માયાવતીને વડાપ્રધાનનો ચહેરો બનાવો, ગઠબંધન I.N.D.I.Aમાં સામેલ થવા બસપાએ રાખી શરત
લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષી ગઠબંધન સતત પોતાના સમૂહને વધારવાના પ્રયાસમાં છે
Mayawati Condition with INDIA alliance : દેશમાં આગામી વર્ષે લોકસભા ચૂંટણી યોજાનાર છે અને તેને લઈને વિપક્ષી ગઠબંધન સતત પોતાના સમૂહને વધારવાના પ્રયાસમાં છે ત્યારે સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળ પાર્ટીએ વિપક્ષી ગઠબંધન I.N.D.I.Aમાં સામેલ થવાને લઈને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. બહુજન સમાજ પાર્ટી (BSP)ના નજીકના ગણાતા એક નેતાએ ગઠબંધનમાં સામેલ થવા અંગે એક શરત રાખી છે.
માયાવતીને વડાપ્રધાનનો ચહેરો બનાવવા જોઇએ : BSP સાંસદ
બસપા સુપ્રીમો માયાવતી છેલ્લા કેટલાક દિવસથી દિલ્હીમાં છે અને એવું માનવામાં આવે છે કે કેડરના દબાણના કારણે માયવતી તરફથી ગઠબંધન I.N.D.I.Aમાં સામેલ થવા માટે એક શરત રાખી છે. અમરોહાના સાંસદ અને માયાવતીના નજીકના ગણાતા મલૂક નાગરે કહ્યું હતું કે જો ગઠબંધન I.N.D.I.A ખરેખર ભાજપને હરાવવા માંગે છે તો માયાવતીને વડાપ્રધાનનો ચહેરો બનાવવા જોઇએ અને જો આમ નહીં કરવામાં આવે તો મોદીને હરાવવા શક્ય નથી.
બસપાથી ગઠબંધનને ફાયદો થશે : મલૂક નાગર
મલૂક નાગરે વધુમાં કહ્યું કે માયાવતીના 13 ટકા વોટ અને વિપક્ષના 37-38 ટકા વોટ નિર્ણાયક લીડ આપી શકે છે, જે યુપીમાં બીજેપીના 44 ટકાથી ઘણી વધારે છે, પરંતુ આ માટે જરૂરી છે કે ગઠબંધન I.N.D.I.A દ્વારા માયાવતીને વડાપ્રધાનનો ચહેરો બનાવવા જોઇએ. તેમણે આગળ કહ્યું કે માયાવતી દેશના સૌથી મોટા દલિત નેતા છે અને તમામ રાજ્યોમાં તેમને સમર્થન મળે છે અને જો બહુજન સમાજ પાર્ટી સાથે આવે છે તો સમગ્ર દેશમાં તેની વોટ ટકાવારીથી ગઠબંધન I.N.D.I.Aને ફાયદો થશે અને તેનાથી ભાજપને રોકી શકાય છે.
આ પહેલા અખીલેશ યાદવે બસપાને લઈને મુદો ઉઠાવ્યો હતો
આ પહેલા દિલ્હીમાં ગઠબંધનની બેઠકમાં અખીલેશ યાદવે બસપાની સાથે વાતચીતનો મુદો ઉઠાવ્યો હતો અને તેમણે પૂછ્યું હતું કે શું કોંગ્રેસ પાર્ટી આ ગઠબંધન માટે બસપા સાથે વાતચીત કરી રહી છે, શું તે બસપાને ગઠબંધનમાં લાવવા માગે છે? કોંગ્રેસ પહેલા તેનુ સ્ટેન્ડ સ્પષ્ટ કરે અને જો કોંગ્રેસ ઈચ્છે છે તો તે સ્પષ્ટ કહી દે કારણકે બાદમાં સમાજવાદી પાર્ટીએ પણ આ ગઠબંધન અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવું પડશે. આ ઉપરાંત આરએલડીના ચીફ જયંત ચૌધરીએ પણ બસપાને લઈને કહ્યું હતું કે અમે તેમની સાથે વાત નથી કરી રહ્યા. મીડિયામાં અહેવાલો છે પણ નિર્ણય બસપાએ જ લેવો પડશે.