Get The App

અસદ એન્કાઉન્ટર પર માયાવતીની પ્રતિક્રિયા, કહ્યું ‘વિકાસ દુબે જેવો કાંડ... ઉચ્ચ સ્તરીય તપાસ જરૂરી’

માયાવતીએ કહ્યું, લોકોને લાગે છે કે, વિકાસ દુબે જેવો જ કાંડ થયો હોવાની તેમની આશંકા સાચી સાબિત થઈ છે, જેથી ઉચ્ચ સ્તરીય તપાસ જરૂરી

ઉત્તરપ્રદેશમાં અત્યાર સુધી પોલીસ એન્કાઉન્ટરમાં 183 ગુનેગારો માર્યા ગયા, 13 પોલીસકર્મીઓ પણ શહીદ થયા : ADG અને લો ઓર્ડર પ્રશાંત કુમાર

Updated: Apr 13th, 2023


Google NewsGoogle News
અસદ એન્કાઉન્ટર પર માયાવતીની પ્રતિક્રિયા, કહ્યું ‘વિકાસ દુબે જેવો કાંડ... ઉચ્ચ સ્તરીય તપાસ જરૂરી’ 1 - image

લખનઉ, તા.13 એપ્રિલ-2023, ગુરુવાર

આજે ગેંગસ્ટર અતિક અહેમદના પુત્ર અસદને ઉત્તરપ્રદેશ એસટીએફે એન્કાઉન્ટમાં ઠાર કર્યો છે. ઉમેશ પાલ હત્યાકાંડ બાદ ફરાર આરોપી અસદને ઠાર કર્યા બાદ ઉત્તર પ્રદેશનું રાજકારણ ગરમાયું છે. અસદના એન્કાઉન્ટરને લઈને તમામ નેતાઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે. તો હવે બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ પણ અસદનાં એન્કાઉન્ટર અંગે પ્રતિક્રિયા આપી છે. પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને માંગ કરી છે કે, આ એન્કાઉન્ટર અંગે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે.

લોકોને વિકાસ દુબે જેવો કાંડ થયો હોવાની આશંકા : માયાવતીનું ટ્વિટ

અસદ અહેમદના એન્કાઉન્ટર બાદ વિવિધ પક્ષોના નેતાઓ ટ્વિટ કરી રહ્યા છે. તો હવે આ ક્રમમાં BSPના સુપ્રીમો માયાવતીએ પણ ટ્વિટ કર્યું છે, જેમાં તેમણે લખ્યું છે કે, પ્રયાગરાજના અતીક અહેમદના પુત્ર તેમજ અન્ય એકની અથડામણમાં થયેલી હત્યા અંગે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. લોકોને લાગે છે કે, વિકાસ દુબે જેવો જ કાંડ થયો હોવાની તેમની આશંકા સાચી સાબિત થઈ છે, જેથી સમગ્ર ઘટનાની હકીકત અને સત્ય લોકો સામે આવે તે માટે ઉચ્ચ સ્તરીય તપાસ જરૂરી છે.

આખા શહેરમાં પોલીસ બંદોબસ્ત, સોશિયલ મીડિયા પર પણ નજર

બીજી તરફ અતિક અહેમદના પુત્ર અસદ અહેમદના એન્કાઉન્ટર બાદ આખા પ્રયાગરાજમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પોલીસની ટીમે સતત પેટ્રોલિંગ કરી રહી છે. ઉપરાંત સોશિયલ મીડિયા પર આવતા-જતા મેસેજો પર પણ નજર રાખી રહી છે. 

પોલીસ એન્કાઉન્ટરમાં 183 ગુનેગારો માર્યા ગયા : પ્રશાંત કુમાર

અસદના એન્કાઉન્ટર બાદ ADG અને લો ઓર્ડર પ્રશાંત કુમારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, સરકારે માફિયાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. ઉપરાંત તેમણે જણાવ્યું કે, ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધી પોલીસ એન્કાઉન્ટરમાં 183 ગુનેગારો માર્યા ગયા છે, આ સાથે 13 પોલીસકર્મીઓ પણ શહીદ થયા છે. 

એન્કાઉન્ટર અંગે અખિલેશે પણ કર્યું ટ્વિટ

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ટ્વીટ કરીને જણાવ્યું કે, ભાજપ કોર્ટમાં વિશ્વાસ જ રાખતી નથી. આજના અને તાજેતરના એન્કાઉન્ટરની પણ સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને ગુનેગારોને છોડવામાં ન આવે... સાચું-ખોટું નક્કી કરવાનો અધિકાર સત્તા પાસે નથી હોતો. ભાજપ ભાઈચારાની વિરુદ્ધ છે.

CM યોગીએ STFની કરી પ્રશંસા

ગેંગસ્ટરમાંથી નેતા બનેલો અતીક અહેમદનો પુત્ર અસદ એન્કાઉન્ટરમાં ઠાર થયા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે કાયદો અને વ્યવસ્થા પર એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. CM યોગીએ એન્કાઉન્ટરમાં સામેલ સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ (STF)ની પ્રશંસા કરી હતી. ઉત્તર પ્રદેશના CMOના જણાવ્યા અનુસાર, મુખ્ય સચિવ (ગૃહ) દ્વારા યોગી આદિત્યનાથને એન્કાઉન્ટર અંગે જાણ કરાઈ હતી. ઉલ્લેખનિય છે કે, ઉત્તરપ્રદેશની એસટીએફે ઝાંસીના બબીના રોડ પર અતીકના પુત્ર અસદનું એન્કાઉન્ટર કરી નાખ્યું છે. અસદની સાથે ગુલામ મોહમ્મદ શૂટર પણ ઠાર થયો છે. ઉમેશ પાલની હત્યાની ઘટના બાદથી અસદ અને ગુલામ ફરાર હતા, બંનેના માથે 5-5 લાખનું ઈનામ હતું.


Google NewsGoogle News