ઉત્તર પ્રદેશમાં બનેવીએ લોન લઈ સાળીની સોપારી આપી, મિત્રો સાથે ગેંગરેપ બાદ હત્યા કરી
UP Murder after Gangrape: ઉત્તર પ્રદેશમાંથી એક હચમચાવી મૂકતો કિસ્સો સામે આવ્યો છે. બનેવીએ બેંકમાંથી પર્સનલ લોન લઈને સાળીની સોપારી આપી હતી. આ બનેવીએ મિત્રો સાથે મળીને 21 વર્ષીય પોતાની જ સાળી સાથે ગેંગરેપ કર્યો અને ત્યારબાદ તેની હત્યા કરીને તેના મૃતદેહને સળગાવી મૂક્યો હતો. પોલીસે આખરે યુવતી પર ગેંગરેપ, હત્યા અને મૃતદેહને સળગાવી દેવાના કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ કેસમાં પોલીસે યુવતીના બનેવીની ધરપકડ કરી છે. બનેવીનો દાવો છે કે તેની સાળી તેને બ્લેકમેઈલ કરતી હતી.
બનેવીએ લોન લઈ સાળીની સોપારી આપી
બનેવીએ બેંકમાંથી પર્સનલ લોન લીધી હતી અને પોતાના બે મિત્રોને 30 હજાર રૂપિયામાં સાળીની હત્યાની સોપારી આપી હતી. સાળીની હત્યા કરતા પહેલા બનેવીએ તેના બે મિત્રો સાથે મળીને તેની સાથે ગેંગરેપ પણ કર્યો હતો. ત્યારબાદ તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ મૃતદેહની ઓળખ છુપાવવા માટે ત્રણેયે સાથે મળીને તેના પર પેટ્રોલ છાંટીને તેને સળગાવી દીધી હતી. મૃતક યુવતી ઘણા સમયથી બનેવીને બ્લેકમેલ કરી રહી હતી. તેથી બનેવીએ તેની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
બનેવીએ હત્યાની કબૂલાત કરી
આ ચકચારી કેસ મુદ્દે મુઝફ્ફરનગર પોલીસે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. મુઝફ્ફરનગરના એસપી આદિત્ય બંસલે જણાવ્યું કે, 23 જાન્યુઆરીએ બુઢાણા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામના એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, મારો જમાઈ આશિષ તેના સાથીઓ શુભમ અને દીપક સાથે મારી પુત્રીને લઈ ગયો હતો. અને ત્યારથી મારી પુત્રી ગુમ છે. એસપીએ જણાવ્યું કે, શંકાના આધારે બુઢાણા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ આનંદદેવ મિશ્રાએ આરોપી આશિષને કસ્ટડીમાં લીધો અને તેની કડક પૂછપરછ કરી. આ દરમિયાન આશિષે હત્યાની કબૂલાત કરી લીધી હતી.
આ પણ વાંચો: ટ્રમ્પના ટેરિફ વૉર સામે ચીન, કેનેડા અને મેક્સિકો ભડક્યાં, WTOમાં મુદ્દો ઊઠાવવાની તૈયારી
આરોપી આશિષે જમાવેલી વિગત મુજબ પોલીસ ઘટના સ્થલે પહોંચી હતી, તો કેનાલ પાસેના કાચા રોડની ઝાડીઓમાંથી યુવતીના બળી ગયેલા મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા. પોલીસે ત્યાંથી માનવ ખોપરી, અડધા બળેલા કપડાં, વીંટી, હેર ક્લિપ, વાળ, કોન્ડોમ વગેરે જપ્ત કર્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીએ પોલીસને જણાવ્યું કે, મારા લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા. લગ્ન બાદ મેં મારી પત્નીની નાની બહેન સાથે વાત કરવાનું શરૂ કર્યું અને પછી અમારી નિકટતા વધી. ત્યારબાદ અમારી વચ્ચે સંબંધ બંધાયો. છેલ્લા બે મહિનાથી મારી સાળી પૈસા અને સામાન માટે દબાણ કરી રહી હતી અને મને બ્લેકમેઈલ કરી રહી હતી.
બ્લેકમેઈલથી કંટાળી હત્યાનું કાવતરું ઘડ્યું
આરોપી દૌરાલાની આર્યાવૃત હોસ્પિટલમાં કામ કરે છે. સાળીના બ્લેકમેઈલથી કંટાળીને તેણે તેના મિત્રો શુભમ અને દીપક જે મેરઠ જિલ્લાના સરધના પોલીસ સ્ટેશનના મડિયાઈ ગામના રહેવાસી છે તેમની સાથે મળીને હત્યાનું કાવતરું ઘડ્યું. આરોપીએ બેંકમાંથી પર્સનલ લોન લીધી અને હત્યા કરવા માટે તેના સાથીઓને 30,000 રૂપિયા આપ્યા હતા. યોજના પ્રમાણે ત્રણેય આરોપીઓ છોકરીને પોતાની સાથે નાનૂ કેનાલના કાચા રસ્તા પર લઈ ગયા. પહેલા આરોપીએ વારફરતી યુવતી પર દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ યુવતીને તેના જ દુપટ્ટાથી ગળું દબાવી તેની હત્યા કરી નાખી.જ્યાર બાદ મૃતદેહને સળગાવી દીધો હતો. ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળેથી માનવ ખોપરી, મૃતક યુવતીનો ક્લેચર વગેરે મળી આવ્યા છે. પોલીસે હવે આ મામલે બનેવી જેલ હવાલે કર્યો છે અને તેના સાથીદારોની શોધખોળ કરી રહી છે.