હવે આ દેશના સૈનિકોને દાઢી વધારવાની છૂટ, 100 વર્ષ જૂના નિયમનો અંત, પરંતુ કેટલીક શરતો માનવી પડશે
Image Twitter |
British Army ends Beard ban: આપણે બધા ફિલ્મોમાં જોતા હોઈએ છીએ કે સૈનિકો યુદ્ધના મેદાનમાં મોટી-મોટી દાઢી અને લહેરાતા વાળ સાથે મિશનને અંજામ આપે છે, અને દુશ્મનોને મોતને ઘાટ ઉતારતા જોવા મળતા હોય છે. આ તો ફિલ્મની વાત થઈ, પરંતુ હકીકતમાં કેટલાક દેશોમાં સૈનિકોને દાઢી અને વાળ વધારવાની મંજૂરી જ નથી હોતી. ભારતીય સેનામાં પણ આ જ નિયમો લાગુ પડે છે. બ્રિટિશ આર્મી (British Army Beard Ban) માં તો છેલ્લા 100 વર્ષથી એવો નિયમ હતો કે સૈનિકો દાઢી ન વધારી શકે. પરંતુ હવે આ નિયમ નાબૂદ કરી દેવામાં આવ્યો છે. એટલે હવે બ્રિટિશ સૈનિકો છૂટથી દાઢી વધારી શકશે, પરંતુ આ છૂટ સાથે તેમણે એક શરત માનવી પડશે.
છેલ્લા 100 વર્ષથી દાઢી વધારવા પર પ્રતિબંધ હતો
એક રિપોર્ટ મુજબ, બ્રિટિશ આર્મીમાં કામ કરતા સૈનિકો અને અધિકારીઓ હવેથી દાઢી રાખી શકશે. છેલ્લા 100 વર્ષથી દાઢી વધારવા પર પ્રતિબંધ હતો, જે હવે દૂર કરવામાં આવ્યો છે. આ નિયમમાં ફેરફાર કરવા માટે બ્રિટિશ આર્મીના કમાન્ડર-ઈન-ચીફ કિંગ ચાર્લ્સ પાસે મંજૂરી લેવી જરૂરી છે. એક રીતે આ ત્યાના જવાનો માટે ખુશખબરીના સમાચાર હોઈ શકે છે, પરંતુ તેના માટે તેમને એક શરત પણ માનવી પડશે.
100 વર્ષ જૂના પ્રતિબંધનો અંત આવ્યો
આ અંગે નિયમમાં કહેવામાં આવ્યું છે કે, સૈનિક દાઢી વધારી શકશે, પરંતુ તેમણે સંપૂર્ણ દાઢી રાખવી પડશે. તેઓ ફ્રેન્ચ કટ લુક અથવા અન્ય કોઈ લુકવાળી દાઢી રાખવાની મંજૂરી નથી. આ ઉપરાંત તેઓ દાઢીને અલગ-અલગ રંગોમાં કલર કરી શકશે નહીં, તેમજ દાઢીને પેચમાં પણ રાખી શકશે નહીં. તેઓએ દાઢીને હંમેશા યોગ્ય રીતે સાફ રાખવી પડશે. રિપોર્ટ અનુસાર તેમની દાઢીની હંમેશા રિવ્યુ પણ થતો રહેશે. જેથી કરીને દાઢી સાથે જોડાયેલા નિયમો લાગુ કરી શકાય.
આ કારણસર પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો
રિપોર્ટ પ્રમાણે એવું માનવામાં આવે છે કે આ પ્રતિબંધ એટલા માટે નાબુદ કરવામાં આવ્યો છે, કે જેથી કરીને આજકાલના યુવાનોને સેના તરફ આકર્ષિત કરી શકાય. તેમજ તેઓ પણ દેશની સુરક્ષામાં સક્રિય રીતે પોતાનું યોગદાન આપી શકે. આ સાથે નિયમોને લગતી આ માહિતી વોરંટ ઓફિસર વર્ગ-1, પૌલ કાર્ને દ્વારા જારી કરવામાં આવેલા 4 મિનિટના લાંબા વીડિયોમાં તે વિશેની માહિતી આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે બ્રિટનની રોયલ એરફોર્સમાં વર્ષ 2019થી જ સૈનિકોને દાઢી રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે રોયલ નેવીમાં પણ વર્ષો પહેલા આ પરવાનગી આપવામાં આવી હતી. આ ઉપરાંત બ્રિટન ડેનમાર્ક, જર્મની અને બેલ્જિયમની સેનામાં જોડાતા સૈનિકોને પહેલાથી જ દાઢી વધારવાની મંજૂરી આપવામાં આવે છે.