‘આ કોર્ટ પાસે ભારત બહાર કરાયેલ ગુનાઓની સુનાવણી કરવાનો અધિકારક્ષેત્ર નથી’ બ્રિજભૂષણના વકીલની દલીલ
બ્રિજભૂષણના વકીલે કહ્યું, જો અપરાધનો કેટલોક ભાગ ભારતની બહાર અને કેટલોક ભાગ ભારતની અંદર થયો હોય તો પણ કાર્યવાહી કરવા સંબંધિત ઓથોરિટી પાસેથી મંજૂરી લેવી પડે : કોર્ટનો પક્ષકારોને 2 અઠવાડિયામાં દલીલ જમા કરાવવાનો આદેશ, આગામી સુનાવણી 22, 23, 24 નવેમ્બરે હાથ ધરાશે
નવી દિલ્હી, તા.30 ઓક્ટોબર-2023, સોમવાર
મહિલા કુશ્તીબાજોની જાતીય સતામણીના આરોપોનો સામનો કરી રહેલા ભાજપના લોકસભાના સાંસદ અને ભારતીય કુસ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ (Brijbhushan Sharan Singh) પર લગાવાયેલ આરોપો અંગે આજે રાઉઝ એવન્યૂ કોર્ટ (Rouse Avenue Court)માં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં બ્રિજભૂષણના વકીલે કહ્યું કે, આ કોર્ટની પાસે ભારતની બહાર કરાયેલ ગુનાઓની સુનાવણી કરવાનો અધિકારક્ષેત્ર નથી. વકીલે એમ પણ કહ્યું કે, જો અપરાધનો કેટલોક ભાગ ભારતની બહાર અને કેટલોક ભાગ ભારતની અંદર થયો હોય તો પણ કાર્યવાહી કરવા સંબંધિત ઓથોરિટી પાસેથી મંજૂરી લેવી પડે છે.
બ્રિજભૂષણ શરણ સિંહના વકીલે શું કહ્યું ?
બ્રિજભૂષણ શરણ સિંહના વકીલે કહ્યું કે, આ કોર્ટ પાસે ટોક્યો, મંગોલિયા, બુલ્ગારિયા, જકાર્તા, કઝાકિસ્તાન, તુર્કેઈ વગેરેમાં બનેલી આ ઘટનાનો ક્ષેત્ર અધિકાર નથી. સુનાવણી દરમિયાન બ્રિજભૂષણના વકીલે કહ્યું કે, એક ફરિયાદીએ કહ્યું કે, 16 ઓક્ટોબર-2017ના રોજ તેમની શોષણ થયું. ત્યારબાદ તે જ્યારે 17 ઓક્ટોબર-2017ના રોજ કુસ્તી સંઘની ઓફિસે ગઈ હતી, ત્યારે પણ બ્રિજભૂષણ દિલ્હીમાં ઉપસ્થિત ન હતો. વકીલે કહ્યું કે, ફરિયાદીએ 2022ની બુલ્ગારિયા અને કુસ્તી સંઘની ઓફિસની ઘટનાનો ઉલ્લે કર્યો છે, જોકે કુસ્તી સંઘની ઓફિસની ઘટનાનો ઉલ્લેખ ઓવર સાઈટ કમિટી સામે કરાયો ન હતો.
આગામી સુનાવણી 22, 23 અને 24 નવેમ્બરે
કોર્ટે પૂછ્યું કે, શું એવો કોઈ નિર્ણય છે, જેમાં કહેવાયું હોય કે, સતત જાતિય સતામણી કરવી એવો ગુનો છે, જે જુદી જુદી જગ્યાઓ અને સમય પર કરાયો હોય ? દિલ્હી પોલીસે કહ્યું કે, જાતીય સતામણી સતત થતો ગુનો છે, કારણ કે આવું ક્યારેય એક જગ્યાએ બન્યું નથી. જ્યારે પણ આરોપીને તક મળે ત્યારે તેણે ફરિયાદીની જાતીય સતામણી કરી. કોર્ટે તમામ પક્ષકારોને 2 અઠવાડિયાની અંદર લેખિતમાં દલીલ જમા કરાવવાનો આદેશ આપ્યો છે. હવે આગામી સુનાવણી 22, 23 અને 24 નવેમ્બરે રાઉઝ એવન્યુ કોર્ટમાં હાથ ધરાશે.