કોંગ્રેસ નેતા બનતાં જ વિનેશ પર બગડ્યાં બૃજભૂષણ, કહ્યું- 'ચીટિંગ કરી, ભગવાને તમને સજા કરી..'
Brij Bhushan Sharan Singh on vinesh phogat: કુસ્તી મહાસંઘના પૂર્વ પ્રમુખ અને ભાજપ નેતા બૃજભૂષણ શરણ સિંહે હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા પહેલવાનો વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાના કોંગ્રેસમાં સામેલ થવા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કોંગ્રેસના અનેક શીર્ષ નેતાઓ પર નિશાન સાધ્યું છે. પહેલવાનો દ્વારા તેમની સામે શરૂ કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનને યાદ કરતા બૃજભૂષણે કહ્યું કે, આ પગલું બે વર્ષ પહેલા શરૂ કરવામાં આવ્યું હતું.
બૃજભૂષણે કહ્યું કે, લગભગ બે વર્ષ પહેલા આ ખેલાડીઓએ 18 જાન્યુઆરીના રોજ એક ષડયંત્ર શરૂ કર્યું હતું. મેં કહ્યું હતું કે આ એક રાજકીય ષડયંત્ર છે. આમાં કોંગ્રેસ સામેલ હતી, દીપેન્દ્ર હુડ્ડા સામેલ હતા, ભૂપેન્દ્ર હુડ્ડા સામેલ હતા. આ આખી સ્ક્રિપ્ટ લખવામાં આવી હતી. આ કોઈ ખેલાડીઓનું આંદોલન નહોતું અને હવે લગભગ બે વર્ષ પછી એ સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસ આ નાટકમાં સામેલ હતી.
વિનેશ પર આકરા પ્રહાર
એક ન્યુઝ એજન્સી સાથે વાત કરતા બૃજભૂષણે કહ્યું કે, હું દીકરીઓનો ગુનેગાર નથી. દીકરીઓના કોઈ ગુનેગાર છે તો તે બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ છે અને આ સ્ક્રીપ્ટ લખનાર ભૂપેન્દ્ર હુડ્ડા જવાબદાર છે. તેમણે કુસ્તીની ગતિવિધિને લગભગ પોણા બે વર્ષ સુધી ઠપ કરી દીધી.
વિનેશ પર આકરા પ્રહાર કરતા બૃજભૂષણે કહ્યું કે, શું એ સત્ય નથી કે, એશિયન ગેમ્સમાં બજરંગ ટ્રાયલ વિના ગયો હતો. હું કુસ્તી એક્સપર્ટ અને વિનેશ ફોગાટને પૂછવા માગુ છું કે, શું એક ખેલાડી એક દિવસમાં બે વજનમાં ટ્રાયલ આપી શકે છે? શું વજન કર્યા બાદ પાંચ કલાક સુધી કુસ્તી રોકી શકાય છે? તમે નિયમની વાત કરો છો, શું એવો નિયમ છે કે ખેલાડીએ એક દિવસમાં બે વેઇટ કેટેગરીમાં ટ્રાયલ આપી શકે, તેમાં તમે બીજાનો હક નથી માર્યો? શું પાંચ કલાક સુધી કુસ્તી ન અટકાવી? શું રેલવેના રેફરીઓનો ઉપયોગ ન થયો? તમે કુસ્તી જીતીને નહોતા ગયા, તમે ચીટિંગ કરીને ગયા હતા. જુનિયર ખેલાડીઓનો હક મારીને ગયા હતા. ભગવાને તેની જ તમને સજા આપી છે.
હુડ્ડા પર સાધ્યુ નિશાન
ભૂપેન્દ્ર હુડ્ડા પર નિશાન સાધતા તેમણે આરોપ લગાવ્યો કે, 'પહેલવાનોના આંદોલન' પાછળ હરિયાણા કોંગ્રેસના નેતાનો હાથ હતો. આ કોંગ્રેસનું આંદોલન હતું. આ સમગ્ર આંદોલનમાં અમારા વિરુદ્ધ જે કાવતરું ઘડાયું હતું તેનું નેતૃત્વ ભૂપેન્દ્ર હુડ્ડા કરી રહ્યા હતા. હું હરિયાણાના લોકોને જણાવવા માગુ છું કે, દીપેન્દ્ર હુડ્ડા, ભૂપેન્દ્ર હુડ્ડા, બજરંગ અને વિનેશ આ લોકો દીકરીઓના સમ્માન માટે ધરણા પર નહોતા બેઠા. તેમના કારણે હરિયાણાની દીકરીઓને શરમ અનુભવવી પડી રહી છે. આ તમામ બાબતો માટે અમે જવાબદાર નથી. તેના માટે દીપેન્દ્ર હુડ્ડા, ભૂપેન્દ્ર હુડ્ડા અને પ્રદર્શનકારીઓ જવાબદાર છે.
આંદોલનની અસર કુસ્તી પર થઈ- સંજય સિંહ
વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાના કોંગ્રેસમાં સામેલ થવા પર રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના અધ્યક્ષ સંજય સિંહે કહ્યું કે, આ તો થવાનું જ હતું. આખો દેશ જાણે છે કે આ સમગ્ર વિરોધ કોંગ્રેસના ઈશારે થઈ રહ્યો હતો અને તેનો માસ્ટરમાઈન્ડ દીપેન્દ્ર હુડ્ડા એટલે કે હુડ્ડા પરિવાર હતો. આ વિરોધનો પાયો એ દિવસે નખાયો હતો જ્યારે આપણા વડાપ્રધાને બૃજભૂષણ સિંહના વખાણ કર્યા હતા કે કુસ્તી સલામત હાથમાં છે. આ આખું કાવતરું એટલા માટે પણ ઘડવામાં આવ્યું કારણ કે, ઓલિમ્પિકમાં કુસ્તીના 4-5 મેડલ આવવાના હતા. આંદોલનની અસર એ મેડલ પર પણ પડી. ઓલિમ્પિક વર્ષમાં 2 વર્ષ સુધી કોઈ કુસ્તીની કોઈ પ્રવૃત્તિ ન થઈ, તેથી અમને ઓછા મેડલ મળ્યા. અમારા પહેલવાનો પ્રેક્ટિસ ન કરી શક્યા. હવે આ લોકોની અમારા રેસલિંગ એસોસિએશન પર કોઈ અસર નથી થવાની.