છે. મોદી સરકારના બજેટમાં બિહાર કેન્દ્રમાં દેખાયું છે. જો કે મુખ્યમંત્રી નીતિશ કુમાર બિહાર માટે જે વિશેષ પેકેજની માગ કરી રહ્યા તેનું સરકારે બજેટમાં જાહેરાત નથી કર્યું. હવે આ અંગે પૂર્ણિયાના અપક્ષ સાંસદ પપ્પુ યાદવે તેના પર કટાક્ષ કરતા કહ્યું કે, ‘નીતિશ કુમાર તો નવી સરકારમાં કિંગ મેકર રહ્યા છે અને છતાં તેમને વિશેષ પેકેજ ન મળ્યું.’
નીતિશ પર વિપક્ષની કટાક્ષબાજી
પપ્પુ યાદવે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, ‘હમણાં 4 કરોડ નોકરીની વાત કરી રહ્યા છે પરંતુ 10 વર્ષમાં તમે કેટલી નોકરી આપી? નીતિશ કુમાર કિંગ મેકર રહ્યા છે પરંતુ તેમને વિશેષ પેકેજ પણ ન આપ્યું. જેટલી ફેકટરીઓ બંધ પડી છે તેના પર કંઈક આપો, એરપોર્ટ પર આપો. તમે (JDU) વિશેષ પેકેજ, વિશેષ રાજ્ય માટે ભીખ ન માગો, મંત્રી મંડળમાંથી હટી જાઓ.’
આ વખતના બજેટમાં નાણા મંત્રીએ બિહારમાં ત્રણ એક્સપ્રેસ વે તૈયાર કરવાની જાહેરાત કરી છે. જેમાં પટણા-પૂર્ણિયા એક્સપ્રેસવે, બક્સર-ભાગલપુર એક્સપ્રેસવે, બોધગયા-રાજગીર-વૈશાલી-દરભંગા એક્સપ્રેસ વે સામેલ છે. આ ઉપરાંત સરકાર બક્સરમાં ગંગા નદી પર બે લેનના પુલનું નિર્માણ કરશે.
બજેટમાં બિહાર માટે શું-શું જાહેરાત થઈ
આ ઉપરાંત 21, 400 રૂપિયાના ખર્ચે બિહારમાં 2400 મેગાવોટ પાવર પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે. આ સાથે જ રાજ્યમાં નવા એરપોર્ટ, મેડિકલ કોલેજ અને સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. આ સાથે જ બિહાર સરકારની અપીલ પર રાજ્યના અલગ-અલગ ક્ષેત્રોમાં રોકાણ કરવામાં આવશે.