'કોંગ્રેસનું તો સત્યાનાશ થઈ ગયુ': વિનેશ ફોગાટની જીત પર બ્રિજભૂષણ સિંહનો કટાક્ષ
Image Source: Twitter
Brij bhushan sharan singh on vinesh phogat victory: હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો અંગે ભાજપના પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે જે રીતે ખેડૂતોના નામ પર, પહેલવાનોના નામ પર ભ્રમિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમને જનતાએ નકારી કાઢ્યા છે. બીજી તરફ રેસલર અને કોંગ્રેસના ઉમેદવાર વિનેશ ફોગટની જીત પર બ્રિજ ભૂષણે કહ્યું કે 'તે જીતી ગઈ પરંતુ કોંગ્રેસનું તો સત્યાનાશ થઈ ગયું. જો તે અમારું નામ લઈને જીતી ગઈ તો એનો અર્થ એ કે અમે મહાન માણસ છીએ. કમ સે કમ મારા નામમાં એટલો તો દમ છે કે મારા નામના કારણે તેની નૈયા પાર થઈ ગઈ પરંતુ કોંગ્રેસનું તો સત્યાનાશ થઈ ગયું. હવે રાહુલ બાબાનું શું થશે?'
બ્રિજભૂષણને પૂછવામાં આવ્યું કે, કોના કારણે કોંગ્રેસનું સત્યાનાશ થયું? તો ભાજપ નેતાએ કોઈનું નામ લીધા વિના વિનેશ ફોગાટ તરફ ઈશારો કર્યો. તેમણે કહ્યું કે, તેનું (વિનેશ) શું છે તે તો જીતી જ જશે. તે અહીં (રેસલિંગ) પણ અપ્રમાણિકતાથી જીતતી હતી અને હવે તે ત્યાં પણ જીતી ગઈ છે. પરંતુ તે જીતનારના ચક્કરમાં કોંગ્રેસ પાર્ટી હારી ગઈ છે. આ જીતનાર પહેલવાન નાયક નથી ખલનાયક છે.
બ્રિજભૂષણ શરણ સિંહ પર અનેક જુનિયર મહિલા કુસ્તીબાજોનું યૌન શોષણ કરવાનો આરોપ
નોંધનીય છે કે વિનેશ ફોગાટ એ રેસલરોમાં સામેલ હતા જેમણે ગત વર્ષે દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં બ્રિજભૂષણ શરણ સિંહ પર અનેક જુનિયર મહિલા કુસ્તીબાજોનું યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. કુસ્તીબાજોના આરોપ બાદ ભારતીય કુસ્તી જગતમાં ખળભળાટ મચી ગયો હતો. ભાજપે બ્રિજભૂષણ સિંહની ટિકિટ રદ કરીને તેમના પુત્રને લોકસભાના ઉમેદવાર બનાવ્યા હતા. બ્રિજ ભૂષણ વિરુદ્ધ યૌન શોષણનો કેસ હજુ પણ કોર્ટમાં ચાલી રહ્યો છે.
વિનેશ ફોગાટે જુલાના બેઠક પરથી 6000 મતોની બહુમતી સાથે જીત હાંસલ કરી
તમને જણાવી દઈએ કે હાલમાં જ રાજકારણમાં જોડાનારી પૂર્વ રેસલર વિનેશ ફોગાટે જુલાના બેઠક પરથી 6000 મતોની બહુમતી સાથે જીત હાંસલ કરી છે. કોંગ્રેસે વિનેશ ફોગાટને અત્યંત જટિલ બેઠક પરથી ઉમેદવાર બનાવી હતી. જુલાના બેઠક પરથી ફોગાટ પૂર્વ આર્મી કેપ્ટન અને ભાજપના ઉમેદવાર યોગેશ બૈરાગીને ટક્કર આપી રહી હતી. બૈરાગીને 6000 મતોની સરસાઈથી ધોબીપછાડ આપ્યો છે. આ સિવાય જુલાના બેઠક પરથી જેજેપી તરફથી ઉમેદવાર અમરજીત ધંડા, અને આપની રેસલર કવિતા દલાલે ચૂંટણી લડી હતી.