તલવાર-તીક્ષ્ણ હથિયારો વડે આ રાજ્યના બસપા પ્રમુખની હત્યા, 6 હુમલાખોરોએ ઘરની સામે રહેંશી નાખ્યા
Tamilnadu BSP chief Died | તમિલનાડુના ચેન્નઈમાં એક હચમચાવતી ઘટના સામે આવી છે. અહીં બહુજન સમાજ પાર્ટી (BSP) ના તમિલનાડુના પ્રમુખની શુક્રવારે તેમના ઘરની સામે જ 6 બાઇક સવારોએ ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. આ ઘટના ચેન્નઈના સેમ્બિયક વિસ્તારમાં બની હતી.
કેવી રીતે બની ઘટના?
માહિતી અનુસાર બસપા પ્રદેશ અધ્યક્ષ આર્મસ્ટ્રોંગ પોતાના ઘરની નજીક પાર્ટી કાર્યકરો સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે અચાનક 6 લોકો બાઇક પર આવ્યા અને તેમના પર ઓચિંતો હુમલો કરી દીધો. બસપા નેતાને મારી નાખ્યા બાદ હુમલાખોરો ફરાર થઇ ગયા હતા. જ્યારે ઘટનાની જાણ પરિજનોને થઇ તો તેઓ તાત્કાલિક પીડિત આર્મસ્ટ્રોંગને હોસ્પિટલે લઈ ગયા જ્યાં તેમને મૃત જાહેર કરી દેવામાં આવ્યા.
પોલીસે શું કહ્યું આ મામલે?
આ મામલે પોલીસે કહ્યું કે ગત વર્ષે ગેંગસ્ટર આર્કોટ સુરેશની હત્યાનો બદલો લેવા માટે આ ઘટનાને અંજામ અપાયો હોઈ શકે છે. અમે તપાસ કરી રહ્યા છીએ. ચેન્નઈના વરિષ્ઠ પોલીસ અધિકારી અસરા ગર્ગે કહ્યું કે અમે અત્યાર સુધી 8 શંકાસ્પદોની ધરપકડ કરી છે. તપાસ માટે 10 ટીમ બનાવાઈ છે. અપરાધીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે.
માયાવતીએ આપ્યું રિએક્શન
આ મામલે બસપાના રાષ્ટ્રીય પ્રમુખ માયાવતીએ ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું કે આર્મસ્ટ્રોંગ દલિતો માટે મજબૂત અવાજ બની ગયા હતા. તેમના હત્યારાઓને છોડવામાં ન આવે. આર્મસ્ટ્રોંગની હત્યા ટીકાને પાત્ર છે. રાજ્ય સરકાર આ મામલે કડક કાર્યવાહી કરે.