લોકસભા ચૂંટણી પૂર્વે માયાવતીની મોટી કાર્યવાહી, પાર્ટી વિરોધી પ્રવૃત્તિમાં સામેલ સાંસદને બરતરફ કર્યા
- સાંસદની સાથે તેમના ભાઈ સુરેશને પણ પાર્ટીમાંથી હાંકી કાઢ્યા
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 23 માર્ચ 2024, શનિવાર
લોકસભા ચૂંટણી પહેલા બસપા સુપ્રીમો માયાવતીએ મોટી કાર્યવાહી કરી છે. બહુજન સમાજ પાર્ટી (BSP)ના પ્રમુખ માયાવતીએ આજે શ્રાવસ્તી લોકસભા બેઠકથી સાંસદ રામ શિરોમણિ વર્માને પાર્ટીમાંથી બરતરફ કરી દીધા છે. તેમના પર પાર્ટી વિરોધી પ્રવૃતિમાં સામેલ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સાંસદની સાથે તેમના ભાઈ સુરેશને પણ પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે.
અંબેડકરનગર BSP જિલ્લા અધ્યક્ષે જારી કરી પ્રેસ રિલીઝ
અંબેડકરનગરના BSP જિલ્લા અધ્યક્ષ સુનીલ સાવંત ગૌતમે એક પ્રેસ રિલીઝ જારી કરીને સાંસદ રામ શિરોમણિ વર્માને પાર્ટીમાંથી બરતરફ કરી દીધા હોવાની જાણકારી આપી છે. રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે સાંસદ અને તેમના ભાઈને પાર્ટીમાં અનુશાસનહીનતા અપનાવવા અને પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાની આપવામાં આવેલા રિપોર્ટની વિવિધ સૂત્રો દ્વારા તપાસ કર્યા બાદ આજે BSPમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.
અગાઉ પણ આપવામાં આવી હતી ચેતવણી
સુનીલ સાવંત ગૌતમે કહ્યું કે રામ શિરોમણી વર્માને BSPમાં અનુશાસનહીનતા અપનાવવા અને પાર્ટી વિરોધી પ્રવૃતિઓ વિશે ઘણી વખત ચેતવણી આપવામાં આવી હતી પરંતુ તેમ છતાં તેમની કાર્યશૈલીમાં કોઈ સુધારો ન આવ્યો. તેથી પાર્ટી અને મૂવમેન્ટ હિતમાં આજે તેમને પાર્ટીમાંથી બરતરફ કરી દેવામાં આવ્યા છે.
કોણ છે રામ શિરોમણિ વર્મા?
રામ શિરોમણી વર્માએ 2019માં સપા-બસપા ગઠબંધનના ઉમેદવાર તરીકે શ્રાવસ્તીથી જીત મેળવી હતી. તેમણે તત્કાલિન સાંસદ દદ્દન મિશ્રાને 5320 મતોથી હરાવ્યા હતા. આ વખતે તેઓ સપા તરફથી ચૂંટણી લડશે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે. વર્મા દ્વારા 2019માં ફાઈલ કરવામાં આવેલી ચૂંટણી એફિડેવિટ પ્રમાણે તેમની પાસે 191 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમનો જન્મ 5 ઓગસ્ટ 1975ના રોજ થયો હતો. તેમણે અયોધ્યાની ડોક્ટર રામ મનોહર લોહિયા યુનિવર્સિટીમાંથી શિક્ષણ મેળવ્યું હતું.