યુપીમાં ભૂકંપ આવી જશે...: ભાજપના જ બાહુબલી નેતા કેમ કરી રહ્યા છે યોગીના નિર્ણયનો વિરોધ
Nazul Bill: યોગી સરકારના નઝુલ સંપત્તિ બિલને લઈને કેસરગંજથી ભાજપના સાંસદ રહેલા બાહુબલી નેતા બ્રિજભૂષણ શરણ સિંહે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, મને સમજાતું નથી કે, આ બિલ કયા ઈરાદાથી લાવવામાં આવ્યું છે. જો એક લાઈનમાં પૂછવામાં આવે તો આ પગલાથી ઉત્તર પ્રદેશમાં ભૂકંપ આવી જશે. અમારું ગોંડા શહેર 70% નઝુલ જમીન પર વસેલું છે. આવી જ સ્થિતિ આગરા, અયોધ્યા વગેરેની છે.
ગોંડા શહેર 70% નઝુલ જમીન પર વસેલું છે
બાહુબલી નેતાએ કહ્યું કે, સરકારને કદાચ એ નથી ખબર કે, કેટલા લોકો નઝુલની જમીન પર વસેલા છે. સરકારને માત્ર એટલું જ જણાવવામાં આવ્યું છે કે, નઝુલ જમીન કેટલાક ભૂ-માફિયા અને મોટા માથાએ કબજો કરી રાખ્યો છે અને તેનાથી મુક્તિ અપાવવામાં આવે. જોકે, હું મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરવા માંગુ છું કે, તેમણે જનભાવનાને સમજી અને આ નઝુલ સંપત્તિ બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલી દીધું.
પૂર્વ ભાજપ સાંસદે એમ પણ કહ્યું કે, મોટા-મોટા મંદિર પણ નઝુલ પર બનેલા છે. આ રીતે તો એક નહીં હજારો મંદિર તૂટી જશે. ગોંડા શહેર તો 70% નઝુલ જમીન પર વસેલું છે. આગરા અને અયોધ્યા જેવા શહેરોની પણ સમાન સ્થિતિ છે.
બ્રિજભૂષણ શરણ સિંહે આ વાત સૌભાગપુરમાં પોતાના એક પરિચિતને ત્યાં પત્રકારોને કહી હતી. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, આ વખતે થોડી બેઠકો વધુ મળી ગઈ છે પરંતુ તે રાહુલ ગાંધીની ક્ષમતા પર નથી મળી, કેટલાક સમીકરણો એવા બન્યા જેના કારણે મળી છે.
નઝુલ બિલ પર વિવાદ
યોગી સરકારે ઉત્તર પ્રદેશ વિધાનસભામાં નઝુલ બિલ 2024 રજૂ કર્યું હતું અને ભારે હોબાળા વચ્ચે ધ્વની મતથી પસાર કરાવ્યું હતું. ત્યારબાદ ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્યએ ગુરુવારે વિધાન પરિષદમાં આ બિલ રજૂ કર્યું હતું. પરંતુ વિપક્ષની સાથે ભાજપના જ કેટલાક ધારાસભ્યોએ આ બિલનો વિરોધ કર્યો હતો, જેથી આ બિલ ઉપલા ગૃહમાં પસાર થવાના બદલે પ્રવર સમિતિને મોકલી દેવાયું છે. યોગી સરકારમાં કદાચ પહેલી વખત એવું બન્યું છે કે કોઈ બિલ વિધાનસભામાં પાસ થવા છતાં વિધાન પરિષદમાં પાસ ના થઈ શક્યું હોય.