કલમ 370 પાછી લાવવી, 200 યુનિટ મફત વીજળી : નેશનલ કોન્ફરન્સનો ચૂંટણી ઢંઢેરો
- જમ્મુ-કાશ્મીરમાં રાજકીય પક્ષોના વાયદા બજારનો પ્રારંભ
- પીડીપી પ્રમુખ મહેબૂબા ચૂંટણી નહીં લડે, પુત્રીને મેદાનમાં ઉતારી
શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થવાની સાથે નેશનલ કોન્ફરન્સે તેનું ઘોષણાપત્ર જાહેર કરી દીધું. પક્ષના નાયબ વડા ઓમર અબ્દુલ્લાએ ચૂંટણીને લઈને ઘમા વચનો આપ્યા. તેમણે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં બેરોજગારીની સ્થિતિ આપણે જાણીએ છીએ. ભરતી પ્રક્રિયામાં છેતરપિંડી થઈ છે અને યુવાનોને નોકરીઓ મળતી નથી.
અમે યુવાનોની બેરોજગારીના મુદ્દાનું પ્રતિબિંબ પાડવા માંગીએ છીએ. તેમણે જણાવ્યું હતું કે અમે પાણી અને વીજળીની સમસ્યાનું પણ નિરાકરણ લાવીશું અને ૨૦૦ યુનિટ સુધીની વીજળી મફત આપીશું.
તેમણે વિપક્ષ પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે કેટલાક લોકો અમારા કરતાં વધારે વચનો આપશે, પરંતુ તેનો કોઈ ફાયદો નથી કેમકે તે સત્તામાં આવવાના નથી.
તેમણે કોંગ્રેસ સાથેના જોડાણ અંગે જણાવ્યું હતું કે કોંગ્રેસ અમને બીજા કોઈ સાથે વાત કરવા માટે ફરજ પાડી શકતી નથી. અમે તે લોકો સાથે વાત કરીશું જેની સાથે વાત કરવું અમને પસંદ છે. કોંગ્રેસ કોની સાથે વાત કરવા માંગે છે તે તેના પર નિર્ભર છે.
અમારી અત્યાર સુધી કોંગ્રેસ સાથે વાત થઈ નથી. કોંગ્રેસે અત્યાર સુધી પીડીપી અંગે અમારી સાથે વાત કરી નથી અને અમે હાઇકમાન્ડ સુધી વાત કરી છે.
પીડીપીએ પણ વિધાનસભા ચૂંટણી માટે તેની પહેલી યાદી જાહેર કરી છે. પક્ષે દક્ષિણ કાશ્મીરના મતવિસ્તારો માટે આઠ ઉમેદવારોની જાહેરાત કરી છે. પીડીપી પ્રમુખ મહેબૂબા મુફતીના બદલે આ વખતે તેની પુત્રી ઇલ્તિજા મુફ્તી ચૂંટણીના મેદાનમાં ઉતરી છે. ઇલ્તિજા મુફ્તી બીજબેહાડા વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટણી લડશે તેમ જણાવ્યું હતું. આ બેઠક પરથી ૧૯૯૬માં મહેબૂબા મુફ્તી પહેલી વખત વિધાનસભા ચૂંટણી લડી હતી.
જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં ચૂંટણી થવાની છે. પહેલા તબક્કામાં ૧૮ સપ્ટેમ્બરે ચૂંટણી થશે. આ ચૂંટણી જમ્મુમાં ડોડા, રામબન, કિશ્તવારની સાથે પુલવામા, અનંતનાગ, શોપિયા, કુલગામ જિલ્લાની ૨૪ બેઠક પર થશે.