બજેટના આ નિર્ણયો ભાજપને ભારે પડશે, હવે ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી જીતવી મુશ્કેલ!
Union Budget 2024 : નાણા મંત્રી નિર્મલા સીતારમણે આ વખતે પણ પોતાની સ્ટાઈલમાં બજેટ રજૂ કર્યુ હતુ. પહેલા બજેટથી લઈને આ સાતમા બજેટ સુધી તેમણે ક્યારેય સમાજના કોઈ વર્ગ માટે એવું ખાસ બજેટ નથી આપ્યું કે, જેથી સંબંધિત લોકોની ઈચ્છા પૂરી થઈ હોય. જે રીતે એક સામાન્ય ગૃહિણી ઘરનું બજેટ બનાવતી વખતે એ વાત પર ધ્યાન રાખે છે કે, કોઈની મદદ વગર ઘર બરોબર ચાલતું રહે. નિર્મલા સીતારમણ દર વખતે એક જ પ્રકારનું બજેટ રજૂ કરતાં રહે છે. અને તેનો ફાયદો એ રહ્યો છે કે, વિશ્વમાં કોરોના સંકટ અને આર્થિક મંદી છતાં ભારત સામાન્ય ગતિએ આગળ વધી રહ્યું છે.
નિર્મલાએ ક્યારેય વાહ વાહ મેળવવા માટે મોટા વચનો આપીને બજેટમાં મોટી યોજનાઓની રૂપરેખા નથી આપી. તેનું નુકસાન એ છે કે, દર વર્ષે જ્યારે બજેટ આવે છે ત્યારે દેશવાસીઓને કોઈ ઉત્સાહ નથી હોતો. પરંતુ ભારતીય જનતા પાર્ટી માટે હવે દેશના લોકોમાં આ પ્રકારનો ઉત્સાહ પેદા કરવો એ પ્રાયોરિટી બની ગઈ છે. કારણ કે લોકસભા ચૂંટણીમાં હાર બાદ પેટાચૂંટણીમાં પણ પાર્ટીને ઘણું નુકસાન થયું છે. હાલમાં યુપીમાં 10 સીટો પર પેટાચૂંટણી યોજાવાની છે. 3 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે, તેથી દેશવાસીઓ માટે એવું બજેટ હોવું જોઈતું હતું કે, જેમા લોકોમાં કંઈક મોટું પરિવર્તન થવાની આશા જગાડી શકે છે. ઉલટાનું નાણામંત્રીએ બજેટમાં એવા નિર્ણયો લીધા છે, કે જેનાથી ભાજપના મતદારોનું ભારે નુકસાન થવાનું છે.
1- LTCG વધવાને કારણે ભાજપના મુખ્ય મતદારોને નુકસાન
દેશમાં શેરબજારમાં રોકાણ કરનારા લોકોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે, તેમાં કોઈ શંકા નથી. દેશમાં લગભગ 10 કરોડ ડીમેટ ખાતા ખુલી ચુક્યા છે. માહિતી પ્રમાણે શેરબજારમાં રોકાણ કરનારાઓમાંથી લગભગ 90 ટકા લોકો ભાજપના મતદારો છે. આ બજેટમાં નાણામંત્રીએ તમામ નાણાકીય અને બિન-નાણાકીય સંપત્તિઓ પર લોન્ગ ટર્મના મૂડી લાભો (Long-term Capital Gains) પર ટેક્સ 10 ટકાથી વધારીને 12.5 ટકા કર્યો છે. આ સાથે શોર્ટ ટર્મ મૂડી લાભ પર ટેક્સ 15 ટકાથી વધારીને 20 ટકા કરવામાં આવ્યો છે. તેથી શેર બજારમાં લે-વેચ કરનારાઓની આવકમાં ઘટાડો ચોક્કસ થશે. આપણે જોયું કે, મંગળવારે બજેટ રજૂ થતાંની સાથે જ બજારમાં જે રિએક્શન જોવા મળ્યું, તેનું મૂળ કારણ કદાચ આ જ હતું. શેરબજારમાં પૈસા રોકાણ કરતો દરેક વ્યક્તિ દરરોજ નાણામંત્રીને કોસશે.
2. ઘર વેચવામાં નફો ઘટ્યો
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે મિલકતના વેચાણ પર મળતા ઇન્ડેક્સેશન બેનિફિટને નાબૂદ કરવાની જાહેરાત કરી છે. તેનો સીધો અર્થ થયો કે, હવે મકાનોમાં રોકાણ કરવું વધુ ફાયદાકારક રહેશે નહીં. આ સાથે જે લોકો પોતાનું મકાન વેચીને નવું મકાન ખરીદવાની ક્ષમતા ધરાવે છે, તેઓ મોટાભાગે ભારતીય જનતા પાર્ટીના સપોર્ટર છે. પ્રોપર્ટી વેચતા લોકો તેમની ખરીદ કિંમતમાં વધારો કરી શકશે નહીં અને તેમના મૂડી લાભને ઘટાડી શકશે નહીં. અત્યાર સુધીની વ્યવસ્થામાં પ્રોપર્ટીના વેચાણથી થતા લાંબા ગાળાના મૂડી લાભ પર ઇન્ડેક્સેશન લાભની અંદર 20% ટેક્સ લાગતો હતો. હવે મિલકત વેચાણ પર જે મુડી લાભ માટે ઇન્ડેક્સેશન બેનિફિટ વગર 12.5% નો નવો LTCG ટેક્સ દર લાગુ થશે.
3. પ્રોત્સાહન આપવાથી રોજગારી વધશે?
લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની મળેલી બેઠકો પરથી સ્પષ્ટ થઈ ગયું હતું, કે રોજગારનો મુદ્દો નિર્ણાયક સાબિત થયો છે. ઉત્તર પ્રદેશમાં હારના કારણોની સમીક્ષામાં એવું જાણવા મળ્યુ કે, પેપર લીક અને રોજગારીનો મુદ્દો એવો રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીની જીત માટે મુશ્કેલ સાબિત થયો હતો. પરંતુ સવાલ એ થાય છે કે, આ વખતે રોજગારીને લઈને જે જાહેરાત કરવામાં આવી, તે બેરોજગારી દૂર કરવામાં કેટલી કામયાબ રહેશે. નોકરીઓ વધારવા માટે બજેટમાં કરાયેલી જાહેરાત મુજબ સરકાર પહેલીવાર નોકરી મેળવનારા કર્મચારીઓના બેંક ખાતામાં એક મહિનાનો પગાર ટ્રાન્સફર કરશે. મતલબ કે આનાથી તેમને નોકરી આપતી કંપનીઓ પરનો બોજ ઘટશે. અને તેનાથી તેઓ નોકરી આપવા માટે પ્રોત્સાહિત થશે.
આ રકમ ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવશે. જે મહત્તમ રૂ. 15,000 સુધીની હશે. 30 લાખ યુવાનોને આ યોજનાનો લાભ મળવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. પરંતુ શું કંપનીઓ માત્ર પ્રોત્સાહન આપીને જ ભરતી કરશે? ઉલટાનું કંપનીઓ ઈન્સેટિવના રુપે રકમ હજમ કરી જશે. એક વાત એ પણ છે કે, કોવિડ પછી અર્થવ્યવસ્થામાં રિકવરી અને રોજગાર વધારવા માટે ઉદ્યોગોને વિશેષ ટેક્સ ઈન્સેંટિવ આપવામાં આવ્યા હતા. જેથી તેઓ લોકોને નોકરી આપી શકે, પરંતુ શું થયું? ઉદ્યોગોનો પોતાનો વિસ્તાર બરોબર થયો નથી. તેથી એવી હાલત ઇન્ટર્નશિપ સ્કીમની પણ થવાની છે.
4. વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેવા રાજ્યોને કાંઈ ન મળ્યું
આ વર્ષે મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી રાજ્યોને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. પરંતુ આ રાજ્યોને કાંઈ મળવાની આશા તો દૂર દૂર સુધી દેખાતી નથી. લોકસભાની ચૂંટણીમાં અનુસૂચિત જાતિ અને પછાત જાતિના મતોની પણ કોઈ ચિંતા જોવા ન મળી. એવી આશા હતી કે, આ વર્ષે આ ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તો તેમના માટે મોદી સરકાર 3.0 ના પ્રથમ બજેટમાં તેમની તિજોરી ખોલશે, પરંતુ બજેટમાં એવુ કાંઈ દેખાયું નહીં.
બજેટમાં પ્રધાનમંત્રી આદિવાસી ઉન્નત ગામ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આદિવાસી સમુદાયના લોકોની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવા માટે શરૂ કરવામાં આવેલા આ અભિયાન અંતર્ગત આદિવાસી પરિવારોને સરકારી યોજનાઓનું સંપૂર્ણ કવરેજ આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. જેમાં 63 હજાર આદિવાસી પ્રભુત્વ ધરાવતા ગામોને સામેલ કરવામાં આવનાર છે, અને પાંચ કરોડ આદિવાસી લોકોને લાભ થશે. આદિવાસી પ્રભુત્વ ધરાવતા ઝારખંડની કુલ વસ્તીના આશરે 27 ટકા આદિવાસીઓ છે. આ યોજનાનો લાભ ઝારખંડને મળવાની આશા રાખી શકાય છે.
5. ખેડૂતો માટે કોઈ જાહેરાત નહીં
હરિયાણા અને મહારાષ્ટ્રમાં ખેડૂતોના મત ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીએ ખેડૂતો માટે બજેટમાં કેટલીક એવી જાહેરાત કરવાની જરૂર હતી, જેથી કરીને તેઓને તેમની જીવનશૈલીમાં થોડો ફેરફાર થવાની આશા જોવા મળી છે. સરકારે કૃષિ અને તેને સંબંધિત ક્ષેત્રો માટે 1 લાખ 52 હજાર કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે.
આ ઉપરાંત નાણામંત્રીએ કહ્યું કે, 32 કૃષિ અને બાગાયતી પાકોની 109 નવી ઉચ્ચ ઉપજ આપતી અને જળવાયુ અનુકૂળ જાતો બહાર પાડવામાં આવશે. બજેટમાં લેવાયેલા નિર્ણયોથી કૃષિ ઉત્પાદનમાં વધારો થશે. પરંતુ ખેડૂત નેતા રાકેશ ટિકૈત આજ સુધી કહેતા આવ્યા છે કે, ઉત્પાદન વધારીને ખેડૂતને શું મળશે. જ્યાં સુધી પાક વેચવાની વ્યવસ્થા જ ન હોય, જો પાક વધુ આવે અને કોઈ વેચાણ વ્યવસ્થા બરોબર ન હોય તો ખેડૂત ફેંકી દેવાના ભાવે વેચવાનો વારો આવે છે. બજેટમાં ખેડૂતો માટે અનેક વચનો આપવામાં આવ્યા છે. પરંતુ ખેડૂતોને સીધો ફાયદો થતો હોય તેવું એક પણ વચન દેખાતુ નથી.
હરિયાણા અને મહારાષ્ટ્ર માટે બજેટમાં ખાસ જાહેરાત નહીં
નાણામંત્રીએ એમ પણ કહ્યું છે કે, રજિસ્ટ્રીમાં 6 કરોડ ખેડૂતો અને તેમની જમીનોની વિગતો દાખલ કરવામાં આવશે, રાષ્ટ્રીય સહકારી નીતિ લાવવામાં આવશે જે ગ્રામીણ અર્થવ્યવસ્થાના વિકાસને વેગ આપશે. હરિયાણા અને મહારાષ્ટ્ર માટે બજેટમાં કોઈ સીધી જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ આ બંને રાજ્યોની મોટી વસ્તી કૃષિ અને સંબંધિત ક્ષેત્રો સાથે સંકળાયેલી છે.