Get The App

દેશની આ મોટી પાર્ટીને ચૂંટણી બોન્ડમાં એક પણ રૂપિયો મળ્યો નહીં

ચૂંટણી પંચે 14મી માર્ચે પોતાની વેબસાઈટ પર ચૂંટણી બોન્ડ તમામ ડેટા અપલોડ કર્યા હતા

Updated: Mar 15th, 2024


Google NewsGoogle News
દેશની આ મોટી પાર્ટીને ચૂંટણી બોન્ડમાં એક પણ રૂપિયો મળ્યો નહીં 1 - image


Electoral Bond: ભારતીય ચૂંટણી પંચે ગુરુવારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી મળેલા ચૂંટણી બોન્ડ સંબંધિત ડેટા વેબસાઈટ પર જાહેર કરી હતી. જેમાં એ વાત સામે આવી છે કે દેશના 25 રાજકીય પક્ષો ચૂંટણી બોન્ડ દ્વારા ડોનેશન મેળવી રહ્યા છે. જેમાં ભાજપ-કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી સહિત ઉત્તર પ્રદેશની મુખ્ય પાર્ટીઓના નામ સામેલ છે. ચૂંટણી બોન્ડના આંકડા જાહેર થયા બાદ દરેકના મનમાં એક સવાલ ફરી રહ્યો છે કે કઈ રાજકીય પાર્ટીને ચૂંટણી બોન્ડ દ્વારા ફંડ મળ્યું છે અને કોને સૌથી વધુ ફંડ મળ્યું છે.

જાણો કોને કેટલું ફંડ મળ્યું

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતીય જનતા પાર્ટીને સૌથી વધુ 60.60 અબજ રૂપિયાનું ફંડ મળ્યું છે, બીજા સ્થાને પશ્ચિમ બંગાળની મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ છે જેને 16.09 અબજ રૂપિયાનું ફંડ મળ્યું છે અને ત્રીજા સ્થાને કોંગ્રેસ છે, જેને રૂ. 14.21 અબજનું ફંડ મળ્યું હતું.

સપાને 14 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું

જો ઉત્તર પ્રદેશના મુખ્ય રાજકીય પક્ષો અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી અને માયાવતીની બહુજન સમાજ પાર્ટીની વાત કરીએ તો ચૂંટણી પંચે આપેલી યાદીમાં સપા સોળમાં સ્થાને છે, સપાને 14 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું છે. આ યાદીમાં બહુજન સમાજ પાર્ટીનું નામ નથી. 426 પાનાના રિપોર્ટમાં ક્યાંય પણ બસપાનું નામ નથી. જ્યારે એસપીના નામનો 46 વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે. SBI દ્વારા ECને સબમિટ કરવામાં આવેલા રિપોર્ટમાં, સપાનું નામ આદ્યક્ષ સમાજવાદી પાર્ટી તરીકે નોંધવામાં આવ્યું છે.

આ કંપનીઓએ ચૂંટણી બોન્ડ ખરીદ્યા

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા પર નજર કરીએ તો, રાજકીય પક્ષોને મદદ કરવાના નામે જે કંપનીઓએ મહત્તમ સંખ્યામાં ચૂંટણી બોન્ડ ખરીદ્યા છે તેમાં ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, મેઘા એન્જિનિયરિંગ, પિરામલ એન્ટરપ્રાઈઝ, ટોરેન્ટ પાવર, ભારતી એરટેલ, ડીએલએફ કોમર્શિયલ ડેવલપર્સ અને વેદાંત લિમિટેડ. એપોલો ટાયર્સ, લક્ષ્મી મિત્તલ, એડલવાઈસ, પીવીઆર, કેવેન્ટર, સુલા વાઈન, વેલસ્પન, સન ફાર્મા જેવી કંપનીઓના નામ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી બોન્ડને લઈને સુપ્રીમ કોર્ટના કડક આદેશ બાદ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ બે પેન ડ્રાઈવમાં માહિતી આપી હતી, ત્યારબાદ ચૂંટણી પંચે 14મી માર્ચે વેબસાઈટ પર તમામ ડેટા અપલોડ કર્યા હતા. સંપૂર્ણ માહિતી બે ભાગમાં આપવામાં આવી છે. પ્રથમ ભાગમાં, બોન્ડ ખરીદનારાઓના નામ અને રકમ તારીખ પ્રમાણે આપવામાં આવે છે. બીજા ભાગમાં  બોન્ડ રિડીમ કરનારા પક્ષકારોના નામ આપવામાં આવ્યા છે.


Google NewsGoogle News