માયાવતીનું મોટું એલાન, BSPમાં ભત્રીજા આકાશ આનંદને બનાવ્યો પોતાનો ઉત્તરાધિકારી
બહુજન સમાજ પાર્ટી (BSP)ના અધ્યક્ષ માયાવતીએ આજે લખનઉંમાં આયોજીત પાર્ટી બેઠકમાં મોટું એલાન કર્યું છે. BSPની બેઠકમાં માયાવતીએ પોતાના ભત્રીજા આકાશ આનંદને પોતાનો ઉત્તરાધિકારી જાહેર કર્યો. આ બેઠકમાં ભત્રીજા અને નેશનલ કોઑર્ડિનેટર આકાશ આનંદ પણ હાજર રહ્યા. આ સિવાય બેઠકમાં વિધાન મંડળ પક્ષના નેતા ઉમાશંકર સિંહ અને પ્રદેશ અધ્યક્ષ વિશ્વનાથ પાલ પણ નજરે આવ્યા. બેઠકમાં 28 રાજ્યોના પદાધિકારી પણ હાજર રહ્યા. આકાશ આનંદ લંડનમાં માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કરી ચૂક્યા છે.
આકાશને બનાવાયા ઉત્તરાધિકારી?
માયાવતીએ ભત્રીજાને ઉત્તરાધિકારી બનાવતા જ રાજકારણમાં આકાશ આનંદની સંગઠન શક્તિને લઈને વિવાદ છંછેડાઈ તેવી શક્યતાઓ છે. બસપાએ અનુભવી નેતાઓને સાઈડલાઈન કરીને યુવા ચેહરા પર દાવ શા માટે લગાવ્યો? જેને લઈને હજુ સુધી કોઈ રાજકીય પ્રતિક્રિયા આવી નથી. પરંતુ તેની પાછળનો ઉદ્દેશ્ય સ્પષ્ટ નજરે પડે છે કે, માયાવતી આકાશ આનંદને ક્રિકેટની ભાષામાં કહીએ તો ભવિષ્યની રાજનીતિ માટે પ્રેક્ટિસ મેચ આપવા માંગે છે જેનાથી તેના ચૂંટણી દાવ-પેંચ, ટિકિટ વિતરણ, ચૂંટણી પ્રચાર અને અન્ય મુદ્દાઓ પર અનુભવ મળી શકે.
મહત્વનું છે કે, આગામી લોકસભા ચૂંટણી અને તેની તૈયારીઓને લઈને આકાશ આનંદનું કદ વધવાના સંકેત મળી ચૂક્યા છે. જોકે, આખાશ આનંદ હજુ બસપાના નેશનલ કોઑર્ડિનેટર છે અને માયાવતીના નાના ભાઈ આનંદકુમારના દીકરા છે.