Get The App

દિલ્હી લિકર કૌભાંડમાં પૂર્વ CMની દીકરીના જામીન ફગાવાયા, બાળકની પરીક્ષાનો આપ્યો હતો હવાલો

Updated: Apr 8th, 2024


Google NewsGoogle News
દિલ્હી લિકર કૌભાંડમાં પૂર્વ CMની દીકરીના જામીન ફગાવાયા, બાળકની પરીક્ષાનો આપ્યો હતો હવાલો 1 - image


Delhi Excise Policy : તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવની દીકરી અને બીઆરએસ નેતા કે. કવિતાને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટો આંચકો લાગ્યો હતો. દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં તિહાર જેલમાં બંધ કવિતાની વચગાળાની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી. બીઆરએસ નેતા કવિતાની ગત મહિને જ આ કેસમાં ધરપકડ કરાઇ હતી.  2 એપ્રિલે કોર્ટે તેમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. તે 15 એપ્રિલ સુધી જેલમાં રહેશે.

પુત્રની પરીક્ષાનો હવાલો આપ્યો હતો 

કે.કવિતાએ પુત્રની પરીક્ષાનો હવાલો આપી વચગાળાના જામીન મેળવવા કોર્ટમાં અરજી કરી હતી. બીઆરએસ નેતાની અરજી પર સુનાવણી દરમિયાન તેમના વકીલે દલીલ કરી હતી કે કે. કવિતાના પુત્રની પરીક્ષા એપ્રિલ મહિનામાં શરૂ થવા જઈ રહી છે. 16 વર્ષના પુત્રને પરીક્ષા દરમિયાન માતાના સપોર્ટની જરૂર છે. વકીલે વધુમાં કહ્યું કે ભાઈ કે પિતા બંને માતાની ગેરહાજરી પૂરી કરી શકતા નથી, આવી સ્થિતિમાં તેમને વચગાળાના જામીન આપવા જોઈએ.

ઈડીએ કર્યો વિરોધ 

સુનાવણી દરમિયાન ED વતી હાજર રહેલા વકીલ ઝોહેબ હુસૈને કહ્યું કે કવિતા આ કેસમાં મુખ્ય આરોપી છે. તેમણે તેમના મોબાઈલ ફોનમાંથી મળી આવેલા પુરાવા સહિત તેમની સામેના પુરાવા પણ નષ્ટ કરી દીધા છે. EDના વકીલે દાવો કર્યો હતો કે તપાસ એજન્સી આ કેસમાં સફળતા હાંસલ કરવાની અણી પર છે અને કવિતાને વચગાળાના જામીન આપવાથી તપાસમાં અવરોધ આવશે. કવિતાના પુત્રની 12માંથી 7 પરીક્ષાઓ થઈ ચૂકી છે. તે એકલો નથી, કારણ કે તેના પિતા અને મોટા ભાઈ પણ તેની સાથે છે.

દિલ્હી લિકર કૌભાંડમાં પૂર્વ CMની દીકરીના જામીન ફગાવાયા, બાળકની પરીક્ષાનો આપ્યો હતો હવાલો 2 - image



Google NewsGoogle News