આશ્વાસનથી કામ નહીં ચાલે...: SC / ST અનામતમાં ક્રિમીલેયર મુદ્દે માયાવતીનો મોદી સરકાર પર પ્રહાર
SC-ST Reservation: અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) વર્ગમાં ક્રિમીલેયર બનાવવા મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે બહુજન સમાજ પાર્ટી (BSP)ના પ્રમુખ માયાવતીએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન PM મોદી પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આશ્વાસન આપવાથી કામ નહીં ચાલે. કેન્દ્ર સરકારે સંસદ સત્ર બોલાવીને ક્રિમીલેયર મુદ્દે સ્થિતિ સ્પષ્ટ કરવી જોઇએ. ઉપરાંત કોંગ્રેસ, ભાજપ અને અપના દળની રાજ્ય સરકારોએ પણ આ મુદ્દે સ્થિતિ સ્પષ્ટ કરવી જોઇએ. આ દરમિયાન માયાવતીએ મોદી સરકાર પર સુપ્રીમ કોર્ટના ચુકાદાને યોગ્ય રીતે ન અનુસરવાનો આરોપ પણ કર્યો હતો.
ક્રિમીલેયર અંગે માયાવતીએ શું કહ્યું?
બીએસપી પ્રમુખ માયાવતીએ 10 ઓગસ્ટે પાર્ટી કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે અનામત અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા વિશે વાત કરતા કહ્યું કે, સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે તેના પર કેન્દ્ર સરકારે પોતાની સ્થિતિ યોગ્ય રીતે સ્પષ્ટ કરી નથી. જો કેન્દ્ર સરકારને લાગે છે કે માત્ર આશ્વાસન આપવાથી કામ ચાલી જશે તો આવું નથી. તેમણે સંસદ સત્ર બોલાવી આ અંગે સ્થિતિ સ્પષ્ટ કરવી જોઇએ. જો વડાપ્રધાનના ઇરાદા સ્પષ્ટ હોય તો તેમણે સંસદ સત્ર સમય પહેલા સ્થગિત કરવાના સ્થાને વિશેષ સત્ર બોલાવવું જોઇએ અને અનામત મુદ્દે ચિત્ર સ્પષ્ટ કરવું જોઇએ.
માયાવતીના ભાજપ-કોંગ્રેસ-સપા પર પ્રહાર
માયાવતીએ વધુમાં કહ્યું કે, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે સંસદમાં બિલ લાવવું જોઇતું હતું, પરંતુ તેમ થયું નહીં. તેમણે ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપ અને કોંગ્રેસ અનામત વિરોધી છે, નોકરીઓ નાબૂદ કરી કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓને તૈનાત કરવા એ પણ અનામત ખતમ કરવાનો પ્રયાસ છે. એસસી-એસટીના લોકો સાથે અન્યાય થયો છે. ક્રિમીલેયરના બહાને અનામત નાબૂદ કરવા ષડયંત્ર થઇ રહ્યું છે. લોકસભા ચૂંટણી દરમિયાન બંધારણને બચાવવાનું નાટક કરાનારાઓ હવે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ક્રિમીલેયર કે અનામત મુદ્દે કંઇ બોલી રહ્યા નથી. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે સંસદ સત્ર દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો નથી. એસસી અને એસટીના લોકોને કોંગ્રેસ અને ભાજપે દગો આપ્યો છે.
શું છે ક્રિમીલેયરની જોગવાઈ?
ક્રિમીલેયર એટલે કે સમાજનો એ વંચિત વર્ગ કે જે આર્થિક અને સામાજિક રીતે સમૃદ્ધ થઇ ચૂક્યા છે. ક્રિમીલેયર હેઠળ આવતા લોકોને અનામતનો લાભ આપવામાં આવતો નથી. હાલમાં ઓબીસી અનામતમાં ક્રિમીલેયરની જોગવાઈ લાગુ છે. આ સિવાય અનુસૂચિત જાતિ અને જનજાતિના પ્રમોશનના મામલામાં ક્રિમીલેયરની જોગવાઈ લાગુ પડે છે. અન્ય પછાત વર્ગ(ઓબીસી) ને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 27% અનામત મળે છે. ક્રિમીલેયરની જોગવાઈ અનુસાર જો કોઈ ઓબીસી પરિવારની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી વધુ હોય તો તે પરિવારના છોકરા કે છોકરીને અનામતનો લાભ મળતો નથી. તેને બિન-અનામત ક્વોટા દ્વારા નોકરી અથવા પ્રવેશ મળે છે.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું હતું?
1 ઓગસ્ટ, 2024ના રોજ સુપ્રીમ કોર્ટે અનામત અંગે આપેલા મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે, સરકાર અનુસૂચિત જાતિ અને અનુસૂચિતના અનામતમાં સરકાર અલગથી વર્ગીકરણ પણ કરી શકે છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ, ન્યાયાધીશ વિક્રમ નાથ, ન્યાયાધીશ બેલા ત્રિવેદી, ન્યાયાધીશ પંકજ મિત્તલ, ન્યાયાધીશ મનોજ મિશ્રા અને ન્યાયાધીશ સતીશ ચંદ્ર શર્માની 7 ન્યાયાધીશોની બંધારણીય બેંચે એસ.સી-એસ.ટી અનામતમાં ક્રિમીલેયરની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. એક ન્યાયાધીશે તેનો વિરોધ કર્યો હતો.