VIDEO: જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના: BSF જવાનોની બસ નદીમાં ખાબકી, ચાર શહીદ, 31 ઘાયલ
BSF Bus Accident in Jammu and Kashmir : જમ્મુ-કાશમીરના બડગામમાં BSF જવાનોની બસ નદીમાં ખાબકી હોવાની ઘટના બની છે, જેમાં ચાર જવાનો શહીદ થયા હોવાના અને 31 ઘાયલ થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ભયાનક દુર્ઘટના બડગામ જિલ્લાના બ્રેલ વાટરહેલ વિસ્તારમાં બની છે.
બસમાં કુલ 35 જવાનો સવાર હતા
મીડિયા અહેવાલો મુજબ બીએસએફ જવાનો ચૂંટણીની ડ્યૂટી માટે બસમાં જઈ રહ્યા હતા, ત્યારે બ્રેલ વાટરહેલ વિસ્તારમાં બસ ખીણમાં ખાબકી છે. એક અધિકારીએ ઘટના અંગે કહ્યું કે, આ દુર્ઘટનામાં ત્રણ જવાનો શહીદ થયા છે, જ્યારે બે ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. બસમાં કુલ 35 જવાનો સવાર હતા. હાલ ઈજાગ્રસ્તોને નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયા છે.
ખીણમાં ખાબક્યા બાદ બસનો કચ્ચરઘાણ થઈ ગયો
ભયાનક દુર્ઘટના બાદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આ સાથે સ્થળ પર પૂરજોશમાં બચાવની કામગીરી પણ ચાલી રહી છે. એવું કહેવાય છે કે, ખીણમાં ખાબક્યા બાદ બસ સંપૂર્ણ નાશ પામી છે.
થોડા દિવસ પહેલા એક અકસ્માત થયો હતો
આ પહેલા પણ મંગળવારે રાજૌરમાં એક અકસ્માત થયો હતો, જેમાં સેનાનું એક વાહન રોડ પરથી લપસીને ખાડામાં ખાબક્યું હતું, જેમાં ચાર સૈનિકો ઘાયલ થયા હતા, જેમાંથી ચારેય કમાન્ડર હતા અને સ્થાનિક ગ્રામજનોએ તેમને બચાવ્યા હતા.