Telangana Election 2023: બીઆરએસ સાંસદ કોઠા પ્રભાકર રેડ્ડી પર ચૂંટણી પ્રચાર દરમિયાન છરીથી હુમલો
Image Source: Twitter
- પોલીસ દરેક એંગલથી કેસની તપાસ કરી રહી છે
નવી દિલ્હી, તા. 30 ઓક્ટોબર 2023, સોમવાર
Telangana Election 2023: મેડકથી સાંસદ અને આગામી વિધાનસભા ચૂંટણીમાં દુબ્બાકાથી બીઆરએસ ઉમેદવાર કોઠા પ્રભાકર રેડ્ડી પર આજે ચૂંટણી પ્રચાર દરમિયાન છરીથી હુમલો કર્યો હતો. દોલતાબાદ મંડલના સુરમપલ્લી ગામમાં તેમના ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન એક અજાણ્યા વ્યક્તિએ તેમના પેટમાં છરી મારી દીધી હતી. તેમના સમર્થકોને જાણ થતા જ તાત્કાલિક તેમને ગજવેલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી તેમને હૈદરાબાદ ટ્રાન્સફર કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.
આ દરમિયાન ટોળાએ હુમલાખોરને પકડીને તેને સખત માર માર્યો હતો અને પછી તેને પોલીસને હવાલે કરી દીધો હતો. પોલીસ હુમલો કરનાર વ્યક્તિની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. હાઈપ્રોફાઈલ કેસ હોવાથી પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ દરેક એંગલથી કેસની તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે હુમલાનું કારણ ટૂંક સમયમાં સ્પષ્ટ થઈ જશે.
મંત્રી ટી. હરીશ રાવ તેમની તબિયત પૂછવા હોસ્પિટલ પહોંચ્યા
હુમલાની સૂચના મળ્યા બાદ બીઆરએસના નેતાઓ પણ રેડ્ડીને કોલ કરીને તેમની તબિયત પૂછી રહ્યા છે. મંત્રી ટી હરીશ રાવે સાંસદને ફોન કરીને તેમની સાથે વાત કરી અને તેમની સ્વાસ્થ્ય સ્થિતિ અંગે જાણકારી લીધી હતી. તેમણે પોતાના ચૂંટણી કાર્યક્રમ પણ રદ કરી દીધા અવે સાંસદને મળવા હોસ્પિટલ પહોંચી ગયા હતા.