BSP નેતા અફઝલ અંસારીનું લોકસભા સભ્યપદ પુનઃસ્થાપિત થશે, સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત

Updated: Dec 14th, 2023


Google NewsGoogle News
BSP નેતા અફઝલ અંસારીનું લોકસભા સભ્યપદ પુનઃસ્થાપિત થશે, સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત 1 - image


- અફઝલ અંસારીને 29 એપ્રિલે દોષી ઠેરવ્યા બાદ સભ્યપદમાંથી અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા 

નવી દિલ્હી, તા. 14 ડિસેમ્બર 2023, ગુરૂવાર

Supreme Court On Afzal Ansari: ગેંગસ્ટર મામલે 4 વર્ષની જેલની સજા પામેલા ઉત્તર પ્રદેશના ગાઝીપુરના લોકસભા સાંસદ અફઝલ અંસારીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે આજે તેમની સજા પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ હવે તેમનું લોકસભા સભ્યપદ પુનઃસ્થાપિત થશે. જોકે, તેમને ગૃહમાં મતદાન કરવાનો અધિકાર નહીં રહેશે.

અફઝલ અંસારીને 29 એપ્રિલે દોષી ઠેરવ્યા બાદ સભ્યપદમાંથી અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા અને 1 મેના રોજ તેણે પોતાનું સભ્યપદ ગુમાવી હતું. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને અફઝલ અંસારીની અપીલનો 30 જૂન 2024 સુધીમાં નિકાલ કરવા જણાવ્યું હતું. સભ્યપદ પુનઃસ્થાપિત કર્યા બાદ અફઝલ અંસારી માટે આગામી વર્ષે 2024 માં યોજાનારી લોકસભાની ચૂંટણી લડવાનો માર્ગ ખુલ્લો થઈ ગયો છે. તેઓ 5 વખત ધારાસભ્ય અને 2 વખત સાંસદ રહી ચૂક્યા છે.

2-1 બહુમતથી અફઝલ અંસારીને મળી રાહત

આ મામલે જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈઆએ અફઝલ અંસારીની સજા પર રોક લગાવવાનો નિર્ણય કર્યો હતો જ્યારે જસ્ટિસ દીપાંકર દત્તા તેમના પક્ષમાં નહોતા. આમ જજોની 2-1 બહુમતીથી અફઝલ અંસારીને રાહત મળી છે. જો કે કોર્ટે તેમની સમક્ષ કેટલીક શરતો પણ મૂકી છે અને તેઓ લોકસભામાં મતદાન કરી નહીં શકશે પરંતુ તેઓ ગૃહની કાર્યવાહીમાં ચોક્કસ ભાગ લઈ શકશે.

બીજેપી ધારાસભ્યની હત્યા મામલે મળી હતી સજા

નિયમ પ્રમાણે જો કોઈ જનપ્રતિનિધિને બે વર્ષ કે તેથી વધુની સજા મળે છે તો તે પોતાનું સભ્યપદ ગુમાવી દે છે. આ ઉપરાંત તેમના પર 6 વર્ષ માટે ચૂંટણી લડવા પર પણ રોક લગાવી દેવામાં આવે છે. અફઝલ અંસારી ગેંગસ્ટર મુખ્તાર અંસારીનો ભાઈ છે. 29 એપ્રિલના રોજ ગાઝીપુરની એમપી-એમએલએ કોર્ટે તેમને ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યા મામલે ગેંગસ્ટર એક્ટ હેઠળ દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે અફઝલ અંસારીને 4 વર્ષની અને મુખ્તાર અંસારીને 10 વર્ષની જેલની સજા સંભળાવી હતી.



Google NewsGoogle News