કોલકાતાની આર.જી. કર હોસ્પિટલમાં જુનિયર મહિલા ડોકટર પર પાશવી બળાત્કાર અને હત્યાના દેશભરમાં પડઘા પડયા
કોલકાતાની આર.જી. કર હોસ્પિટલની ૩૧ વર્ષીય જુનિયર મહિલા ડોકટર કે જે તાલીમ લેતી હતી તેના પર કોલેજના બિલ્ડિંગમાં સેમિનાર રૂમમાં જ બળાત્કાર થયો અને તે પછી આ પાશવી કૃત્ય આચરનાર હોસ્પિટલના જ એક ૩૩ વર્ષીય સ્વયં સેવકે હત્યા કરી નાંખતા સમગ્ર દેશના અને પશ્ચિમ બંગાળના તબીબી જગતમાં હાહાકાર મચી ગયો.પીડિત જુનિયર મહિલા ડોક્ટરનો મૃતદેહ હોસ્પિટલના સેમિનાર રૂમમાંથી મળી આવ્યો હતો. રાત્રે ૯.૩૦ સુધી આ મૃતક મહિલા ડોકટર તેના મિત્રો જોડે હતી.૩૬ કલાકની ડયુટી બજાવ્યા બાદ તે કોઈ કારણસર સેમિનાર હોલ ગઈ હતી.
સવારે તેનો મૃતદેહ મળી આવતા તરત જ પોલીસે શંકાસ્પદ ભૂમિકા ભજવતા આ ઘટનાને આત્મહત્યા તરીકે જાહેર કરી પણ તબીબી વિદ્યાર્થીઓને શંકા ગઈ કેમ કે જેઓએ મૃતદેહ જોયો તેઓનું કહેવું હતું કે મૃતકના ગુપ્તાંગ, આંખો અને મોંમાંથી લોહી નીકળતું હતું અને વિકૃત રીતે બળાત્કાર કરવા સાથે તેનું મોત થાય તેમ પીંખી નાંખી હતી. ઓટોપ્સી રીપોર્ટમાં પણ આ જ જણાવાયું. જો કે આશ્ચર્યજનક રીતે હોસ્પિટલના વડા ડો. સંદીપ કુમાર ઘોષ કે જેનો ટ્રેક રેકોર્ડ પણ ખરાબ છે તેમણે બેરહેમીથી તપાસમાં સાથ નહોતો આપ્યો. તેની પણ ધરપકડ થઈ અને થોડા દિવસો પહેલા જમીન મળ્યા જો કે તેમને સસપેન્ડ કરી દેવાયા છે. જ્યાં સુધી આરોપી પકડાય નહીં અને ઝડપથી સજા ન થાય ત્યાં સુધી આર.જી. કર હોસ્પિટલના જ નહીં પણ પશ્ચિમ બંગાળના ડોકટરો હડતાળ પર ઉતર્યા અને કેટલાયે દિવસો હોસ્પિટલમાં સલામતીની વ્યવસ્થા મજબૂત બનાવોની માંગ ઉમેરીને ઉપવાસ પર ઉતર્યા. દેશના ઘણા શહેરોમાં ડોક્ટરોએ સાથ આપતા દેખાવ કર્યા. મુખ્ય મંત્રી મમતા બેનરજી પર રાજીનામાનું દબાણ પણ સર્જાયું. બળાત્કારી સંદીપ રોય કે જેની શંકાના આધારે ધરપકડ થઈ તેણે કબૂલાત કરી લીધી છે. આ વિકૃત ગુનેગાર અગાઉ પણ ઘણી મહિલાઓને બળાત્કારનો શિકાર બનાવી ચુક્યો છે.
હવે જેમ બને તેમ ઝડપથી તેને સજા થશે તેવી સાંત્વના કોર્ટ અને મમતાએ ડોકટરોને આપતા ફરી રાબેતા મુજબ હોસ્પિટલો ચાલવા માંડી છે. દેશભરની હોસ્પિટલની જુનિયર ડોકટર અને મેડિકલ કોલેજની હોસ્ટેલની વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. રાજ્યોએ સલામતી વ્યવસ્થા લોખંડી બનશે તેની ખાતરી આપી છે. રાત્રિ પાળીમાં વિદ્યાર્થીનીઓને કે જુનિયરને ખાસ અનિવાર્ય હશે તો જ ફરજ પર બોલાવાશે તેવી ખાતરી પણ વાલીઓને અપાઈ છે.